Gujarati News

Gujarati News

News of Monday, 2nd April 2018

દ્વારકામાં પ્રેમમિક્ષુજી મહારાજનો ૪૮મો પુણ્યતિથિ મહોત્સવ

પ્રભાત ફેરી, સમુદ્ર પૂજન, ગુરૂદેવને ભાવાંજલિઃ દ્વારકાધીશ મંદિરે ધ્વજારોહણ, શોભાયાત્રા તથા પ્રસાદ

ખંભાળીયા તા. ૨ : દ્વારકામાં તા. ૫ના ગુરૂવારના રોજ શ્રી પ્રેમભિક્ષુજી મહારાજ પ્રેરિત અખંડ હરિનામ સંકિર્તન મંદિર ટ્રસ્ટ તથા સમસ્ત ઓખા મંડળ પ્રેમ પરિવાર દ્વારા સંતશ્રી પ્રેમભિક્ષુકજી મહારાજનો ૪૮મો પુણ્યતિથિ મહોત્સવ યોજાનાર છે.

 

મહોત્સવમાં તા. ૩ સુધી રોજ સાંજે ૬ થી ૮ સુધી પાઠાત્મક કાર્યક્રમો થશે તથા હનુમાન ચાલીસા, નામવંદના અને સુંદરકાંડના પાઠ થશે. તા. ૪ના બુધવારે સંતો - મહંતોના આશિર્વચનો તથા સન્માન સમારંભ યોજાશે તથા તા. ૫ના સવારે પ્રભાતફેરી થશે જે તા. ૫ સુધી રોજ સવારે ૫.૩૦ કલાકે યોજાશે તથા તા. ૫ના રત્નાકર સાગર તટે સમુદ્ર પૂજન અને ગુરૂદેવને ભાવાંજલિ યોજાશે તથા રામનાથ મહામંત્રનો અભિષેક પૂજન સવારે ૧૦ થી ૧૨ તથા ગુરૂદેવનું પૂજન અર્ચન શ્રી પાદુકાપૂજન અને દ્વારકાધીશનું ધ્વજાપૂજન અને આરોહણ યોજાશે.

સાંજે ૪.૩૦ વાગ્યે નગર સંકિર્તન કાર્યક્રમ અને શોભાયાત્રા નીકળશે તથા પ્રેમપ્રસાદી કુટીર શ્રી લોહાણા મહાજન વાડીમાં ભોજન પ્રસાદી તા. ૫ના બપોરે ૧ વાગ્યે યોજાઇ છે.

દ્વારકા પ્રેમભિક્ષુજી મહારાજના ૪૮મા પુણ્યતિથિ મહોત્સવ તથા સુવર્ણ જયંતિ સમારોહમાં વિશેષ કાર્યક્રમો દ્વારકા ગુગળી બ્રાહ્મણની વાડી નં. ૧માં રાખવામાં આવેલ છે.

ગુગળી બ્રાહ્મણ જ્ઞાતિ વાડી નં. ૧માં તા. ૪ના સાંજે ૪.૩૦ થી સાંજે ૬.૩૦ સુધી સંતો-મહંતોની વિશેષ ઉપસ્થિતિ રહેશે. પ.પૂ. જગદ્ગુરૂ શંકરાચાર્યના પ્રતિનિધિ પ.પૂ. બ્રહ્મચાર્ય શ્રી નારાયણાનંદજી શારદાપીઠ દ્વારકા, પ્રસિધ્ધ ભાગવત કથાકાર મહામંડલેશ્વર ૧૦૦૮ શ્રી માં કનકેશ્વરી દેવીજી, ખોખરી હનુમાન મોરબીની વિશેષ પાવન ઉપસ્થિતિ રહેશે તથા સંતો આશિર્વાદ આપવા પધારશે. જેમાં સ.ગુ.કો. સ્વામીશ્રી ગોવિંદપ્રસાદજી સ્વામીનારાયણ તપોભૂમિ દ્વારકા, પ.પૂ. કેશવાનંદજી સ્વામી, સનાતન સેવા મંડળ દ્વારકા, સ્વામીશ્રી કે.પી.શાસ્ત્રી મહંતશ્રી સ્વામીનારાયણ મંદિર દ્વારકા, પ.પૂ. શ્રી શ્યામાનંદજી સ્વામી ભારત સેવા સંઘ દ્વારકા, ભારતી આશ્રમના સંતરી દોલતગીરી મહારાજ, ભકિતધામ દ્વારકાના સંતશ્રી ચંદ્રપ્રસાદદાસજી મહારાજ, હનુમાન દાંડીના સંતશ્રી બ્રહ્માનંદ બાપુ તથા વિશેષ મહાનુભાવ તરીકે દ્વારકાના ધારાસભ્ય ભામાશા શ્રી પબુભા વીરમતા માણેક ઉપસ્થિત રહેશે.

પ્રત્યેક વર્ષે જુદા-જુદા શહેરોમાં પ્રેમભિક્ષુજી મહારાજનો પુણ્યતિથિ મહોત્સવ ઉજવાતો હોય દ્વારકાના આ ઉત્સવમાં સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છના હજારો ભાવિકો જોડાશે.(૨૧.૪)

 

(12:23 pm IST)