Gujarati News

Gujarati News

News of Sunday, 2nd February 2020

સોમનાથ થી સોમવારે ''રન ફોર ભગતસિંહ સાઈકલયાત્રા''નું પ્રસ્થાનઃ ૩૦થી વધુ યુવાનો જોડાશે

પાંચ રાજયોમાં ૨૮ શહેરોમાં સભાઓ, પર્યાવરણ જાગૃતિનો સંદેશો પ્રસરાવાશે : ૧૮૦૦ કિ.મી.ની સાઈકલ રેલી, એક લાખ સહિઓ સાથેનું આવેદન રાષ્ટ્રપતિને અપાશે

રાજકોટ, તા. ૧ : ભારતની આઝાદીની લડતમાં જેનો સિંહફાળો છે તથા ભારતીય યુવા હૃદયની જેને ધડકન ગણવામાં આવે છે તેવા ક્રાંતિવીર શહીદ ભગતસિંહને ભારતનો સર્વોચ્ચ રાષ્ટ્ર સન્માન 'ભારત રત્ન' અપાવવા માટે ગુજરાતના જાગૃત યુવાનો મેદાનમાં આવ્યા છે. છેલ્લા વીસ વર્ષથી ભગતસિંહના વિચારોનો ફેલાવો કરવાનું કમા કરતા રાષ્ટ્રવાદી સંગઠન ભગતસિંહ ક્રાંતિદળ દ્વારા આ હેતુથી રન ફોર ભગતસિંહ અભિયાન અંતર્ગત ગુજરાતના વિવિધ જિલ્લાના ૩૦ જેટલા યુવાનો સોમનાથથી શરૂ કરીને દિલ્હી સુધીની સાયકલ યાત્રા યોજી રહ્યા છે. જેનું પ્રસ્થાન આગામી ૩ ફેબ્રુઆરીએ સોમવારે સોમનાથ મંદિરના પટાંગણમાંથી સવારના ૧૦ વાગ્યે શહીદ પરીવારો દ્વારા ફલેગ ઓફ કરી કરાવવામાં આવશે. આ નિમિતે વિશાળ સંખ્યામાં રાષ્ટ્ર ભકત કાર્યકરો, યુવાનો, વડીલો, માતાઓ સોમનાથ મંદિરના પટાંગણમાં ઉપસ્થિત રહેશે.

ભગતસિંહ ક્રાંતિ દળના કન્વિનર અને પત્રકાર, લેખક જિજ્ઞેશ કાલાવડિયાએ જણાવ્યું હતું કે કુલ ૫૦ દિવસની સાઈકલ યાત્રામાં ૩૦થી વધુ યુવાનો દ્વારા કુલ ૧૮૦૦ કિલોમીટરનો પથ આવરી લેવામાં આવશે. જે કુલ ૫ રાજયોમાં પસાર થઈને દિલ્હી પહોંચશે. આ યાત્રા સોમનાથથી સવારે ૯ વાગ્યે પ્રસ્થાન કરશે જે ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, ઉત્તર પ્રદેશના વિવિધ ભાગોમાં થઈને ભગતસિંહ, રાજગુરૂ અને સુખદેવના બલિદાન દિવસ ૨૩ માર્ચે દિલ્હી પહોંચશે. ૨૩ માર્ચે આ ઉપલક્ષ્યમાં જંતર મંતર ખાતે એક વિશાળ સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રા કુલ ૫૦ દિવસ ચાલશે જે દરમિયાન એક લાખ જેટલી સહિઓ મેળવી દિલ્હીમાં ભગતસિંહ અને ક્રાંતિકારીઓનું સ્મારક, ભગતસિંહને 'ભગત રત્ન' અને શહિદનો દરજજો, યુનિવર્સિટીઓમાં ભગતસિંહ ચેરની સ્થાપના, સહિતની વિવિધ માંગો સાથે રાષ્ટ્રપતિશ્રી રામનાથ કોવિંદજીને આવેદનપત્ર પાઠવવામાં આવશે.

'રન ફોર ભગતસિંહ' અભિયાનને સફળ બનાવવા માટે યાત્રાના કન્વીનર જિજ્ઞેશ કાલાવડિયા, મિતવર્ધન ચંદ્રબૌધ્ધિ, ચિરાગ કાકડીયાા, સમ્રાટ બૌદ્ધ, દર્શિત કંટારિયા, હેમંત ચાંડયા, શિવાજી ડાંગર, જયેશ ચાવડા, કાનજી જાદવ, ભગવાનભાઈ સોલંકી, રમેશ બાંભણીયા, ધરમ વૈષ્નાણી, ભાવેશભાઈ માખેસણા, હરેશ ડોબરિયા, પિયુષ વ્યાસ, મેહુલ પાઠક, કેશવ પરમાર, વિનુભાઈ પટોળીયા, હાર્દિક પટેલ, કિશન દાફડા, અર્જુન કરમટા, સુરેશ રાયકા, પ્રકાશ વ્યાસ, ભાવેશ મલ્લી, હેમંતભાઈ લોખીલ સહિતના યુવાનો પ્રચાર- પ્રસારની કામગીરી કરી રહ્યા છે.

(3:05 pm IST)