Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

ફકતને ફકત રાજનીતિ કરવા અને બે સમાજ વચ્ચેની ખાઇ વધારે ઉંડી બને તે માટે કાયદો લાવવામાં આવ્યો હોય કાયદો પરત ખેંચવાની માંગણી

પ્રેમ એક અહેસાસ છે પ્રેમને ધર્મ સાથે જોડવો વ્યાજબી નથી : ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા,તા. ૨: વિધાનસભા ગૃહમાં ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય (સુધારા) વિધેયક, ૨૦૨૧ રજૂ થયું હતું. જેની ચર્ચામાં ભાગ લેતાં અમદાવાદ શહેરના દરિયાપુરના ધારાસભ્યશ્રી ુગ્યાસુદ્દીન શેખે જણાવ્યું હતું કે, ભારતીય સંવિધાનના અનુચ્છેદ આર્ટીકલ-૨૫ મુજબ નાગરિકે પોતાનો ધર્મ, મનગમતા ધર્મને માનવું, તેનું પાલન કરવું, તેનો અમલ કરવો, તેનો પ્રચાર-પ્રસાર કરવો એવો એને અબાધિત અધિકાર છે. વર્ષ ૨૦૦૩માં આ વિધેયક રજૂ થયું હતું અને એમાં જોગવાઈ હતી કે, કલેકટરની મંજૂરી લઈને તમે ધર્મ પરિવર્તન કરી શકો છો. કોઈની સાથે છળ થાય, કપટ થાય, છેતરપીંડી થાય તો એની સામે આઈ.પી.સી. એકટ અંતર્ગત સખતમાં સખત કાર્યવાહી કરી શકીએ છીએ અને કરવી પણ જોઈએ. કોઈપણ સમાજ છળકપટને કદી સ્વીકારે નહિ. ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજા ફકતને ફકત રાજકીય ઈરાદાઓ માટે, પોતાનો રાજકીય એજન્ડા પાર કરવા માટે અને લોકોની અંદર ઘૃણાની ભાવના ઉભી કરવા માટે અવારનવાર એક જ સમાજને અપમાનિત કરે છે.

શ્રી શેખે જણાવ્યું હતું કે, ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજા વારંવાર આલીયા-માલીયા જેવા શબ્દોનો પ્રયોગ કરે છે ત્યારે મારે એમને કહેવું છે કે, તમે કોઈના માટે સારા શબ્દો વાપરી ન શકતા હોવ તો કાંઈ નહીં કમ સે કમ કડવા વેણ તો ન બોલો. તમે પ્રેમ નથી આપી શકતા તો કાંઈ નહીં નફરત તો ન આપો. ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજા કહેતા હતા કે, આજે મારા માટે બહુ મહત્ત્વનો દિવસ છે ત્યારે મને લાગે છે કે આજે ૧૪ વર્ષ પછી આપણા સહુ માટે સૌથી શરમજનક દિવસ છે.

શ્રી શેખે જણાવ્યું હતું કે, કોઈની સાથે છળ થયું હોય, કપટ થયું હોય, છેતરપીંડી થઈ હોય તો તેની સામે સખત પગલાં લેવાવા જોઈએ અને ફાંસી સુધી ચડાવવા જોઈએ. સરકાર મોંઘવારીને કાબુમાં કરી શકતી નથી, કોરોનાને કાબુમાં કરી શકતી નથી, બેકારીને કાબુમાં કરી શકતી નથી ત્યારે ફકત ને ફકત રાજકીય ઈરાદાઓથી હિન્દુ સમાજને ગુમરાહ કરવા માટે આ બિલ લાવવામાં આવ્યું હોય તેમ સ્પષ્ટ જણાય છે.

