Gujarati News

Gujarati News

News of Monday, 2nd April 2018

ગોંડલના રીબડામાં ફોરેસ્ટ અધિકારીઓ પરના ખૂની હુમલા પ્રકરણમાં પૂર્વ ધારાસભ્ય મહિપતસિંહ જાડેજાની ધરપકડ

રાજકોટ,તા. ૨ :. ગોંડલના રીબડામાં ફોરેસ્ટ અધિકારીઓ પર હુમલો કરી કચડી નાખવાના પ્રયાસના ગુન્હામાં ગોંડલના પૂર્વ ધારાસભ્ય મહિપતસિંહ જાડેજાની ધરપકડ કરાઈ હતી.

પ્રાપ્ત વિગતો મુજબ અઠવાડીયા પૂર્વે જૂનાગઢ સ્થિત ટ્રેનીંગ પૂર્ણ કરી પરત ફરી રહેલ ફોરેસ્ટ ખાતાના અધિકારીઓની બસ ગોંડલના રીબડા ગામે આવેલ પેટ્રોલ પંપમાં ડીઝલ પુરાવવા ઉભી રહી હતી ત્યારે બસમાં બેઠેલા ફોરેસ્ટ અધિકારી વીપીનકુમાર સિંઘ તથા સુરેશકુમાર લઘુશંકા કરવા પૂર્વ ધારાસભ્ય મહિપતસિંહના મકાન પાસે જતા પૂર્વ ધારાસભ્ય મહિપતસિંહ જાડેજા અને તેના બે સાગરીતોએ ઉકત બન્ને અધિકારીઓ પર હુમલો કર્યો હતો અને બાદમાં કારથી ઠોકરે ચડાવી કચડી નાખવાનો પ્રયાસ કર્યો હતો.

આ બનાવ અંગે ઈજાગ્રસ્ત ફોરેસ્ટ ખાતાના અધિકારી વીપીનકુમાર સિંઘે પૂર્વ ધારાસભ્ય મહિપતસિંહ જાડેજા તથા તેના બે સાગરીતો સામે ફરીયાદ કરતા ગોંડલ તાલુકા પોલીસે આઈપીસી ૩૦૮, ૩૨૪, ૩૨૫, ૩૨૩ તથા ૫૦૪ મુજબ ગુન્હો દાખલ કર્યો હતો. આ બનાવ બાદ પૂર્વ ધારાસભ્ય મહિપતસિંહ જાડેજા તથા તેના બે સાગરીતો ભૂગર્ભમાં ઉતરી ગયા હતા.

દરમિયાન આ ગુન્હામાં વપરાયેલ સ્કોર્પીયો નં. જીજે ૦૩ કેસી ૧૭૭૧ ભુણાવા ચોકડી પાસેથી બીનવારસુ મળી આવતા પોલીસે કબ્જે કરી હતી અને ડ્રાઈવર તરીકે અરવિંદ વેલજીભાઈ રાજાણીનું નામ ખુલતા ગત તા. ૨૫ના રોજ તેની ધરપકડ કરાઈ હતી. તેની પૂછતાછમાં તેની સાથે હુમલામાં તેનો પુત્ર સામેલ હોવાનું ખુલતા તેની પણ ધરપકડ કરાઈ હતી.

પૂર્વ ધારાસભ્ય મહિપતસિંહ જાડેજાને ઝડપી લેવા અલગ અલગ ટીમો દ્વારા તપાસ હાથ ધરાઈ હતી પણ પોલીસને સફળતા મળી ન હતી. એ દરમિયાન પૂર્વ ધારાસભ્ય મહિપતસિંહ જાડેજા ગોંડલ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી.

બીજી બાજુ પૂર્વ ધારાસભ્ય મહિપતસિંહ જાડેજા રીબડા સ્થિત તેના નિવાસ સ્થાને હોવાની બાતમી મળતા ગોંડલ તાલુકાના ઈન્ચાર્જ એએસપી અમિત વસાવા તથા સ્ટાફે રીબડા ખાતેથી પૂર્વ ધારાસભ્ય મહિપતસિંહ જાડેજાની ધરપકડ કરી હતી.

(1:13 pm IST)