Gujarati News

Gujarati News

News of Thursday, 2nd April 2020

લોકોનાં સહયોગ સાથે આરોગ્ય-પોલીસ રેવન્યુ તંત્રનાં સંકલનથી જૂનાગઢ જિલ્લામાં કોરોનાનો એક પણ પોઝીટીવ કેસ નોંધાયો નથી

સોરઠનાં આરોગ્ય સેનાનીઓની ફરજ પરસ્તીને સલામ- ડોકટરો સાથે ૧૭૦૦ આરોગ્ય કર્મચારીઓ ૨૪ કલાક આપે છે સેવાઃ ૧૫.૨૭ લાખની વસ્તી પૈકી ૧૧.૬૮ લાખની આરોગ્ય તપાસણી પુર્ણ કરાઇ

જૂનાગઢ તા.૩૧, જૂનાગઢ જિલ્લાની ૧૫.૨૩ લાખની વસ્તી, ૪૫૫૩.૬૭ ચોરસ કિલોમીટર વિસ્તાર, એક કોર્પોરેશન, ૭ નગરપાલિકા અને ૪૯૦ ગામડાઓ ધરાવતો આ જિલ્લો કોરોનાં રોગના વાયરસનાં સંક્રમણને ખાળવામાં આજ પર્યંત સફળ રહ્યો છે. આ સફળતામાં લોકોનો સહયોગ અને લોકજાગૃતિ સાથે આરોગ્ય, પોલીસ અને રેવન્યુ તંત્રનાં સુચારૂ સંકલનની મહત્વની ભૂમિકા રહી છે. લોકડાઉનનો ભંગ કરનાર સામે જિલ્લા પોલીસવડાનાં સ્પષ્ટ નિર્દેશો સાથે પોલીસતંત્રએ કોઇપણની સાડાબારી રાખ્યા વગર દિવસ રાત દોડી કાર્યવાહી કરી છે. આ કડક કાર્યવાહીથી આરોગ્ય વિભાગને કોરોનાને રોકવામાં સહયોગ મળ્યો છે.

જિલ્લા કલેકટરશ્રીનું સ્પષ્ટ માર્ગદર્શન, જિલ્લા વિકાસ અધીકારીશ્રીની કુનેહ સાથે જિલ્લામાં ૩૮ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો,૧૦ સામુહિક આરોગ્ય કેન્દ્રોનાં ૫૦ થી વધુ મેડિકલ ઓફીસર, ૭૫ થી વધુ આયુષ તબીબો, ૫૦૦ થી વધુ વિવિધલક્ષી આરોગ્ય કર્મચારીઓ, ૯૦ થી વધુ ફાર્માસીસ્ટો અને લેબ ટેકનીશીયનો તેમજ ૯૫૦ થી વધુ ગ્રામ્ય સ્તરે કાર્યરત આશાવર્કર બહેનો એમ કુલ મળીને ૧૭૦૦ જેટલા આરોગ્ય કર્મીઓ દ્વારા કાબીલેદાદ કામગીરી કરવામાં આવી છે. આ કર્મચારીઓ દ્વારા જિલ્લાની ૧૫.૨૭ લાખની વસ્તી પૈકી ૧૧.૬૮ લાખનાં આરોગ્યની તપાસણી પુર્ણ કરી લેવામાં આવી છે. જેમાં ૯૯૫ તાવ,૨૩૪૧ શરદી ઉધરશ વાળા દર્દિઓને સારવાર આપવામાં આવી હતી.તેમજ એક જિલ્લા કક્ષાએ અને ૯ તાલુકાકક્ષાએ કવોરેન્ટાઇન ફેસીલીટી સેન્ટરમાં ૨૭૫ વ્યકિતઓ માટે વ્યવસ્થા કરવામાં આવી છે.

