Gujarati News

Gujarati News

News of Saturday, 2nd March 2019

ધર્મ, સંસ્કૃતિ, દેશ અને નાગરિકોની સુરક્ષા સશકત રાજનીતિથી જ શકયઃ યોગી આદિત્યનાથજી

જુનાગઢના મહાશિવરાત્રીના દિવ્ય કુંભ મેળામાં ઉતર પ્રદેશના મુખ્યમંત્રીશ્રી બન્યા મહેમાનઃ શ્રી આદિત્યનાથે પુ. શેરનાથ બાપુના ગોરક્ષ આશ્રમ ખાતે સંતો મહંતો સાથે મળી સંસ્મરણો વાગોળ્યા

જુનાગઢઃ આયોજીત મહા શિવરાત્રી કુંભમેળામાં આજે ઉતર પ્રદેશને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી ઉપસ્થિત રહ્યા છે આ તકે પૂજય શેરનાથબાપુ રાજયમંત્રી ગણપતભાઇ વસાવા સહિતના ઉપસ્થિત રહ્યા હતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજીએ ભવનાથ મંદિરે પૂજન-અર્ચન કર્યું હતું આ તકે ધર્મ સભા પણ યોજાઇ હતી. (તસ્વીરઃ- મુકેશ વાઘેલા જુનાગઢ)

જુનાગઢ, તા.૨:-જુનાગઢ ખાતે ગત તા.૨૭ના મીની કુંભ મેળાનો પ્રારંભ થયેલ છે. જેના અનુસંધાને ઉત્ત્।રપ્રદેશના મુખ્યમંત્રીશ્રી યોગી આદિત્યનાથજી દિવ્ય કુંભ મેળા ખાતે ધર્મસભામાં પધાર્યા હતાં. જે પૂર્વે મુખ્યમંત્રીશ્રી યોગી આદિત્યનાથ શેરનાથ બાપુના ગોરક્ષ આશ્રમની મુલાકાત લીધી હતી. અહી તેમણે હજારો સંતો મહંતોની હાજરીમાં આશ્રમ સાથેના સંસ્મરણો વાગોળ્યા હતાં.

તેમણે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીનો આભાર માનતા જણાવ્યું હતું  કે, તેમના આમંત્રણથી આ કુંભ મેળામાં સંતો મહંતોના સત્સંગનો લાહવો મળ્યો છે. તેમણે આ દિવ્ય અને ભવ્ય મેળાના સુચારુ આયોજન બદલ તેમની પ્રસંશા  કરી હતી.

તેમણે હાલમાં જ પ્રયાગ ખાતે સફળતાપૂર્વક પૂર્ણ થયેલ કુંભ મેળાનો શ્રેય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને આપતા જાણાવ્યું હતું કે, દ્રઢ ઈચ્છા શકિત અને પ્રબળ નિર્ણયશકિતને કારણે આજે દેશમાં ધર્મ અને સંસ્કૃતિ પ્રત્યે આત્મસન્માનમાં વધારો જોવા મળી રહ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે ધર્મ, સંસ્કૃતિ, દેશ અને નાગરિકોની સુરક્ષા સશકત રાજનીતિથી જ શકય બને છે. આતંકવાદીઓ સામે પ્રધાનમંત્રીશ્રી મોદીએ લીધેલ પગલાઓ થકી દેશ મજબૂત હાથમાં હોવાનું પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સાબિત કરી બતાવ્યું છે.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની નાદુરસ્ત તબિયતના કારણે તેઓ કુંભ મેળામાં ઉપસ્થિતના રહી શકયા હોઈ આ તકે મુખ્યમંત્રીશ્રી આદિત્યનાથજીએ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી જલ્દીથી સ્વસ્થ બને તેવી શુભકામના પાઠવી હતી.

આ પ્રસંગે ગોપાલાનંદજી બાપુએ પ્રયાગ ખાતે કુંભ મેળાના સુંદર આયોજન બદલ મુખ્યમંત્રીશ્રી આદિત્યનાથજીની પ્રસંશા કરી હતી. મહંત શ્રી શેરનાથ બાપુએ પ્રાસંગિક પ્રવચન કર્યુ હતું.    

મુખ્યમંત્રીશ્રી આદિત્યનાથજીએ આશ્રમ ખાતે શિવ મંદિર તેમજ ગુરુ સમાધિની મુલાકાત લઈ નતમસ્તક વંદન કર્યા હતાં. વિવિધ સંસ્થાઓ દ્વારા તેઓનુ પુષ્પહાર, શાલ તેમજ પુસ્તક આપી સ્વાગત કરાયું હતું.

આ પ્રસંગે પ્રવાસન મંત્રીશ્રી ગણપતભાઈ વસાવા, સતાધારના મહંતશ્રી વિજય બાપુ તેમજ અન્ય સંતો મહંતો અને મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતાં.

