Gujarati News

Gujarati News

News of Thursday, 2nd April 2020

'અન્ન બ્રહ્મ યોજના'માં જામનગર - જિલ્લાના છેવાડાના લોકોને જીવનજરૂરી વસ્તુઓની કિટ અપાશે : ફળદુ - જાડેજા

વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વિજયભાઇ રૂપાણીનો સંવાદ

અન્ન અને નાગરિક પુરવઠા રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ લોકોને અનુરોધ કર્યો હતો કે, જે લોકો નિયમિત સસ્તા અનાજની દુકાન પરથી રાશન મેળવે છે અને જેઓ અંત્યોદય, બી.પી.એલ કે એ.પી.એલ.-૧ કાર્ડધારક છેઙ્ગ તેઓને જ સસ્તા અનાજની દુકાન પરથી રાશન મળવાપાત્ર છે. આ સિવાયના લોકો કે જેઓ નોન એન.એફ.એસ.એ છે તેઓ દુકાન પર જઈ ભીડ ઉત્પન્ન ના કરે અને સામાજિક અંતર જાળવી પોતાના જીવનને સુરક્ષિત રાખે. ઘરમાં રહે સુરક્ષિત રહે.

જામનગર તા.  ૨ : મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિન ભાઈ પટેલે ગાંધીનગર મુખ્યમંત્રી નિવાસસ્થાનેથી રાજયના જિલ્લા મથકોએ જિલ્લા કલેકટર કચેરીઓમાંઙ્ગ રહેલા રાજય મંત્રીમંડળના મંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સથી કેબિનેટ બેઠક યોજી હતી.

શિક્ષણમંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ગૃહ રાજયમંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજા અને મુખ્ય સચિવ, પોલીસ મહા નિદેશક તેમજ મુખ્ય મંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ અને અગ્ર સચિવ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

વર્તમાન કોરોના વાયરસની સ્થિતિમાં પણ પ્રજાહિતના નિર્ણયો અને પ્રજાલક્ષી કામગીરીમાં રૂકાવટઙ્ગ ના આવે તેવા ઉદ્દાત ભાવ થી વીડિયો કોન્ફરન્સ દ્વારા કેબિનેટનો આ પ્રયોગ દેશભરમાં પ્રથમ વાર ગુજરાતે કર્યો છે.

આ બેઠકમાં જામનગર ખાતે કૃષિ મંત્રીશ્રી આર.સી.ફળદુ અને અન્ન અને નાગરિક પુરવઠા રાજયમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ કલેકટર કચેરી ખાતે ઉપસ્થિત રહી વિડિયો કોન્ફરન્સ દ્વારા કેબિનેટમાં જોડાઈ જામનગર ખાતેના પ્રજાલક્ષી પ્રશ્નોની ચર્ચા કરી હતી સાથે જ મુખ્યમંત્રીશ્રીએ મંત્રીશ્રીઓને જિલ્લામાં એક પણ કોરોના નો કેસ ન બનવા બદલ બિરદાવ્યા હતા સાથે જ સતર્ક રહેવાની પણ સુચના આપી હતી.

સમગ્ર ગુજરાતમાં એન.એફ.એસ.એ. માન્ય અંત્યોદય, બી.પી.એલ અને એ.પી.એલ-૧ના કાર્ડધારકો કે જેઓ દર મહિને સરકારશ્રી દ્વારા રાશન મેળવી રહ્યા છે, તેઓને વિનામૂલ્યે રાશન આપવાનો પ્રારંભ થયો હતો. સાથે જ જેઓ કાર્ડધારકો નથી અને ગરીબ છેવાડાના લોકો છે તેઓને પણ જીવન આવશ્યક વસ્તુઓ પ્રાપ્ય બને તે માટે આગામી દિવસોમાં 'અન્ન બ્રહ્મ યોજના'ને અમલી કરી દરેક જિલ્લાના કલેકટરશ્રીઓ દ્વારા છેવાડાના લોકોને પણ એપ્રિલ માસ માટેની જીવન આવશ્યક વસ્તુઓની કીટ આપવામાં આવશે તેમ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું.

(1:04 pm IST)