Gujarati News

Gujarati News

News of Thursday, 2nd August 2018

મોરબી તાલુકાના ચાંચાપર- ખાનપર- થોરાળા- મોટીવાવડી-માણેકવાડા સહિતના ગામોમાં ધરતીપુત્રોના જીવ વરસાદ વિના પડીકે બંધાયા

પાવર સપ્લાયના ધાંધીયા પણ ચાલું જ છેઃ પાવર ગયા પછી કયારે પરત આવે તે નક્કી જ નથી હોતું!! હવે બેચાર દિવસમાં વરસાદ ન થાય તો લાખો રૂપિયાનો બીયારણ, જંતુનાશક દવાનો અને મજુરીનો ખર્ચો એળે જશે

મોરબી તા.૨: પંથકના ખેડૂતોએ આજદિન સુધીમાં તમામ ઝરમરીયા વરસાદમાં કપાસ વિગેરેનું વાવેતર કરેલ છે. કોઇ વખત સંચરાધાર વરસાદ વરસ્યો જ નથી!!  માત્ર ઝાપટા પડયા છે. વાવેતર કરેલ મોલનો ઉગાવો સારો છે. એક વરસાદની હાલ જરૂરીયાત છે. જો બે ચાર દિવસમાં વરસાદ નહીં વરસેતો પરિસ્થિતિ વિશંભ બને તેમ નિહાળાય છે. અને ખેડૂતોનું લાખો કરોડોનું બી-બીયારણ, જંતુનાશક દવાના ખર્ચનું તેમજ ચડાવેલ મજુરીનું પરિણામ શૂન્યાવકાશમાં ફેરવાઇ જવાની વાતો સાંભળવા મળે છે.

વળી અધુરામાં પુરૂ રાજયની સરકાર ધરતીપુત્રોને આપવાનો થતો બે-ત્રણ વર્ષનો પાક વિમો પણ ચુકવતી ન હોવાથી... હવે શું થશે? તે પ્રશ્ને નિંદર હરામ થઇ ગયાનું સંભળાય છે. તેમજ ખેતી વાડીના પાવરના પણ ધાંધિયા શરૂ થયા છે. ટાઇમ-બે-ટાઇમ પાવર આપવામાં આવે છે. પાવર ગયા પછી કલાકો સુધી કોઇ ભાવ પુછતું નથી. તેમજ શકતશનાળા ગામે આવેલ વિદ્યુત બોર્ડની કચેરીમાં પણ પ્રજાને અપાતો ઘર વપરાશનો પાવર નિયમિત અપાતો નથી.

આ પંથકના ગામડા જયોતિગ્રામ નીચે આવરેલ છે. તેમાં સતત પાવર આપવાને બદલે પાવર આવજા કરે છે. રીપેરીંગ કામ લાંબા સમય સુધી હાથ ધરવામાં આવતું નથી!! તા. ૨૭/૭/ નાં વહેલી સવારે રાત્રે ૩-૦૦ વાગ્યે પાવર ગયો તે ગયો.. ત્યાર પછી સતત બીજા દિવસના સવારના ૭-૦૦ વાગ્યા સુધી પાવર પાંચ-પાંચ મીનીટે આવે!! અને જતો રહે!! આમ, સંતાકુકડીની રમત ચાર-ચાર કલાક ચાલી. ને પ્રજા હેરાન-પરેશાન થઇ ગઇ!! જયારે તા. ૩૧/૭/ ને મંગળવારે સવારના ૫-૦૦ વાગ્યે પાવર ગયો તે ગયો. આમ કોઇ ગામડાનો ભાવ વહીવટીતંત્ર પુછતું નથી.

શકત શનાળાની વિદ્યુત કચેરીમાં રામ ભરોષે વહીવટીતંત્ર ચાલતું હોય પ્રજામાં બુમ જાગી છે. છે કોઇ જોનારો? આ બાબતે ગુજરાત રાજયના મુખ્યમંત્રીને પત્ર પાઠવી, થોરાળાના રહીશ અને મોરબી તાલુકા પંચાયતના પૂર્વ સભાસદ, મેરજા કાન્તીલાલ આર પટેલે તુરત વ્યવસ્થા ગોઠવવા માંગણી કરી હોવાનું જાણવા મળે છે.

ચણાના વેચાણના પૈસા પણ ચુકવાયા નથી

બાજુમાં આવેલ ખાનપર ગામના ઘણા ખાતેદાર ખેડૂતોએ મોરબી- માળીયા સંઘના આજે ચાર-ચાર માસ થયા ચણાનું હજારો મણનું વેચાણ કરેલ છે. પણ, સંઘ તરફથી વેચાણના પૈસા આવા ખેડૂતોને ચુકવાયા નહીં હોઇ અસંતોષ જાગ્યો છે. ખાનપર ગામના કોંગ્રેસી અગ્રણી કાર્યકર જીવરાજભાઇ ગોપાભાઇએ ગુજરાત રાજયના સહકાર ખાતાના પ્રધાનને પત્ર પાઠવી વહેલી તકે રકમ ચુકવવા માગણી કર્યાનું જાણવા મળે છે. (૧.૨)

(12:10 pm IST)