Gujarati News

Gujarati News

News of Saturday, 2nd May 2020

ગોંડલમાંથી ગાંજા સાથે પકડાયેલ આરોપીને શરતી જામીન પર છોડવા હાઇકોર્ટનો હુકમ

રાજકોટ તા. રઃ ગોંડલમાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપીનો જામીન ઉપર છુટકારો હાઇકોર્ટે ફરમાવેલ હતો.

રાજકોટ જીલ્લાના સ્પેશ્યલ ઓપરેશન ફોર્સના અધિકારીઓને ખાનગી રાહે બાતમી મળેલ કે ગોંડલમાં હુશેની મસ્જીદવાળી શેરીમાં મોવૈયા રોડ ઉપર ખાનગી મકાનમાં ગાંજાનું વેચાણ ચાલુ છે અને ગેરકાયદેસર પ્રવૃતી થઇ રહી છે. જેથી એસ.ઓ.જી.ના જવાબદાર અધિકારીશ્રીઓએ પ્રાથમીક પંચનામું કરી ઉચ્ચ અધિકારીઓને જાણ કરી સદરહું જગ્યાએ રેડ પાડવા બે સ્વતંત્ર પંચોને સાથે લઇ મોવૈયા રોડ ઉપર રેડ કરેલ હતી જેમાં એક મકાનની બાતમી મુજબ તપાસ કરતા ગેરકાયદેસર ગાંજો વનસ્પતીજન્ય પદાર્થ મળી આવેલ હતો અને પોલીસે કુલ રૂ. ૬ર,૭૪૦/- નો મુદામાલ કબ્જે કરેલ હતો જેમાં આરોપી યાસ્મીનબેન રફીકભાઇ જાંબુડીયા તથા સમીર ઉર્ફે અરવિંદભાઇ ઘુઘાભાઇ ચૌહાણ નામના આરોપીઓની ધરપકડ કરેલ હતી અને આરોપીઓની ગહન તપાસ કરી રાજકોટ સેન્ટ્રલ જેલ હવાલે કરેલ હતા.

ઉપરોકત સંજોગોમાં આરોપી સમીર ઉર્ફે અરવિંદભાઇ ઘુઘાભાઇ ચૌહાણએ સેશન્સ અદાલતમાં જામીન અરજી કરેલ જે જામીન અરજી રદ થતા જામીન ઉપર છુટવા માટે ગુજરાત હાઇકોર્ટમાં ઓનલાઇન જામીન અરજી કરેલ હતી અને તેઓના વકીલશ્રીઓએ એવી રજુઆત કરેલ હતી કે સદરહું જથ્થો કોર્મશીયલ જથ્થો નથી અને નાના જથ્થામાં ગાંજો પકડાયેલ છે પોલીસે કાયદાકીય કાર્યવાહીમાં ઘણીબધી ક્ષતીઓ કરેલ છે અને ફરજીયાત જોગવાઇઓનું એન.ડી.પી.એસ. એકટ હેઠળ પાલન થયેલ નથી અને હાલના આરોપીને ગાંજા સાથે સાંકળતો કોઇ સ્વતંત્ર પુરાવો મળી આવેલ નથી તેવા સંજોગોમાં જામીન ઉપર મુકત કરવા રજુઆતો કરેલ હતી. ઓનલાઇન દલીલોના અંતે હાઇકોર્ટે કાયદાકીય જોગવાઇઓ અને કેસની પરિસ્થિતિ અને બચાવપક્ષની રજુઆતો ધ્યાને લઇ આરોપી સમીર ઉર્ફે અરવિંદભાઇ ઘુઘાભાઇ ચૌહાણને રૂ. ૧પ,૦૦૦/- ના શરતી જામીન ઉપર મુકત કરવા હુકમ ફરમાવેલ છે.

આ કામમાં બચાવપક્ષે પ્રતિક જસાણી, ભગીરથસિંહ ડોડીયા, હેમાંશુ પારેખ, કિરીટ નકુમ, જયવિર બારૈયા, મીલન જોષી, દીપ વ્યાસ, રવિરાજસિંહ જાડેજા, ખોડુ સાકરીયા એડવોકેટ તરીકે રોકાયેલ હતા.

(2:20 pm IST)