Gujarati News

Gujarati News

News of Saturday, 2nd May 2020

મોરબીની ઉમા ટાઉનશીપના બે એપાર્ટમેન્ટ ક્લસ્ટર ક્વોરોન્ટાઇનમાંથી મુક્ત: સર્વત્ર ખુશી

અધિકારીઓ અને સ્થાનિકોએ એક બીજાને ફૂલડે વધાવીને ખુશી વ્યક્ત કરી

મોરબી : મોરબીની ઉમા ટાઉનશીપના બે એપાર્ટમેન્ટ આજે ક્લસ્ટર ક્વોરોન્ટાઇનમાથી મુક્ત થયા છે. જેથી આ વિસ્તારમાં આજે દિવાળી જેવો માહોલ છવાયો હતો. તમામ લોકોની આંખોમાં ખુશી છલકતી જોવા મળી હતી. આ વેળાએ અધિકારીઓ અને સ્થાનિકોએ એકબીજાને ફૂલડે વધાવ્યા હતા.

મોરબીમાં પ્રથમ કેસ ઉમા ટાઉનશીપમાં નોંધાયો હતો. જેથી તંત્ર દ્વારા અહીંના વૈભવ અને ગીતાંજલિ એપાર્ટમેન્ટને ક્લસ્ટર ક્વોરોન્ટાઇન કરવામાં આવ્યા હતા.જેથી 42ફ્લેટમાં રહેતા 95 લોકો ઘરમાં જ પુરાઈ ગયા હતા. જો કે હવે પરિસ્થિતિ થાળે પડતા આજ રોજ તંત્ર દ્વારા આ બન્ને એપાર્ટમેન્ટને ક્લસ્ટર ક્વોરોન્ટાઇનમાંથી મુક્તિ આપવામાં આવી છે.

આ વેળાએ અધિક કલેકટર કેતન જોશી, પ્રાંત અધિકારી ખાચર, મામલતદાર રૂપાપરા, પીઆઇ ગઢવી, આરોગ્ય અધિકારી ડો. કતીરા, રોગચાળા નિયંત્રણ અધિકારી ચેતન વારેવડીયા,
જિલ્લા પંચાયત પ્રમુખ કિશોર ચીખલીયા, પાલિકા પ્રમુખ કેતન વિલપરા સહિતના હાજર રહ્યા હતા. અધિકારીઓ અને પદાધિકારીઓ તેમજ સ્થાનિકોએ એકબીજાને ફૂલડે વધાવ્યા હતા અને થાળીનાદ સાથે ખુશી વ્યક્ત કરી હતી. વધુમાં આ વેળાએ અધિકારીઓએ સ્થાનિકોને હજુ પણ તકેદારીના પગલાં લેવાનું સૂચન કર્યું હતું.

(9:42 pm IST)