૧૧.૬૮ લોકોની લાખની તપાસ પુર્ણ કરવામાં આવી છે. તે પૈકી મુસાફરીની હિસ્ટ્રી ધરાવતા વ્યકિતઓ તેમજ ૬૦ વર્ષથી ઉપરના ૧,૪૫,૨૩૪ વ્યકિતઓ, ૫૯૦૪ સગર્ભા બહેનો,૧૮૩૩૪ ડાયાબીટીશ, બ્લડ પ્રેશર અન્ય કોમ્પલીકેશન વાળા લોકોની મુલાકાત લઇ હેલ્થ ચેક-અપ અને જરૂર જણાયે સારવાર અર્થે આરોગ્યલક્ષી માર્ગદર્શન આપવામાં આવે છે.  ઉપરાંત ખાનગી હોસ્પીટલો કે ડોકટરો પાસે Sever Acute Respiratory Infection નું દર્દી જણાય તો રાજય સરકારશ્રી દ્વારા ઊપલબ્ધ કરાવેલ dr.Techo મોબાઇલ એપમાં ફરજીયાતપણે રીપોર્ટીંગ કરવા સુચના અપાયેલ છે. જેથી તેની યોગ્ય સારવાર કરવા સાથે આવા દર્દીનું જીવન બચાવી શકાય.   મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ચેતન મહેતા, જિલ્લા એપેડેમિક ઓફીસર ડો. ચંદ્રેશ વ્યાસ સહિત તમામ તાલુકા હેલ્થ ઓફીસરો  સવારે ૮-૩૦ કલાક થી ફરજ પર જોડાઇને રાત્રે દ્યરે કયારે જઇ શકાશે તે બાબતની ચીંતા કર્યા વગર સંકટની આ દ્યડીમાં સુપેરે ફરજ બજાવી રહયા છે. દ્યરે ગયા પછી પણ સતત ફોન કોલથી માર્ગદર્શન આપતા રહે છે.આ કામગીરીમાં જયેશ આહયા, જાનીભાઇ કે આરોગ્ય શાખાના તમામ કર્મચારીઓ સતત ખડેપગે ફરજો બજાવે છે.

સર્વેલન્સ અને સતત મોનીટરીંગ

તા.૨: માર્ચ સુધી એકપણ કોરોના પોઝીટીવ કેસ નોંધયો નથી. જૂનાગઢ જિલ્લાને સ્પર્શતા જિલ્લાઓ પૈકી ગીર સોમનાથ, પોરબંદર અને રાજકોટ જિલ્લામાં કોરોનાં સંક્રમણનાં પોઝીટીવ કેસ નોંધાયા છે. જૂનાગઢ જિલ્લામાં  એક પણ પોઝીટીવ કેસ નોંધાયો નથી. તેનું શ્રેય આરોગ્ય કર્મીઓ-તબીબો દ્વારા સર્વેલન્સ કામગીરી તથા સતત મોનીટરીંગ જાય છે. દેશ બહારથી આવેલ ૧૩૪ દર્દીઓ હોય કે સરકારી ફેસીલીટી કે હોમ કવોરોન્ટાઈન દર્દીઓ ઘર બહાર ના નીકળે તેની સતત તકેદારી લેવાઇ છે. ઘર બહાર નીકળે તેની સામે કાયદાનો દંડો ઉગામયો છે. અને પોલીસ પણ એકશનમાં આવી દંડે છે.  

ગ્રામ્ય લેવલે આશા બહેનો અને વિવિધ લક્ષી આરોગ્ય કર્મીઓની કાબીલેદાદ કામગીરી

૪૧૫ જેટલા ગામોમાં ૯૫૦ જેટલી આશા બહેનો તેમજ ૫૦૦ થી વધુ વિવિધલક્ષી આરોગ્ય કર્મચારીઓ પુરૂષ – બહેનોની કાબીલેદાદ કામગીરી કરી છે. આ એ લોકો છે જે ગામડે રહે છે ગામડાની પરિસ્થિતીના જાણકાર છે. ગામમાં કોણ બિમાર છે, કોને શુ તકલીફ છે આ બધુ જાણતા આશા બહેનોએ સર્વેલન્સ તેમજ મોનીટરીંગમાં ખુબ કાળજી લીધી છે. આ કાળજીથી જૂનાગઢ જિલ્લો હજુ કોરોનાં પોઝીટીવથી મુકત છે.

સંકલન- અર્જૂન પરમાર-નાયબ માહીતી નિયામક

(1:10 pm IST)