Gujarati News

Gujarati News

News of Thursday, 2nd August 2018

સૌરાષ્ટ્રના મગફળી કૌભાંડ જેવું ભૂજ ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિનું રાયડા ખરીદ કૌભાંડ

કરોડો રૂપિયાની ગેરરીતિ આચર્યાનો પ્રદેશ કોંગ્રેસ આદમ ચાકી સહિતનાનો આક્ષેપ

ભૂજ, તા. ૨ :. ચાલુ વર્ષના મે મહિનામાં ભૂજ ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિ દ્વારા ખેડૂતો પાસે ખરીદ કરવામાં આવેલા રાયડા (તેલબિયા)ની ખરીદીમાં કરોડો રૂપિયાની ગેરરીતિ આચરા સાચા ખેડૂતોને અન્યાય કરી મળતિયા વેપારીઓ પાસેથી બજાર કરતા ઉંચા ભાવે રાયડાની ખરીદી કરી સૌરાષ્ટ્રના મગફળી કૌભાંડ કરતા પણ મસ મોટું કૌભાંડ આચર્યાનો આક્ષેપ કોંગ્રેસના અગ્રણીઓ દ્વારા કરવામાં આવેલ છે.

પ્રદેશ કોંગ્રેસના અગ્રણી આદમભાઈ ચાકી અને કચ્છ જિલ્લા કોંગ્રેસના અગ્રણીઓ ઘનશ્યામસિંહ ભાટી અને ડો. રમેશભાઈ ગરવાની સંયુકત યાદીમાં જણાવ્યા મુજબ તાજેતરમાં જ ગુજરાત રાજયમાં ખેડૂતો પાસેથી સરકારશ્રીની એજન્સી નાફેડ મારફતે ટેકાના ભાવે ખરીદ કરવામાં આવેલ મગફળીમાં ભાજપના આગેવાનોએ મગફળીની ગુણીમાં માટી અને કાંકરા સહિતના વજનદાર પદાર્થ નાખી જે રીતે કૌભાંડ આચરવામાં આવેલ છે એવું જ મસ મોટું કૌભાંડ ચાલુ વર્ષના મે મહિનાની આસપાસ ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિ ભૂજ દ્વારા રાયડા ખરીદીમાં કૌભાંડ થયેલ છે.

ભૂજ તાલુકાના ખેડૂતો પાસેથી ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિ ભુજ દ્વારા રાજ્ય સરકાર વતી ખરીદી માટે નિમાયેલા ઉપજ પ્રોડકશન કુ. મારફતે ખરીદી કરવામાં આવેલ હતી. જેમાં જે તે વખતે એક ટનનું માર્કેટ ભાવ રૂપિયાથી ૨૫ ટકા વધારે રૂપિયા આપી અને પોતાના મળતિયા વેપારીઓ પાસેથી ખરીદી કરવામાં આવી હતી ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિ ભૂજમાં સરકારી એજન્સી મારફતે ખરીદી કરાયેલા રાયડામાં સાચા ખેડૂત ખાતેદારોને યેનકેન પ્રકારે માલની ગુણવત્તા સારી નથી તેવા બહાના હેઠળ હેરાન પરેશાન કરવામાં આવેલ તો બીજી તરફ પોતાના મળતિયા વેપારીઓનો માલ સરળતાથી ખરીદી અને એક જ માલને અનેક વખત બજાર ભાવ કરતા ઉંચી કિંમતે ખરીદી બતાવીને લાખો-કરોડો મસ મોટું કૌભાંડ આચરવામાં આવેલ છે.ખેતી વાડી ઉત્પાદન બજાર સમિતિ ભૂજ દ્વારા ખરીદ કરાયેલ રાયડાની ખરીદીમાં ખરીદ થયેલ તમામ રાયડાની વિગતો જેવી કે જે તે ખેડૂત ખાતેદારોના પુરા નામ, તેમના ગ્રામ પંચાયત તલાટીના, દાખલા અને જે તે ખેડૂતોના બેન્ક ખાતામાં આ સમયગાળા દરમ્યાન થયેલ બેન્ક વ્યવહારોની ખરાઈ તથા જે તે ખેડૂતો દ્વારા તેમણે સમિતિને વેચેલ રાયડો કયા વાહન મારફતે બજાર સમિતિમાં લાવવામાં આવેલ તે સહિતની તમામ વિગતોની તપાસ ઉપરાંત ગાંધીધામ ખાતેના વેર હાઉસના ગોડાઉનમાં ખેતી વાડી ઉત્પાદન બજાર સમિતિ ભુજ મારફતે ખરીદ કરાયેલ રાયડાના જથ્થાની ગુણવત્તા અને સંગ્રહ કરાયેલ માલની ચકાસણી કરીને આ કૌભાંડના જવાબદાર ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિના હોદેદારો તથા જવાબદાર અધિકારીઓએ તથા સરકારશ્રીની એજન્સીના અધિકારીઓએ સામે કાર્યવાહી કરવા માટે રાજયના કૃષિ મંત્રી રાજયના મુખ્ય સચિવને પત્ર લખી માંગણી કરવામાં આવી છે.(૨-૪)

(11:50 am IST)