Gujarati News

Gujarati News

News of Saturday, 2nd May 2020

આઇ.સી.એમ.આર દ્વારા ભાવનગર મેડિકલ કોલેજને પ્લાઝમા થેરાપી સંશોધનની મંજૂરી

મંજૂરી મળતા ભાવનગર બન્યું દેશનું બારમું તેમજ રાજયનું ત્રીજું પ્લાઝમા થેરાપી સંશોધન કેન્દ્ર

 ભાવનગર,તા.૨: આઈ.સી.એમ.આર. (ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ) દ્વારા ભાવનગર જિલ્લાને પ્લાઝમા થેરાપી સંશોધનની મંજૂરી અપાઈ છે.આ અંગે વધુ વિગતો આપતાં મેડિસીન વિભાગના મુખ્ય તપાસકર્તા ડો.સુનિલ પંજવાણીએ જણાવ્યું હતું કે રાજય સરકાર દ્વારા આઈ.સી.એમ.આર. પાસે ભાવનગર જિલ્લાને પ્લાઝમા થેરાપી સંશોધન અંગેની મંજૂરી મળે તે માટે માંગણી કરાઈ હતી.જે અંગે આઈ.સી.એમ.આર. દ્વારા ભાવનગર જિલ્લાના તમામ પરિમાણો ચકાસી ગત તા.૧૯ એપ્રિલના રોજ જરૂરી એ.ઓ.યુ. કરાયા હતા.અને ત્યારબાદ ૨૭ એપ્રિલે ભાવનગર મેડીકલ ટીમના તમામ સભ્યો સાથે પરામર્શ બાદ ગત ૩૦ એપ્રિલના રોજ ભાવનગર મેડિકલ કોલેજને આ પ્લાઝમા થેરાપી સંશોધનની મંજૂરી અપાઈ હતી.

આ અંગેની વધુ વિગતો આપતાં મેડીકલ કોલેજ,ભાવનગરના ડીન શ્રી ડો.હેમંત મહેતાએ વધુમાં જણાવ્યું હતું કે જો આ થેરાપીના સફળ પરિણામો મળે તો કોઈ નવા રોગ કે વાઇરસ કે જેની દવા ઉપલબ્ધ ન હોય ત્યારે આ થેરાપી ખૂબ અસરકારક સાબિત થઈ શકે છે.

તેમણે ઉમેર્યું હતું કે ભાવનગર જિલ્લામાં કોરોના પોઝિટિવમાંથી કોરોનામુકત થયેલા દર્દીઓની સંખ્યા વધુ હતી તેમજ મેડિકલ કોલેજના તમામ સભ્યોએ આ થેરાપી ની મંજૂરી ભાવનગરને મળે તે માટે ખૂબ તત્પરતા દર્શાવી હતી.અને આઈ.સી.એમ.આર દ્વારા મંજૂરી માટે માંગવામાં આવેલ તમામ આધારો,ઉપલબ્ધ સુવિધાઓ તેમજ ડોકયુમેન્ટેશન પુરા પાડવામાં આપણે સફળ રહ્યા હતા.

જેના પરિણામે ભાવનગરની મેડિકલ કોલેજને આ મંજૂરી મળવામાં સફળતા હાંસલ થઈ.ભારતભરમાં પ્લાઝમા થેરાપીના ૨૫ સેન્ટરો મંજૂર કરવાની જોગવાઈ કરવામાં આવેલ છે.જેમાં ભાવનગર મેડીકલ કોલેજને રાજયની ત્રીજી અને દેશની બારમી પ્લાઝમા થેરાપી સંશોધનની મંજૂરી મળતા આગામી સમયમાં ભાવનગર જિલ્લો ચોક્કસપણે કોવિદ-૧૯ પર વિજય મેળવી કોરોનામુકત જિલ્લો બનશે.

(11:26 am IST)