કેરળ હાઈકોર્ટની વાત કરવામાં આવી કે કેરળ હાઈકોર્ટમાં લવ જેહાદના કિસ્સામાં લગ્ન રદ્દ કરવામાં આવ્યા, પણ એ કેસ જયારે સુપ્રિમ કોર્ટમાં ગયો ત્યારે સુપ્રિમ કોર્ટે એ લગ્નને કાયદેસર ઠરાવ્યા છે. કેન્દ્ર સરકારની એજન્સી એન.આઈ.એ.ને તપાસ સોંપવામાં આવી ત્યારે આ એજન્સીએ પણ રિપોર્ટ આપ્યો હતો કે, લવ જેહાદ જેવું કાંઈ જ નથી. જયારે સંસદમાં ગૃહ મંત્રીને સવાલ પૂછવામાં આવ્યો કે, લવ જેહાદના કેટલા કિસ્સા સામે આવ્યા ? ગૃહ મંત્રીએ પોતે સંસદમાં કબુલ્યું છે કે, લવ જેહાદ જેવો કોઈ કિસ્સો ભારત દેશની અંદર નથી. કેન્દ્ર સરકારની એજન્સી એન.આઈ.એ.એ રિપોર્ટ આપ્યો હોય અને ગૃહ મંત્રીએ પોતે સંસદમાં કબુલ્યું હોય ત્યારે હવે બીજા કોઈ સર્ટીફીકેટ લેવાની જરૂર નથી.

ઈસ્લામ ધર્મ અને કુરાન પોતે કહે છે કે તમે કોઈનું બળજબરીથી ધર્માંતરણ ન કરાવી શકો. પ્રેમ એક અહેસાસ છે. પ્રેમ કોઈ ધર્મ કે જાતિ જોઈને થતો નથી. લવ જેહાદની જયારે વાતો કરવામાં આવે છે ત્યારે ગૃહ મંત્રી જણાવે કે, ગુજરાતમાં લવ જેહાદના કેટલા કિસ્સા બન્યા છે ? લગ્ન થાય છે, આંતરધર્મી લગ્નો થાય છે તે બંને તરફ થાય છે, એક તરફ નથી થતા. ગુજરાત રાજયમાં એક વર્ષમાં સો કરતા વધુ મુસ્લિમ છોકરીઓએ હિન્દુ ધર્મ અખત્યાર કરીને હિન્દુ સમાજના છોકરાઓ સાથે લગ્ન કર્યા છે, જે લગ્નો રજીસ્ટર્ડ પણ થયા છે.

દરેક બાબતનો છળકપટમાં સમાવેશ કરવો યોગ્ય નથી. છળકપટ કોઈને સ્વીકાર્ય હોઈ શકે નહીં, મને પણ નહીં. છળકપટના નામે લોકોને ગુમરાહ કરવાનું બંધ કરવું જોઈએ. સરકાર લવ જેહાદની વાતો કરે છે અને આ કાયદામાં લવ જેહાદનો કોઈ ઉલ્લેખ નથી. લવ જેહાદના નામે ફકત ને ફકત વાતો જ કરવામાં આવે છે, રાજકીય ભાષણો જ કરવામાં આવે છે. જેને કોઈ જ્ઞાન નથી તે કુરાન અંગે વાતો કરે છે. જેને કોઈ જ્ઞાન નથી તે જાત પર વાતો કરે છે.

ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજાને ટાંકતાં શ્રી શેખે જણાવ્યું હતું કે, જવાબદાર વ્યકતિઓએ કટુતાથી વાત ન કરવી જોઈએ. તેમણે એવી વાત કરવી જોઈએ કે જેનાથી બે સમાજમાં પ્રેમ પાંગરે, બે સમાજમાંથી ઘૃણાઓ દૂર થાય, બે સમાજ નજીક આવે અને ગુનેગારોને સજા આપવામાં આવે. છળકપટ કરનાર વ્યકતિઓને ફાંસી આપવી જોઈએ, પરંતુ છળકપટના નામે રાજનીતિ ન કરવી જોઈએ. ગૃહ મંત્રીશ્રી દ્વારા એક જ સમાજ માટે અવારનવાર થતી ટીપ્પણીથી દિલમાં ખૂબ જ વેદના થાય છે, માનસિક ત્રાસ થાય છે. દરેક બાબતમાં બિલકુલ વિકૃત ટીપ્પણીઓ થવાથી દિલને પણ ચોટ પહોંચે છે. મેં મારા ૧૪ વર્ષના ધારાસભ્યપદ દરમ્યાન કોઈ દિવસ કોઈની પણ લાગણી દુભાય એવું કોઈ કૃત્ય કર્યું નથી કે કોઈ વાત કરી નથી.

