Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

ગુજરાતી સાહિત્યને આગળ લઇ આવવામાં નરસિંહ મહેતાનો સિંહફાળો : પદ્મશ્રી ભીખુદાન ગઢવી

ભકતકવિ નરસિંહ મહેતાની ૬૧૦મી જન્મ જયંતિ નિમિત્તે નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા 'નરસિંહ વંદના' કાર્યક્રમ

જુનાગઢ, તા. ર : ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જુનાગઢ દ્વારા આદ્યકવિ નરસિંહ મહેતાની ૬૧૦મી જન્મ જયંતિની ઉજવણી 'નરસિંહ વંદના' શીર્ષક હેઠળ યુનિવર્સિટીના કુલપતિશ્રી પ્રો.(ડો.) જે.પી. મૈયાણીના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી. જેમાં ઉપસ્થિત વિદ્વાન વકતાઓએ સમાજોપયોગી વ્યાખ્યાનો આપી નરસિંહ મહેતાના જીવન ચરિત્રને તાદૃશ્ય કર્યું હતું.

મુખ્ય વકતા અને પદ્મશ્રી ભીખુદાનભાઇ ગઢવીએ નરસિંહના વિવિધ પદોનું ગાન કરીને પોતાની આગવી શૈલીમાં કહ્યું હતું કે સમાજ માટે નરસિંહ મહેતાનું સમર્પણ કદી ભૂલી શકાય તેમ નથી. ગુજરાતી સાહિત્યને આગળ લઇ આવવામાં નરસિંહ મહેતાનો સિંહફાળો છે.

શ્રી નરસિંહ મહેતા ચૌરા ટ્રસ્ટના પ્રમુખશ્રી શશીનભાઇ નાણાવટીએ જણાવ્યું હતું કે, નરસિંહ મહેતાએ સામાજિક સમરસતાની જ્યોત જલાવીને જે સામાજિક ક્રાંતિ લાવી છે તે આજે પણ અસામાન્ય ગણાય છે. વૈષ્ણવજન-ગોકુળ-કૃષ્ણ-ગોપીઓ તથા અર્જુનનો ઉલ્લેખ કરીને તેઓએ આદ્યકવિ નરસિંહ મહેતાને સમગ્ર ભારતનું ઘરેણું ગણાવ્યું હતું.

જુનાગઢ મહાનગરપાલિકાના મેયર આદ્યશકિતબેન મજુમદારે કહ્યું હતું કે, પર્વત-પાણી અને પ્રકૃતિના નગર એવા જુનાગઢના નરસિંહ મહેતા પોતે એક તત્વચિંતક, વૈજ્ઞાનિક તથા સાહિત્યકારનો સુભગ સમન્વય છે. રૂપાયતન ટ્રસ્ટના કર્તાહર્તા-સમાહર્તાશ્રી હેમંતભાઇ નાણાવટીએ જણાવ્યું હતું કે નરસિંહ મહેતાએ સતત તપશ્ચર્યા કરીને સોરઠની ભૂમિને ઉજવળી બનાવી છે.

અધ્યક્ષ સ્થાનેથી પ્રાસંગિક સંબોધન કરતા ભકતકવિ મહેતા યુનિવર્સિટીના કુલપતિશ્રી પ્રો.(ડો.) જે.પી. મૈયાણીએ નરસિંહ મહેતાના સમગ્ર જીવનને ગાંઠે બાંધવા જેવુ ગણાવ્યું હતું. વધુમાં જણાવ્યું હતું કે કાળી રાતનો હોકારો એવા લાગણીશીલ નરસિંહ મહેતા સદાય આપણા હૃદયમાં વસે છે. નરસિંહ મહેતા પદો કાયમ રૂડા જ લાગે છે, જે આપણા ચેતાતંત્રને કાયમ ચેતનવંતુ રાખે છે.

આ ઉપરાંત 'નરસિંહ વંદના' કાર્યક્રમમાં યુનિવર્સિટીના કુલસચિવશ્રી ડો. એ.એચ. બાપોદરા, મહિલા આયોગના ઉપાધ્યક્ષ જયોતિબેન વાછાણી, સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન નિલેશભાઇ ધુલેશીયા, જૂનાગઢ મેડીકલ કોલેજના ડીન ડો. એસ.પી. રાઠોડ, હરેશભાઇ દેસાઇ, શૈલેષભાઇ દવે, ડો. સુહાસભાઇ વ્યાસ, ડો. જયસિંહ ઝાલા સહિતના મહાનુભાવો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતાં. અંતમાં આભારવિધિ પ્રો. ડો. ચેતનભાઇ ત્રિવેદીએ કરી હતી. (તસ્વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)

(1:28 pm IST)