Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

જામનગરમાં પોથીયાત્રા તેમજ દીપ પ્રાગટય વિધિમાં પૂ. રમેશભાઈ ઓઝાની સાથે અનેક સંતો-મહંતો અને ગુજરાત રાજ્‍યના દિગ્‍ગજ નેતાઓ જોડાયા

જામનગર : જામનગરના આંગણે શ્રીમદ્‌ ભાગવત સપ્તાહનો અનેરો અવસર પ્રારંભ થઈ ચૂકયો છે. ભાગવત સપ્તાહના પ્રારંભે યજમાન શ્રી ધર્મેન્‍દ્રસિંહ જાડેજા (હકુભા)ના નિવાસસ્‍થાનેથી દેવાધિદેવ મહાદેવજીનું પૂજન કરીને પોથીયાત્રાનો પ્રારંભ થયો હતો. જે પોથીયાત્રામાં ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞના મુખ્‍ય વક્‍તા પૂજ્‍ય રમેશભાઈ ઓઝા (ભાઈજી) એક સુંદર અને આકર્ષક બગીમાં જોડાયા હતા. જેઓની સાથે સાથે જામનગરના આણદાબાવા સેવા સંસ્‍થાના મહંત પૂજ્‍ય દેવ પ્રસાદજી મહારાજ, સ્‍વામિનારાયણ સંપ્રદાયના કોઠારી સ્‍વામી પૂજ્‍ય ચતુર્ભુજદાસજી મહારાજ જોડાયા હતા, જ્‍યારે મોટી હવેલીના ગોસ્‍વામી પૂજ્‍ય વલ્લભરાયજી મહોદય નિવાસસ્‍થાને ઉપસ્‍થિત રહ્યા હતા. યજમાન હકુભા જાડેજાએ સર્વેના આશીર્વાદ મેળવ્‍યા પછી પોથીયાત્રાનો પ્રારંભ થયો હતો.  આ પોથીયાત્રામાં રાજસ્‍થાનથી ખાસ પધારેલા કંકુ કેસર માતાજી, મહંત શંભુનાથજી ટુંડિયાવાળા પણ જોડાયા હતા અને આશીર્વચન પાઠવ્‍યા હતા.  આ પોથીયાત્રામાં ગુજરાત રાજ્‍યના પૂર્વ કેબિનેટ મંત્રી  ભૂપેન્‍દ્રસિંહ ચુડાસમા, પૂર્વ કેબિનેટ મંત્રી અને જામનગરના ધારાસભ્‍ય   આર.સી. ફળદુ, ખોડલધામ ટ્રસ્‍ટના પ્રમુખ નરેશ પટેલ, સીદસર ઉમિયાધામના પ્રમુખ જેરામભાઈ વાંસજાળીયા, ઠાકોર સેનાના પ્રમુખ અલ્‍પેશ ઠાકોર, ભાજપ -વક્‍તા વરૂણ પટેલ, જામનગર જિલ્લાના પૂર્વ સાંસદ ચંદ્રેશભાઇ પટેલ, રાજપૂત સમાજના પ્રમુખ અને ડિસ્‍ટ્રીક કો-ઓપરેટિવ બેંકના ચેરમેન પી.એસ. જાડેજા, ઉપરાંત રાજપૂત સમાજના સરદારસિંહ ઝાલા, બ્રિજરાજસિંહ જાડેજા, ગુજરાત યુવા રાજપૂત સમાજના પ્રમુખ ડૉ. જયેન્‍દ્રસિંહ જાડેજા, નગરના પ્રથમ નાગરિક બીનાબેન કોઠારી, સહિતના મહાનુભાવો પોથીયાત્રામાં જોડાયા હતા.  મહેમાનો સહિતનો કાફલો કથા સ્‍થળે પહોંચ્‍યા પછી તેઓ દીપ-પ્રાગટયની વિધિમાં જોડાયા હતા. સંતો મહંતો તેમજ અગ્રણીઓના હસ્‍તે દીપ પ્રજ્‍વલિત કરી ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ કરાવાયો હતો. મુખ્‍ય યજમાન શ્રી ધર્મેન્‍દ્રસિંહ જાડેજા દ્વારા તમામ સંતો મહંતોના આશીર્વાદ મેળવીને તેઓને ભગવદ્‌ ગીતા ભેટ સ્‍વરૂપે અર્પણ કરી હતી. સાથોસાથ અન્‍ય મહેમાનોનું પણ ખેસ પહેરાવી બહુમાન કરાવાયું હતું તેમજ આ મહાનુભાવોને પણ ભગવદ્દ ગીતા અર્પણ કરાઇ હતી. (અહેવાલ : મુકુંદ બદિયાણી, તસ્‍વીર : કિંજલ કારસરીયા)

(2:16 pm IST)