Gujarati News

Gujarati News

News of Sunday, 2nd February 2020

પોરબંદરના હરિ મંદિરે કાલે વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિમાં ગૌરવ એવોર્ડ સમારોહ

આજે રાત્રે પૂજન - અભિષેક તથા હરિ પાલખી યાત્રા : ઋષિકુમારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ

જૂનાગઢ તા. ૧ : સાંદીપની વિદ્યા નિકેતન હરિ મંદિરે આજે રાત્રે પૂજન અભિષેક તથા હરિ પાલખી યાત્રા નીકળશે. આવતીકાલે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિમાં ગૌરવ એવોર્ડ અર્પણ સમારોહ યોજાશે.

સાંદીપનિ વિદ્યાનિકેતનની ૩ વિઘા સંસ્થાઓમાંથી સંસ્કૃતમાં અભ્યાસ કરતાં સાંદીપનિ ઋષિકુળના ઋષિકુમારો દ્વારા ગુજરાતી માધ્યમના છાત્રોનો આજે અને અંગ્રેજી માધ્યમના છાત્રોનો સાંસ્કૃતિક કાર્યકમ કાલે તા. ૨ ફેબ્રુઆરીએ યોજાશે. હરિ મંદિરના પૂજન અભિષેકની રાત્રિએ એટ્લે કે ૧ ફેબ્રુઆરીએ સાંદીપનિ પરિસરમાં કળનારી હરિ પાલખી યાત્રામાં જોડાવા પણ અનુરોધ કર્યો હતો.

આવતીકાલે તા. ૨ ને રવિવારે સવારે ૮.૩૦ વાગે મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં મહાપુરૂષોના ભાવ પૂજન માટે ગૌરવ એવાર્ડ અર્પણ સમારોહ યોજાશે જેમાં દેવર્ષી  એવાર્ડ સાધ્વી ઋતુમ્ભરાજી-વૃંદાવન , બ્રમહર્ષિ એવાર્ડ પ્રોફેસર શ્રી વેમ્પટી કુટુંબ શાસ્ત્રીજી-દિલ્હી, રાજર્ષિ એવાર્ડ- શ્રી રિઝવાન આદતીયા-મોઝામ્બીક(આફ્રીકા) તથા મહર્ષિ એવાર્ડ શ્રી સિંધુતાઈ સપકાલ-પુણે (મહારાષ્ટ્ર)ને અર્પણ થશે.

સાંદીપનિ શ્રી હરિમંદિરના પાટોત્સવના વિવિધ આયોજનો પૈકીના ભાગવત ચિંતન યાત્રાની પ્રવચમાળાનો વિરામ આપવામાં આવ્યો હતો. આ વ્યાખ્યાન માળાના મુખ્ય વકતા મથુરાથીવસંત શાસ્ત્રી ચાતુર્વેદીએ શ્રીમદ ભાગવતના દસ સ્કંધો સુધી વૈષ્ણવચાર્ય મહાપ્રભુજીએ લખેલી સુબોધિની ટીકાને આધારે ભાગવતના વિવિધ પ્રસંગોને લાક્ષણીક,મૌલિક અને ધાર્મિક રીતે ગૂંથી લેવા બદલ પૂજય ભાઇશ્રી રમેશભાઈ ઓઝાએ વકતાશ્રી ને અભિનંદન પાઠવ્યા હતા અને તેમના પ્રવચનમાં સાંદીપનિના પાટોત્સવ દરમિયાન પ્રતિવર્ષ પ્રવચન માટે આવતા વિખ્યાત સંતોને યાદ કરીને હરિ મંદિર અંતર્ગત પાટોત્સવમાં ચાલતી પ્રવૃતીઓને બિરદાવી હતી.

