Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd July 2019

બીલખામાં બે પોલીસ કોન્સ્ટેબલ પર તમંચો તાકીને ધમકીઃ મિસ ફાયર થતા બચાવ

રાત્રીના બનાવમાં નામચીન શખ્સ ઉદય વાંકનું પરાક્રમ : વાહન ચેકીંગ દરમ્યાનની ઘટના-ત્રણ શખ્સોની શોધખોળ

જુનાગઢ, તા. ર : બીલખામાં રાત્રે બે પોલીસ કોન્સ્ટેબલ પર નામચીન શખ્સ ઉદય વાંકે તમંચો તાકી ધમકી આપતા સનસની મચી ગઇ હતી.

આ બનાવમાં મિસ ફાયર થતાં બંને પોલીસ કર્મીઓ બચાવ થયો હતો. ઘટના બાદ ઉદય અને તેના બે સાગ્રીતો સાથે ફોર વ્હીલમાં નાસી જતાં પોલીસે શોધખોળ હાથ ધરી છે.

આ સનસનીખેજ બનાવની વિગતો એવી છે કે, બીલખા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ વિપુલભાઇ જેન્તીભાઇ પરમાર અને સાથી પોલીસ કર્મી ભરતભાઇ સોલંકી રાત્રે ૧૦ વાગ્યાની આસપાસમાં વિસાવદર-બીલખા રોડ પર વાહન ચેકીંગ કરતા હતાં.

ત્યારે બીલખાનો ઉદય પુંજાભાઇ વાંક સન્ની કાઠી દરબાર અને અન્ય એક અજાણ્યા શખ્સ સાથે ફોર વ્હીલમાં આવેલ અને વિપુલ પરમારને અહીં શા માટે વાહન ચેકીંગ કરો છો તેમ કહી મેં બીલખામાં અનેક મર્ડર કરી નાંખ્યા છે તેમ જણાવીને વાહન ચેકીંગ કરીને સરકારનું શું સારૂ કરવાના છો તેમ કહીને વિપુલભાઇને ઉદય વાંકે ગાળો ભાંડી હતી અને બાદમાં જ્ઞાતિ પ્રત્યે હડધુત કરી ઉદયે તેની પાસેનો તમંચો વિપુલ પરમારના લમણે તાકી દીધો હતો. આજ પ્રમાણે સાથી પોલીસમેન ભરત સોલંકીને પણ ત્રણેયે ગાળો આપી અને ઉદયે તેના ઉપર પણ તમંચો તાકીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

આ દરમ્યાન તમંચામાંથી મિસ ફાયરીંગ થયેલ જોકે કોઇને ઇજા થઇ ન હતી. બનાવ બાદ ઉદય વાંક, સન્ની કાઠી અને એક અજાણ્યો ઇસમ ફોર વ્હીલમાં નાસી ગયા હતાં.

આ અંગેની જાણ થતા બીલખાનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને ત્રણેય શખ્સોને ઝડપી લેવા માટે નાકાબંધી કરી હતી.

આ અંગે પોલીસ કોન્સ્ટેબલ વિપુલ પરમારે ફરીયાદ નોંધાવતા ઉદય વાંક સહિત ત્રણેય શખ્સો વિરૂદ્ધ આર્મ્સ એકટ હેઠળ તેમજ સરકારી ફરજમાં રૂકાવટ સહિતના ગુના નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

વિશેષ તપાસ ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા ચલાવી રહ્યા છે.

(11:37 am IST)