Gujarati News

Gujarati News

News of Saturday, 2nd May 2020

જામનગરને ગ્રીન ઝોનમાં લાવવા કેન્દ્ર સમક્ષ રજૂઆત કરશું : વિજયભાઇ રૂપાણી

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સાથે રાજયમંત્રી હકુભા જાડેજાની વાતચીત : વ્હેલામાં વ્હેલી તકે જામનગરને ગ્રીન ઝોનમાં લાવવા માટે રાજય સરકાર તરફથી પ્રયત્ન કરવામાં આવશે એવી રાજયમંત્રી હકુભા જાડેજાને હૈયાધારણા આપતા મુખ્યમંત્રી : જામનગરના લોકોની લાગણી અને માંગણી સી.એમ. સુધી પહોંચાડતા રાજયમંત્રી

જામનગર, તા. ર :  કોરોના મહામારીના સંદર્ભે ગઇકાલે કેન્દ્ર સરકાર દ્વારા રાજયના જુદા જુદા જિલ્લાઓની ઝોનવાઇઝ વહેંચણી કરવામાં આવી છે અને તેમાં જામનગરનો ગ્રીન ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો નહીં હોવાના મુદ્દે આજે રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સાથે ગુજરાતના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજા દ્વારા મોબાઇલ પર વાતચીત કરવામાં આવી હતનની અને જામનગરના લોકોની લાગણી તથા માંગણી મુખ્યમંત્રી સમક્ષ પહોંચાડી હતી. જવાબમાં મુખ્યમંત્રીએ એવું કહ્યું હતું કે, જામનગરને ગ્રીન ઝોનમાં લાવવા માટે ગુજરાત સરકાર કેન્દ્ર સરકાર સમક્ષ ભારપૂર્વક ભલામણ કરશે.

ગઇકાલે કેન્દ્ર સરકાર તરફથી રાજયના જિલ્લાઓની રેડ ઝોન, ઓરેન્જ ઝોન અને ગ્રીન ઝોન વાઇઝ વહેંચણી કરવામાં આવી હતી અને તેમાં જામનગર જિલ્લાને ઓરેન્જ ઝોનમાં રાખવામાં આવતા લોકો તેમજ જુદા જુદા વેપારી સંગઠનો તરફથી મારા સમક્ષ સતત ફોન દ્વારા એવી લાગણી વ્યકત કરવામાં આવી રહી હતી કે જામનગરનો ગ્રીન ઝોનમાં સમાવેશ થવો જોઇએ અને તાત્કાલિક અસરથી ઓરેન્જ ઝોન દૂર થવો જોઇએ.

આ સંદર્ભે મે આજે સવારે ૧૧ કલાકે રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સાહેબ સાથે મોબાઇલ પર વાતચીત કરી હતી અને એમને કહ્યું હતું કે જામનગરને ગ્રીન ઝોનમાં સામેલ નહીં કરવામાં આવતા જિલ્લાના લોકોમાં રોષની લાગણી છે.

સાથે સાથે મેં મુખ્યમંત્રીને એમ પણ કહ્યું હતું કે કોરોનાની જે ગાઇડલાઇન છે તેમાં એવું સ્પષ્ટ આપવામાં આવ્યું છે કે, ર૧ દિવસ સુધી જો જિલ્લામાં કેસ ન નોંધાયા તો જિલ્લો આપોઆપ ગ્રીન ઝોનમાં આવી જાય છે., આ જોતા જામનગરમાં ગઇકાલ સુધી એટલે કે ર૩ દિવસ થવા છતાં એકપણ પોઝીટીવ કેસ નોંધાયો નથી, આથી જામનગર જિલ્લાનો ગ્રીન ઝોનમં સમાવેશ થવો જોઇએ.

જવાબમાં મુખ્યમંત્રીશ્રીએ મને કહ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા પોતાના ક્રાઇટેરીયા મુજબ યાદી ઝોન મુજબ જાહેર કરાઇ છે. જામનગરના જયારે ર૩ દિવસથી પોઝીટીવ કેસ નોંધાયો નથી, તો આ મામલે રાજય સરકાર કેન્દ્ર સરકાર સમક્ષ જામનગરને ગ્રીન ઝોનમાં લાવવા માટે ભારપૂર્વકની ભલામણ કરશે અને ટુંક સમયમા જામનગર પણ ગ્રીન ઝોનમાં આવી જશે.

આમ, રાજયના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી હકુભા જાડેજા દ્વારા જામનગરને ગ્રીન ઝોનમાં લાવવા માટે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સાથે કરાયેલી વાતચીત અને મુખ્યમંત્રી દ્વારા જે આશ્વાસન અપાયેલ છે તેનાથી એવું લાગે છે કે ટુંક સમયમાં જામનગર જિલ્લાને પણ ગ્રીન ઝોનમાં સમાવી લેવામાં આવશે.

(2:22 pm IST)