Gujarati News

Gujarati News

News of Thursday, 2nd April 2020

ધ્રોલ કિન્નર સમાજ દ્વારા ગ્રામ્ય પંથકમાં ગરીબોને ભરપેટ ભોજનની અનન્ય સેવા

૨૦ બહેનો ૧૦ ભાઇઓ સેવા યજ્ઞમાં જોડાયા છે : હોસ્પિટલમાં ટીફીન પણ પહોચાડાય છે : સ્થાનિક લોકો-વહીવટીતંત્રનો પણ સહકાર મળી રહ્યો છે

ધ્રોલ તા.ર : ધ્રોલ કિન્નર સમાજના નાયક સુધદિ કોરોના વાયરસને કારણે લોકડાઉનની પરિસ્થિતિમાં ગરીબો, શ્રમિકો તથા જરૂરીયાતમંદ ભુખ્યા લોકોની ભુખને સંતોષવા તેમજ આવી લોકોને મદદરૂપ થવાના શુભહેતુ સાથે દરરોજ ૮૦૦ થી ૧૦૦૦ લોકોને ભરપેટ ભોજનનો નિર્ણય કરેલ છે.

ધ્રોલના કિન્નર સમાજ તરફથી આ સેવાકીય પ્રવૃતિ શરૂ કરી સમાજના સુખી સંપન્ન થતા ધનિક વર્ગને રાહ ચીંધેલ છે. તેમજ સમાજ માટે ઉમદા ઉદાહરણ પુરૂ પાડેલ છે. કિન્નર સમાજના નાયક સુધાદેએ જણાવેલ કે, તેઓના કિન્નર સમાજની આ તકે ફરજ બની રહે છે જે સમાજ તેમનો પાલન પોષણ કરે છે તે સમાજ ઉપર આવી પડેલ આ પરિસ્થિતિમાં તેઓ તરફથી ભુખ્યાઓને ભોજન આપવાની ફરજ થઇ પડે છે અને તેના ભાગરૂપે તેઓએ આ સેવા યજ્ઞ શરૂ કરેલ છે. આ સેવાયજ્ઞમાં સ્થાનિક વહીવટીતંત્ર તરફથી સંપુર્ણ સાથ સહકાર સાપડી રહેલ હોવાનો જણાવેલ.

કિન્નર સમાજ તરફથી આ સેવા યજ્ઞમાં દરરોજ રોટલી, શાક, દાળભાત, કઢી, ખીચડી જેવી વાનગીઓ બનાવી એક બોલેરો જીપ તેમજ બે રીક્ષાઓ લઇને ધ્રોલ શહેરની આજુબાજુના પ કિમી અંતરમાં રહેતા ગરીબ કુટુંબો તેમજ આદિવાસી શ્રમિકોના વિસ્તારમાં જઇ આ વિતરણ કાર્ય કરી રહેલ છે.

ધ્રોલ ખાતેના કિન્નર સમાજનો મઠ આશરે ૪૫૦ વર્ષોથી કાર્યરત છે. આ સેવાયજ્ઞની કામગીરી માટે આજુબાજુની ૨૦ જેટલી બહેનો તથા ૧૦ જેટલા યુવાનો સવારે ૯ થી સાંજે ૭ વાગ્યા સુધી વિનામુલ્યે અવિરત સેવા આપી રહેલ છે. કિન્નર સમાજના સુધાદે નાયકે જણાવેલ કે આ સેવાયજ્ઞમાં મદદરૂપ થવા માટે સ્થાનિક લોકોમાં પણ સહકાર સાપડી રહેલ છે.

(11:40 am IST)