Gujarati News

Gujarati News

News of Saturday, 2nd June 2018

ભુજઃ ગ્રામીણ વિસ્તારો સુધી સરકારી યોજનાઓનો લાભ પહોચાડવામાં કર્મચારીઓની કામગીરી મહત્વની

તાલુકા વિકાસ અધિકારી સુરેશ વી. જાનીની બદલી થતા માનભર્યું વિદાયમાન અપાયુ

ભુજ, તા. ર : ભુજ તાલુકા પંચાયતના તા.વિ.અ. સુરેશ વી. જાનીની બદલી પાલીતાણા થતાં તેમના વિદાયમાન સમારોહ તાલુકા પંચાયત સભાખંડમાં યોજાઇ ગયો. અંદાજીત પ૦થી યે વધુ સન્માનો કર્મચારીઓ દ્વારા થતાં ભાવુક બનેલા તાલુકા વિકાસ અધિકારી સુરેશભાઇ જાનીએ તેમના ભુજના કાર્યકાળને યાદગાર ગણાવતા કહ્યું હતું કે ગ્રામીણ વિસ્તારો સુધી સરકારી યોજનાઓનો લાભ પહોંચાડવામાં કર્મચારીઓની કામગીરી મહત્વની છે. તેમણે ભુજ તાલુકા પંચાયતની સારી કામગીરી બદલ કર્મચારીઓનો ખાસ આભાર માન્યો હતો તો પ્રજાકીય પ્રતિનિધિઓનો પણ રૂણ સ્વીકાર કર્યો હતો. ભુજન તા.પં.ના પ્રમુખ કંકુબેન ચાવડાના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ સમારોહમાં કર્મચારીઓ વતી પ્રતિભાવ આપતા કચ્છ જિલ્લા તલાટી મંડળના પ્રમુખ રાજુભા જાડેજા એ અધિકારીઓના હકારાત્મક અભિગમથી કર્મચારીઓને પ્રોત્સાહન મળતું હોવાનું જણાવીને સુરેશભાઇ જાનીના સવા વરસના તાલુકા વિકાસ અધિકારી તરીકેના કાર્યકાળની કામગીરી બિરદાવી હતી. ભુજના તા.પં. પ્રમુખ કંકુબેન ચાવડાએ પણ પોતાના પ્રમુખપદ તરીકેના કાર્યકાળ દરમ્યાન પ્રજાકીય કામો પૂર્ણ કરવા માટે અધિકારીઓ કર્મચારીઓ અને સાથી સદસ્યોના મળેલા સહયોગથી પ્રશંસા કરી હતી. આ પ્રસંગે સુરેશભાઇ જાનીને તલાટી મંડળ અને તા.પં. સ્ટાફ વતી રાજુભા જાડેજા અને કાર્યકારી તા.વિ.અ. એચ.એફ. ભટ્ટીએ સ્મૃતિચિન્હ રૂપે મોમેન્ટો અર્પણ કર્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા એન.કે. શ્રીમાળી, જી.પી. રાણા, રાજલબેન ગઢવી, વર્ષાબેન જાની, અને અન્ય કર્મચારીઓ સહયોગી બન્યા હતા. વિદાયમાન સમારોહમાં ટી.પી.ઓ. મહેશ પરમાર સર્કલ ઓફીસર મહેન્દ્ર ઠક્કર એ.કે. ભટ્ટ, ઉપરાંત ભુજ તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન રામજીભાઇ સંઘાણી, સામાજીક ન્યાય સમિતિના ચેરમેન ભાવનાબેન ચાવડા, શાસકપક્ષના નેતા રાજુભા જાડેજા ઉપસ્થિત રહ્યા હતાં. આ કાર્યક્રમમાં વયનિવૃતિના કારણે નિવૃત થતા વિસ્તરણ અધિકારી આંકડા પી.સી. સાપરાને પણ સન્માનીત કરાયા હતા. સ્વાગત પ્રવચન અવનીબેન સોલંકી આભારવિધિ રાજલબેન ગઢવી અને કાર્યક્રમનું સંચાલન મીરાબેન ગઢવીએ કર્યું હતું.

(11:43 am IST)