Gujarati News

Gujarati News

News of Sunday, 2nd February 2020

ભુજના બોગસ રેશનકાર્ડ મુદ્દે હાઇકોર્ટની તાકીદ પછી પુરવઠા વિભાગે સોગંદનામું કરી તપાસ માટે આપી ખાત્રી

અગ્રણી આદમ ચાકીએ રજૂ કરેલા પુરાવાને પગલે હાઇકોર્ટે તપાસ માટે કરી તાકીદ, ભુજમાં તપાસ દરમ્યાન અધુરાશો હોવાનું પણ તંત્રએ સ્વીકાર્યું, માત્ર ૩૨% કાર્ડ તપાસાયા

ભુજ,તા.૧: ભુજમાં ૧૩૭૨૧ બીપીએલ રેશનકાર્ડમાં રાજકીય આગેવાનો અને દાતાઓ ના નામ પણ સામેલ હોવાના આધારપુરાવાઓ સાથે સસ્તા અનાજના દુકાનદારો દ્વારા ચાલતા કૌભાંડની તપાસ માટે અગ્રણી આદમ ચાકીએ હાઇકોર્ટમાં રિટ કરી હતી. ગત જુલાઈ ૨૦૧૯ માં હાઇકોર્ટે આ જાહેરહિતની અરજીને પગલે તપાસ માટે આદેશ આપ્યો હતો. દરમ્યાન કચ્છ જિલ્લા પુરવઠા તંત્રએ હાઇકોર્ટમાં જણાવ્યું હતું કે, ૧૩૭૨૧ બીપીએલ કાર્ડ પૈકી ૪૪૫૪ ની તપાસ થઈ છે, જેમાં ૪૩૮ કાર્ડધારક પરિવારો સ્થાનિકે મળ્યા નથી. તો નોન એનએફએસ બીપીએલ કાર્ડ ધારકો પૈકી ૩૮ કાર્ડ ધારક પરિવારો સ્થાનિકેઙ્ગ રહેતા નથી. દરમ્યાન આ કેસ અંગે ગઈકાલે કચ્છ જિલ્લા પુરવઠા તંત્રએ હાઇકોર્ટમાં સોગંદનામું કરીને તપાસ માટે ખાત્રી આપી હતી. હાઇકોર્ટે આ તપાસ માટે અપાયેલી ખાત્રીને સ્વીકારીને આ જાહેરહિતની અરજીનો નિકાલ કર્યો હતો. જોકે, કચ્છભરમાં બોગસ બીપીએલ કાર્ડ, અંગુઠા લીધા વગર જ બારોબાર અપાતું અનાજ અને સસ્તા અનાજના નામે થતાં કાળાબજારનો મુદ્દો ભારે ચર્ચામાં રહ્યો હતો. જાહેર હિત માટે રાજકીય અને સામાજિક અગ્રણી આદમ ચાકીએ આ અંગે સતત જિલ્લા કલેકટરને રજૂઆતો કર્યા બાદ હાઇકોર્ટમાં જનહિત સંદર્ભે રિટ કરી હતી. જેને પગલે ભુજ શહેર અને તાલુકામાં સસ્તા અનાજની વિતરણ વ્યવસ્થામાં સુધારો પણ થયો હતો. હવે, જયારે તંત્રએ નામદાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ એ રજૂઆત કરી છે કે, તપાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે, અને બોગસ રેશનકાર્ડ મામલે પગલાં લેવાશે જ. ત્યારે એ અપેક્ષા રાખીએ કે, સરકાર દ્વારા ગરીબ પરિવારો માટે અપાતું અનાજ સાચા લાભાર્થીઓ સુધી પહોંચે અને સરકાર તેમ જ ગરીબોને નામે ખોટું કરનારાઓ સામે કાયદાકીય કાર્યવાહી થાય.

(10:38 am IST)