ભાગવત પરની પ્રવચન શ્રેણીમાં ભાગવતના ૯મા તથા ૧૦મા સ્કંધના આધારે સમિક્ષા કરતાં શ્રી કૃષ્ણ પ્રેમથી વિહવળ બનનાર વ્રજ ગોપીઓ અને વિહવળ ભકતોનીદસ પ્રેમ દશાને વર્ણવતાં કહ્યુ હતું કે કૃષ્ણ પ્રેમમાં ઝૂરતાં ભકતોના દિવ્ય પ્રેમની દસ દશા મહાપ્રભુજીએ દર્શાવી છે આ દસ દશા શરીરની દસ ભાવ દશા દર્શાવે છે જેમાં પહેલી છે નેત્ર (આંખ), આંખ આપણને પ્રિયની પાસે લઈ જાય છે. બીજી કૃષ્ણ પ્રેમની ભાવ દશા અનુરાગ છે. આંખના અનુરાગ, કૃષ્ણને જોયા વિના નહીં રહેવાની પ્રેરણા આપે છે. કૃષ્ણ પ્રેમની ત્રીજી અને ચોથી દશા છે. મિલનનો સંકલ્પ જાગવો અને રાત્રિની ઊંઘ  ઊડી જવી તો પાંચમી વિરહ દશામાં શરીર પાતળું અને સુકાઈ જાય છે અને મન બળતું રહે છે. કૃષ્ણ પ્રેમની છઠી અવસ્થામાં સંસારમાં કયાય ચેન પડતું નથી. ખાવા પીવા હરવા ફરવાની ઈચ્છા થતી નથી તો સાતમી દશામાં લજ્જા જતી રહે છે આને કારણે કુલધર્મ છોડીને પણ કૃષ્ણ પ્રત્યે ખેંચાણ વધી જાય છે અને આઠમી દશામાં ઉન્માદનું વધવું અને નવમી દશામાં પ્રેમી કૃષ્ણનો વિરહ સહન ન થતાં મૂર્છા આવવી અને અંતિમ દશા છે મૃત્યુ આ મૃત્યુ એ ભગવનમાં લીન થવા સમાન ઉત્કર ભાવ દશાનું પરિણામ હોવાનું તેઓએ દૃષ્યંત દ્વારા સમજાવેલ છે.

પૂજય ભાઇશ્રીએ તેમના પ્રેરક બોધનમાં પાંચ દિવસના પાટોત્સવમાં અનેક કાર્યક્રમમાં સમયનો અભાવ અનુભવવા મળે છે. ભાગવત ચિંતન યાત્રામાં પણ સાગરમાંથી ગાગર ભરવા જેવો સમયનો અભાવ વકતા અને શ્રોતાઓ અનુભવ્યા છતા આવું ચિંતન સાંદીપનિના ઋષિકુમારોને વ્યાપક ચિંતન કરવાની પ્રેરણા આપી રહ્યું છે તેમ જણાવ્યુ હતું.

તેઓશ્રીએ સાંદીપનિ વિદ્યાનિકેતનના ઉપક્રમે વર્ષભરમાં પાટોત્સવ , ગુરુપૂર્ણિમા , હોળી –ધૂળેટી ઉત્સવ નવરાત્રિ અનુષ્ઠાન, દીપોત્સવ પર્વ સહિતના કાર્યક્રમ એટલા માટે નિહાળી શકું છું કેમકે ૩૫૦ ઉપરાંત યુવાન વિદ્યાર્થી કાર્યકરો અનેક પ્રકલ્પોને વહેંચી લઈને પાર પાડવામાં કુશળતા પ્રાપ્ત કરી ચૂકેલ હોવાથી સમયસર અને યોજનાબદ્ઘ રીતે કાર્ય પાર પાડે છે.

આજરોજ હરિમંદિર અભિષેક પૂજન-અર્ચન માટે વૃંદાવનના મહામંડલેશ્વર કાષ્ણિ સ્વામિ શ્રી ગુરુ શરણથનંદરજી મહારાજની પ્રેરક ઉપસ્થિતિમાં અભિષેક-અર્ચન સંપન્ન થયેલ. અભિષેક અને પાટોત્સવના મનોરથી વિજયભાઇ ખીરોયા લક્ષ્મીનારાયણ પૂજન અને બજરંગલાલ તાપડીયા પરિવાર રાધાકૃષ્ણ અને રામદરબારનું અભિષેક પૂજન ગીતાબેન આહુજા સહિતના મનોરથી છે.

(1:02 pm IST)