Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

ઉનાની મછુન્દ્રી નદી તથા હિરા તળાવ ઉંડા ઉતારવા તથા સફાઈ કામગીરીનો પ્રારંભ

ઉના, તા. ૨ :. ગુજરાતનાં સ્થાપના દિવસથી જળસંચય કરવા માટે નગરપાલિકા-ઉના દ્વારા મછુન્દ્રી નદીની સફાઈ ઉંડી ઉતારવા તથા હિરા તળાવ ઉંડુ ઉતારવાની કામગીરીનો પ્રારંભ કરાયો છે. રાજ્યનાં ૫૮માં સ્થાપના દિવસથી સમગ્ર ગુજરાત રાજ્યમાં જળસંચય અભિયાનનો પ્રારંભ સુજલામ સુફલામ યોજના શરૂ કરાઈ છે. તેના ભાગરૂપે ઉના શહેરમાં પણ વરસાદી પાણીનો સંગ્રહ થાય પાણીની મુશ્કેલી ન પડે તે માટે ઉના નગરપાલિકા દ્વારા ઉના શહેરની મધ્યમાં આવેલ ઐતિહાસીક હીરા તળાવની અંદર રહેલ કાદવ, કાંપ કાઢી સફાઈ કરી ઉંડુ ઉતારવાથી મછુન્દ્રી નદીમાં ઉગેલ ગાંડા બાવળો, કચરો કાઢી સાફ કરી નદીને ચોખ્ખી બનાવવાની કામગીરીનો પ્રારંભ નગર સેવક રાજુભાઈ ડાભી, શહેર ભાજપ પ્રમુખ જીતેષભાઈ શાહ તથા ઉના નગરપાલિકાના વોર્ડના વિવિધ સભ્યો હાજર રહી કામગીરીનો પ્રારંભ કરાવ્યો હતો.

મછુન્દ્રી નદીમાં અંજાર જતા રોડ ઉપર શાહબાગ પાસે ચેકડેમ બનાવેલ છે. તેમાં ઘણા વર્ષોથી કાંપ-માટી ભરાઈ જતા વરસાદી પાણીનો સંગ્રહ ઓછો થતો હોય તેનો પણ આ યોજના દ્વારા માટી, કાંપ, રેતી કાઢવામાં આવે તો ચોમાસામાં પાણીનો સંગ્રહ વધુ થાય તથા શહેર તથા સીમ વિસ્તારની ખેતીવાડીના કુવા તથા બોરમાં પાણીના તળ ઉંચા આવે તેમ છે અને લોકોને આવતા વર્ષે પાણીની તકલીફ પડે નહી તેવી રીતે આયોજન કરવુ જોઈએ.

(11:47 am IST)