જીવ અને શીવનો જયાં સંગમ થાય છે, એવા ગરવા ગિરનારની ગોદમાં યોજાતા પ્રસિદ્ઘ શીવરાત્રીના મેળાના આજે ત્રીજા દિવસે યોજવામાં આવેલા સામાજિક સમરસતા સંમેલનમાં ઉત્ત્।રપ્રદેશના મુખ્યમંત્રીશ્રી યોગી આદિત્યનાથ સહભાગી બન્યા હતા અને તેમણે સ્પષ્ટ શબ્દોમા જણાવ્યું કે, સમતા મૂલક સિદ્ઘાંતના આચરણથી જ દેશમાં સમરસતાનું સ્થાપન થશે. કોઇ પણ પ્રકારની અસ્પૃશ્યતાને સનાતન ધર્મ માન્યતા આપતો નથી.

ઉકત સંદર્ભમાં મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથે કહ્યું કે, ગીતાજીમાં ભગવાન શ્રી કૃષ્ણએ કર્મના સિદ્ઘાંત સાથે સામાજિક સમરસતાની પણ સુંદર વાત કરી છે. ભગવાને પણ અસ્પૃશ્યતાનો અસ્વીકાર કર્યો છે. આપણે જો દેશોનો વિકાસ કરવો હોય તો જાતિ, ધર્મ, ઊંચનીચના ભેદભાવને ભૂલાવવા પડશે.

શ્રી યોગીજીએ વધુમાં ઉમેર્યું કે, ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી જો પોતે સફાઇ કર્મચારીના પગ ધોતા હોય તો એ દેશમાં સામાજિક સમરસતા હોવી જ જોઇએ. તે પણ આ બાબતનો સ્પષ્ટ સંદેશ આપે છે.

તેમણે એમ પણ કહ્યું કે, વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનના કારણે જ પ્રયાગરાજના કુંભમાં સામાજિક સમરસતા છવાય ગઇ છે અને તેને વૈશ્વિક કક્ષાએ નોંધ લેવાઇ છે. આપણ આ કુંભ મેળાઓ ધાર્મિક, આધ્યાત્મિકતાના સંદેશ સાથે એકરૂપતાના પણ ઉદાહરણરૂપ છે.

યુ.પી.ના મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, દેશને આજે મજબૂર નહી, પણ મજબૂત વડાપ્રધાનની જરૂર છે. શ્રી નરેન્દ્રભાઇ મોદીના સક્ષમ નેતૃત્વના કારણે જ આજે પાકિસ્તાનને જવાબ મળ્યો છે.

તેમણે શ્રી મોદી જેવી સબળ નેતૃત્વ દેશને આપવા બદલ ગુજરાતનો આભાર પણ માન્યો હતો અને સરકાર દ્વારા ચલાવવામાં આવેલી વિવિધ યોજના પરિણામે સ્થાપાયેલી સમરતાનો ઉલ્લેખ કર્યો હતો.

ધર્મસભાના પ્રારંભે અનંત શ્રી વિભૂષિત મહામંડલેશ્વર સ્વામીશ્રી અલખગીરી મહારાજે પ્રાસંગિક ઉદબોધન કરત જણાવ્યું હતું કે, મીની કુંભ મેળો સામાજિક સમરસતાનું પ્રતિક છે. હિંદુ ધર્મ સામાજિક સમરસતાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. ધર્મક્ષેત્ર ગિરનારમાં મેળામાં સામાજિક અને આધ્યાત્મિક સમરસતાનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ જોવા મળે છે. શ્રી અલખગીરી મહારાજે સર્વ હિંદુસભાના આચાર્ય પ્રધાનશ્રી, મહામંડલેશ્વરો સર્વે સંતો મહંતો, ભાવીકો  ભકતનું સ્વાગત કર્યુ હતું.   

ધર્મસભામાં ઉપસ્થિત આર્ષ વિદ્યામંદિરના પુ.પરમાત્માનંદજીએ ઉદબોધનમાં કુંભ મેળો એ સામાજિક સમરસતાનું  ઉત્ત્।મ ઉદાહરણ પુરું પાડી રહ્યાનું અને શ્રેષ્ઠ રાષ્ટ્રના નિર્માણ માટે સમરસતા જરૂરી હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, રાષ્ટ્ર ત્યારે જ સશકત બને જયારે તમામ સમાજનો સપ્રમાણ વિકાસ થાય. રાષ્ટ્રને મજબૂત  બનવવા આપણે સૌ ભારત માતાના સંતાન છીએ તે ભાવના કેળવવી પડશે તેવુ મહાત્મા ગાંધીજી અને સ્વામી વિવેકાનંદના ઉદાહરણ દ્વારા શ્રી પરમાત્માનંદજીએ ભારપૂર્વક જણાવ્યું હતું.આ વેળાએ વન અને પર્યાવરણ મંત્રીશ્રી ગણપતભાઇ વસાવા, સાસંદશ્રી રાજેશભાઇ ચુડાસમા, ધારાસભ્યશ્રી દેવાભાઇ માલમ, મેયર શ્રીમતિ આદ્યશકિતબેન મજમુદાર, સંતશ્રી દિલીપદાસ બાપુ, શ્રી ઇન્દ્રભારતીબાપુ, શ્રી તનસુખગીરીબાપુ, શ્રી શેરનાથબાપુ, શ્રી શૈલજાદેવી, પ્રવાસન નિગમના એમ.ડી. જેનુ દેવન, પવિત્ર યાત્રાધામ બોર્ડના સચિવશ્રી અધ્વર્યુ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

(3:56 pm IST)