Gujarati News

Gujarati News

News of Sunday, 2nd February 2020

સુરેન્દ્રનગર પાલિકાની બેઠક ૧ મિનિટમાં પૂરી ભાજપના ૨૪ સભ્યોની સહીથી ૧૦૪ એજન્ડાને બહુમતીથી બહાલી

શાસક ભાજપે કોંગ્રેસને વિરોધ પણ ન કરવા દીધો : બેઠક પૂર્ણ થયા બાદ કોંગ્રેસના સભ્યોએ COની ચેમ્બરમાં દેકારો મચાવ્યો

વઢવાણ, તા.૧: ભાજપની બહુમતી ધરાવતી સુરેન્દ્રનગર પાલિકાની સામાન્ય સભામાં કોંગ્રેસના સદસ્યો વિરોધ કરે તે પહેલા માત્ર એક જ મિનીટમાં ભાજપે બહુમતીના જોરે બોર્ડની કાર્યવાહીને મંજુર કરીને ચાલતી પકડતા કોંગ્રેસના સદસ્યોએ દેકારો બોલાવ્યો હતો.બાદમાં ચીફ ઓફિસરની ચેમ્બરમાં ધસી જઇને કોંગ્રેસના સદસ્યોએ દેકારો મચાવ્યો હતો. અને ભાજપની બોડી ઉપર આકરા પ્રહારો કર્યા હતા.

નગરપાલિકાના પ્રમુખ વિપીનભાઇ ટોલીયા, કારોબારી ચેરમેન બકાલાલ પરમાર, ઉપપ્રમુખ જીજ્ઞાબેન પંડયા, ભાસ્કરભાઇ દવે અને ચીફ ઓફિસર સંજયભાઇ પંડયાની અધ્યક્ષતામાં  સભાની બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં બોર્ડની શરૂઆતમાં પ્રમુખે જે એજન્ડામાં પ્રશ્નો હતા તેની ચર્ચા કરીને માત્ર એક જ મિનીટમાં ભાજપના ૨૪ સદસ્યોની બહુમતી સાથે બોર્ડની કાર્યવાહી આટોપીને બોડીના સદસ્યો રવાના થયા હતા. આથી કોંગ્રેસના સભ્યો મહેબુબખાન મલેક, માલાભાઇ ગરીયા, છેલાભાઇ મકવાણા, શોભનાબેન ગોવિંદીયા, ગૌતમભાઇ પરમાર, મરીયમબેન મમાણી સહિતનાઓએ દેકારો મચાવ્યો હતો. અને ભાજપ ઉપર અનેક આક્ષેપો કર્યા હતા. કોઇ શાંભળનાર ન હોવાથી કોંગ્રેસના સદસ્યો ચીફ ઓફિસરની ચેમ્બરમાં દ્યુસી ગયા હતા. અને રોષ સાથે રજૂઆત કરી હતી. કોંગ્રેસના વિરોધને કારણે બોર્ડની કાર્યવાહી રાજકિય ચર્ચાનો વિષય બની ગયો હતો.કુલ ૧૦૪ એજન્ડા સાથેના આ બોર્ડમાં શહેરીજનોના વિકાસ માટે રૂ.૨૪.૪૧ કરોડના કામો મંજુર કરવામાં આવ્યા હતા.

મહિલા સદસ્યના પતિઓને બહાર બેસાડયાં

સામાન્ય રીતે મહિલા સદસ્યાના પતી બોર્ડની કાર્યવાહીમાં સાથે આવતા હોય છે. અને તેમને સદસ્યાઓની સાથે સીટી પણ આપવામાં આવતી હતી. પરંતુ આ બોર્ડમાં મહિલા સદસ્યાઓના પતીને બહાર બેસવાનું કહેતા વિવાદ સર્જાયો હતો.વિરોધ બાદ પણ પતિને બહાર બેસાડયા હતા.

(11:40 am IST)