હું પુનઃ ઉચ્ચારણ કરું છું કે છળકપટ કરનારને ફાંસીએ ચડાવો એનો વાંધો નથી, વાંધો ફકત એક જ છે કે રાજકારણ ન થવું જોઈએ. બે સમાજ વચ્ચે ઘૃણા પેદા થાય એવું કામ ન કરવું જોઈએ અને એટલે જ બિલનો વિરોધ છે. સરકાર પાસે આઈ.પી.સી.ની ઘણી બધી કલમ છે, ૨૦૦૩માં પણ કાયદો લાવવામાં આવ્યો છે, ઘણી બધી સત્ત્।ાઓ સરકાર પાસે છે ત્યારે છળકપટ કરનાર સામે પગલાં લઈ શકીએ છીએ, પરંતુ આટલી બધી વિશાળ સત્ત્।ા હોવા છતાં આપણી પાસે એવા કોઈ દાખલા નથી કે એવી કોઈ વાત પણ નથી.

એક સમાજ જ દોષી હોય, એક સમાજ જ પ્રેમ કરતો હોય, એક સમાજ જ જેહાદ કરતો હોય તેવી વાત કરવી યોગ્ય નથી. પ્રેમ તો ગમે તેને, ગમે ત્યાં થતો હોય છે. પ્રેમને ધર્મ સાથે જોડવો વ્યાજબી નથી. આ કાયદાના કારણે લોકો અને સમાજમાં વધારે ઘૃણા ફેલાશે. ધર્મના નામે રાજનીતિ કરવા માટે કાયદો લાવવામાં આવ્યો છે એટલે કાયદાનો અમે સખત વિરોધ કરીએ છીએ. સરકારે હિન્દુ યુવતીની નહીં હિન્દુસ્તાની યુવતીની વાત કરવી જોઈએ. હિન્દુ હોય કે મુસ્લિમ હોય, જેની સાથે પણ છળકપટ થાય એની સામે પગલાં લેવાવા જોઈએ. જે રાજયોએ લવ જેહાદના કાયદા બનાવ્યા છે તેને સુપ્રિમ કોર્ટમાં પડકારવામાં આવ્યા છે, હજુ તેના ઉપર નોટીસ ઈસ્યુ થયેલી છે ત્યારે રાજયની ભાજપ સરકારે પણ રાહ જોવી જોઈએ.

કેન્દ્રીય ગૃહ મંત્રી સંસદમાં કબુલે છે કે, લવ જેહાદ જેવું કાંઈ નથી અને બીજી તરફ રાજય સરકારો તે અંગેના કાયદા બનાવે છે, આ બે મોઢાની વાત વ્યાજબી નથી. સરકારે બે સમાજને ગુમરાહ કરવાનું બંધ કરવું જોઈએ. બે સમાજમાં પ્રેમ, સહિષ્ણુતા અને ભાઈચારો રહે એ માટે પ્રયાસ કરવા જોઈએ. આ કાયદો ફકતને ફકત રાજનીતિ કરવા માટે બે સમાજ વચ્ચેની ખાઈ વધારે ઉંડી બને તે માટે જ લાવવામાં આવ્યો હોય તેનો હું સખત વિરોધ કરું છું અને વિધેયક પરત ખેંચવાની માંગણી કરું છું.

(12:52 pm IST)