Gujarati News

Gujarati News

News of Friday, 2nd February 2018

ગોંડલ કડીયાલાઇન એસબીઆઇ બેંકના કેશીયર વિરૂધ્ધ પોલીસમાં લેખીત ફરીયાદ

રાંદલ દડવા માતાજીના પુજારીને વટાવવામાં હેરાનગતી-ગેરવર્તન કરાતા : સીસીટીવીની ફુટેજમાં ઘટના કૈદ થઇ હોય તે આધારે તપાસ કરી કાર્યવાહી કરવા માંગણી

ગોંડલ, તા., રઃ ગોંડલ તાલુકા રાંદલના દડવાના માતાજીના પુજારી રસીક પ્રગટ સમજુ પ્રગટ ગોસાઇને ગોંડલ એસબીઆઇ બેંક કડીયાલાઇન ગોંડલ ખાતે કેશીયર અને બેંકના અન્ય કર્મચારી દ્વારા ગેરવર્તન તેમજ તોછડુ માનહાની ભર્યુ વર્તન કરતા ગોંડલ સીટી પોલીસમાં લેખીત અરજી કરેલ છે. અરજીમાં જણાવ્યા અનુસાર સીસીટીવી ફુટેજ જોવા પણ જણાવાયું છે.

રાંદલ દડવાના રાંદલ માતાજીના મંદિરના પુજારી રસીક પ્રગટ બાપુ દ્વારા ગોંડલ સીટી પોલીસમાં લેખીત ફરીયાદ કરતા જણાવ્યું હતું કે, મિત્રએ આપેલ એસબીઆઇ બેંકનો સાડા ત્રણ લાખનો ચેક દ્વારા બેંકમાં પૈસા ઉપાડવા ગયેલ હતો. ત્યારે કેશીયરે મને કહેલ કે આ ચેકના ખાતામાં આધારકાર્ડ લીંક કરાવેલ નથી માટે પહેલા આધારકાર્ડ લીંક કરાવો ફરી આધારકાર્ડની નકલ લઇને બેંક ગયેલ તો કોમ્પ્યુટરમાં જોