Gujarati News

Gujarati News

News of Thursday, 2nd April 2020

કોરોનાથી બચવા લોકો સોશ્યલ ડિસ્ટન્સ જાળવે : ભાવનગરમાં વિડીયો કોન્ફરન્સમાં જોડાતા વિભાવરીબેન દવે

ભાવનગર, તા.૨: જિલ્લા કલેકટર કચેરીના વિડીયો કોન્ફરન્સ હોલ ખાતે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા વિડીયો કોન્ફરન્સ યોજાઈ હતી.જેમાં રાજય શિક્ષણમંત્રી સુશ્રી વિભાવરીબેન દવે ઉપસ્થિત રહ્યા હતા. આ વિડીયો કોન્ફરન્સમા વડોદરા, વલસાડ, પાટણ, ભરૂચ, દાહોદ, રાજકોટ, અમદાવાદ, ભાવનગર, પંચમહાલ, બોટાદ, અમરેલી તથા જૂનાગઢના કલેકટરશ્રી, કમિશ્નરશ્રી તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી સહિતના અધિકારીશ્રીઓ જોડાયા હતા.

રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ વિડીયો કોન્ફરન્સમા જણાવ્યું હતુ કે હાલ રાજયમાં ૮૨ કેસ પોઝીટીવ છે. કોરોના વાયરસની અસર અમદાવાદ, સુરત, વડોદરા, ગાંધીનગર અને ભાવનગર જિલ્લામા વધુ જોવા મળી રહી છે. આ વાઇરસથી બચવા લોકો સોશિયલ ડિસ્ટન્સ જાળવે અને દ્યરમાં રહે તેમ કહ્યુ હતું.

રાજયમા રહેલ પરપ્રાંતીઓને ફુડ પેકેટ/ફુડ બાસ્કેટ આપવાની કામગીરી હાથ ધરવામા આવી રહી છે. આજથી શરૂ થનાર રાસન વહેંચણીમા અંત્યોદય, બી.પી.એલ., એ.પી.એલ.-૧ કાર્ડ ધરાવતા લોકો કે જે દર મહિને રાસન લેતા હોય છે તેવા લોકોને મફતમાં રાસન આપવામાં આવશે.રાજયમંત્રી શ્રી વિભાવરીબેન દવેએ વિડીયો કોન્ફરન્સ પૂર્ણ થયા બાદ જિલ્લામા તકેદારીના ભાગરૂપે કરવામાં આવતી દરેક કામગીરીની માહિતી મેળવી જરૂરી માર્ગદર્શન પુરૃં પાડ્યું હતું તેમજ થયેલ કામની સમીક્ષા કરી હતી.

રાજયમંત્રી સુશ્રી વિભાવરીબેન દવેએ શહેરમાં આવેલ કેટલીક રેશનશોપની પણ મુલાકાત લીધી હતી અને લોકોને પૂરતો જથ્થો મળી રહે છે કે કેમ તે અંગેની માહિતી મેળવી હતી તેમજ આ વાઇરસ સામે લેવામાં આવતા પગલાઓ તથા લોકોને રાખવાની સાવચેતીઓ અંગેની સમજૂતી લોકોને પૂરી પાડી હતી.

આ વિડીયો કોન્ફરન્સમાં જિલ્લા કલેકટર શ્રી ગૌરાંગ મકવાણા, મહાનગરપાલિકાના કમિશનર શ્રી એમ.એ ગાંધી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી વરૂણકુમાર બરનવાલ, સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(11:28 am IST)