Gujarati News

Gujarati News

News of Sunday, 2nd February 2020

મોરબીનાં સિરામીક અને ઘડિયાલ ઉદ્યોગને મોટી રાહત નહી મળતા વેપારીઓમાં નિરાશાનો માહોલ

ઈન્કમટેક્સ અને ડિવિડન્ડ ટેક્સના ફેરફારથી નાના ઉદ્યોગકારોને ફાયદો થવાની ધારણા

મોરબી: શહેરની આસપાસમાં આવેલા સિરામિક અને ઘડિયાળ ઉદ્યોગ કેન્દ્ર સરકારના બજેટને લઈને ખુબ જ આશાઓ રાખીને બેઠો હતો. જો કે, કેન્દ્ર સરકારનું આજે જે બજેટ રીલીઝ કરવામાં આવ્યું છે, તેમાં મોરબીનાં આ બંન્ને વિશ્વ કક્ષાના ઉદ્યોગને સીધો કોઈ ફાયદો આપવામાં આવ્યો નથી. જો કે, ટેક્ષમાં જે રાહત સરકાર દ્વારા કરી દેવામાં આવી છે તેનો ફાયદો આ બન્ને ઉદ્યોગને થશે તેવું એસોસીએશનના હોદેદારોએ કહ્યું છે.

મોરબી આસપાસના વિસ્તારમાં આવેલ સિરામિક વિટ્રીફાઈડ ટાઈલ્સ, વોલ ટાઈલ્સ, ફલોર ટાઈલ્સ અને સેનેટરી વેર્સ તેમજ ઘડિયાળના કારખાનાના માલિકો સરકારને વર્ષે કરોડો રૂપિયાનો ટેક્ષ અને લાખો લોકોને રોજગારી આપે છે. ત્યારે કેન્દ્ર સરકારનાં બજેટમાં આ બંને ઉદ્યોગ માટે કોઈ મોટી જાહેરાત કરવામાં આવે તેવી સ્વાભાવિક રીતે અહીના ઉદ્યોગકારોને અપેક્ષા હતી. જો કે, આર્થિક મંદીના વાતાવરણ વચ્ચે કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારામને આજે સંસદમાં વર્ષ 2020-21 માટેનું કેન્દ્રીય બજેટ રજૂ કર્યું હતું.

  વાર્ષિક આવક પાંચ લાખથી વધારે હોય અને સાડા સાત લાખ સુધીની હોય તો એમણે પહેલા ૨૦ ટકા ટેક્ષ ભરવો પડતો હતો, જે હવે ૧૦ ટકા જ ભાવવો પડશે. જેથી કરીને આ ઘટાડાનો ઘડિયાળના નાના ઉદ્યોગકારોને ફાયદો થવાનો છે તેવી જ રીતે ડીવીડન્ડ ટેક્ષમાં જે ફેરફાર કરવામાં આવ્યો છે. તેનો ફાયદો આગામી દિવસોમાં મોરબીમાં આવનારા નવા સિરામિક યુનિટમાં થવાનો છે. સિરામિકમાં રોકાણ વધશે તે હક્કિત છે જો કે સરકાર દ્વારા ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધારવા માટે જે કરોડો રૂપિયાનું બજેટ જાહેર કરવામાં આવ્યું છે. તેવો વધુમાં વધુ ફાયદો મોરબીને આપવામાં આવે તેવી લાગણી અહીના સિરામિક અને ઘડિયાળ ઉદ્યોગના એસોસીએશનના હોદેદારોએ વ્યક્ત કરી છે.

(10:23 pm IST)