Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

હવે હળવદ પંથક કોરોના મુક્ત બન્યો : ચરાડવાના આધેડે પણ કોરોનાને મ્હાત આપી : ડિસ્ચાર્જ કરાયા

જૂન માસમાં ચાર કોરોનાના કેસ નોંધાયા હતા. તે તમામ ચારેય દર્દીઓ વારાફરતી સાજા થઈને ઘરે પરત ફર્યા

હળવદ : હળવદ પંથક હવે કોરોના મુક્ત બન્યો છે. હળવદ પંથકમાં જૂન માસમાં ચાર કોરોનાના કેસ નોંધાયા હતા. જેમાં ચારેય દર્દીઓ વારાફરતી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. જેમાં અગાઉ ત્રણ દર્દીઓ સ્વસ્થ થઈને ઘરે પરત આવ્યા બાદ આજે ચરાડવાના આધેડને રાજકોટ હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી. આથી હળવદ તાલુકો હવે કોરોના મુક્ત થયો છે.

હળવદ તાલુકામાં અગાઉ લોકડાઉન દરમિયાન કોરોનાના એકપણ કેસ નોંધાયા ન હતા. લોકડાઉન દરમિયાન એકંદરે કોરોના મુક્ત રહેલા હળવદ પંથકમાં 9 જુનથી કોરોનાના કેસની શરૂઆત થઈ હતી અને 25 જૂન સુધીમાં ચાર કોરોનાના કેસ નોંધાયા હતા. જેમાં હળવદના ઘાંચીવાડ વિસ્તારમાં 60 વર્ષના વૃદ્ધ તથા સોનીવાળ વિસ્તારનું દંપતી અને ચરાડવા ગામના આધેડનો સમાવેશ થાય છે. જોકે અગાઉ 60 વર્ષના વૃદ્ધ અને સોની દંપતીને વારાફરતી હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી. જ્યારે કોરોનાના એકમાત્ર એક્ટિવ કેસ હળવદના ચરાડવા ગામના 54 વર્ષના આધેડ રાજકોટમાં સારવાર હેઠળ હતા. તેઓ પણ સ્વસ્થ થતા તેમને આજે રાજકોટ હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. આમ, હવે હળવદ તાલુકો કોરોના મુક્ત બન્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, હળવદ પંથકમાં 25 જૂન પછી એકપણ કોરોનાનો કેસ નોંધાયો નથી. દરમિયાન હળવદના એક શંકાસ્પદ દર્દીને અમદાવાદમાં ખસેડાયો છે અને તેના સેમ્પલ લેવાયા છે અને તેનો રિપોર્ટ હવે આવશે.

(1:21 pm IST)