Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

૧૦ વર્ષના સંજયે મોતને થાપ આપી

કોરોના લાગુ થવા સાથે અનેક રોગોએ ભરડો લીધો, પણ હિંમત ન હાર્યો : રાજકોટ સિવિલ હોસ્પિટલના કે.ટી.ચિલ્ડ્રન્સ વિભાગે સામાન્ય પરિવારના બાળકને બક્ષ્યું નવજીવન

રાજકોટ તા. ૨ : જીવન અને મૃત્યુ ઈશ્વરના હાથમાં છે, તેવું આપણે ત્યાં કહેવાય છે અને શ્નશ્નજેને રામ રાખે તેને કોણ ચાખે તેવી પણ ઉકિત છે, જે સાચી પડી છે કોરોના સામે વિજયી બનતા જામકંડોરણા તાલુકાના જામદાદર ગામના ૧૦ વર્ષના બાળક સંજય કરસનભાઈ વાઘેલાના કિસ્સામાં.

નાની ઉંમરમાં કોરોના સંક્રમણ થતા સંજયને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ગત તા. ૨૯ મે ના રોજ દાખલ કરાયો હતો.  બાળક દાખલ કરવામાં આવ્યું ત્યારે તેને વયસ્ક લોકોમાં જોવા મળતા ફેફસા, કિડની અને હાર્ટના પ્રોબ્લેમ જોવા મળ્યા. બંને ફેફસામાં ન્યુમોનીયાની અસર સાથે પાણી ભરાઈ ગયું, કેવિટી થઈ ગયેલી, લોહીમાં રસી થઈ ગયેલી, લોહીની ઉલ્ટીઓ થતી, હૃદયના ધબકારા અનિયમિત હોવા, ડાબા પડખામાં (થાપામાં) રસી થઈ ગયેલી, એક કિડની કામ કરતી બંધ થઈ ગયેલી જયારે બીજી કિડની પહેલેથી જ કામ કરતી નહોતી, ફેફસામાં લોહીની નળીમાં જામ જેવી અતિ ગંભીર પરિસ્થિતિમાં બાળક હતું, તેમ ચિલ્ડ્રન હોસ્પિટલના હેડ ડો. પંકજ બુચ જણાવે છે.

સ્ટેટ ટેલિમોનીટરીંગ એકસપર્ટસના અભિપ્રાય સાથે સારવાર શરુ કરી, બાળકને બાયપેપ પર ૮ દિવસ તેમજ ૧૮ દિવસ સુધી ઓકિસજન પર રાખવામાં આવ્યો. લોહી જામવાની પરિસ્થિતિમાંથી બહાર કાઢવા હિપેરીન ટ્રીટમેન્ટ, જરૂર મુજબ સ્ટીરોઈડ સહિતની સઘન સારવાર બાદ કોરોનાને મહાત કરી સંજય તા. ૨૦ જૂનના રોજ મલ્ટીપલ ઓર્ગન ફેલ્યોર કન્ડિશનમાંથી હેમખેમ બહાર આવ્યો.

હાલ બાળકને કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલમાં જરૂરી સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હોવાનું ડો.બુચ ઉમેરે છે. કોવીડ હોસ્પિટલમાં બાળકો માટે ખાસ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. તેમના માટે વેન્ટિલેટર પણ અલગ હોય છે તેને અલગ રીતે ઓપરેટ કરવામાં આવે છે. આ બાળકને ફેફસામાં ઇન્ફેકશન તેમજ કેવિટી હોઈ ખુબ જ ધ્યાનપૂર્વક તેને બાયપેપ તેમજ ઓકિસજન પૂરો પાડવામાં આવ્યો હોવાનું ડોકટરે જણાવ્યું હતું.

મજૂરી કામ કરતા અને સામાન્ય પરિવારમાંથી આવતા સંજયના માતા મધુબેન ગદગદિત સ્વરે જણાવે છે કે, આ બધા ડોકટરો અમારા માટે ભગવાન જ છે. તેઓએ ખુબ સારવાર કરી. આજે સંજય જાતે જ જમી લે છે, અને સારી રીતે તમામ ક્રિયાઓ કરી લે છે. આવનારા દિવસોમાં પહેલા જેવો જ સ્વસ્થ બની જશે તેમ જણાવતા તેઓ ડોકટરની ટીમને તમામ શ્રેય આપે છે.

રાજય સરકારની ગાઈડલાઈન મુજબ હાલના કોરોના મહામારીના સમયમાં સંક્રમિત દર્દીઓનો ઉપચાર જોરશોરથી કરવામાં આવી રહ્યો છે. રાજકોટની કોવિડ સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં ૩૦૦ થી વધુ દર્દીઓ સાજા થઈ ઘરે પરત ફર્યા છે અને તજજ્ઞ ડોકટર્સ સાથે વ્યવસાયિક ક્રિટિકલ કેર નિષ્ણાંત ડોકટર્સની સેવા કોરોનાના દર્દીઓને મળી રહી હોવાનું સિવિલ અધિક્ષક ડો. મનીષ મહેતા જણાવે છે.

(11:26 am IST)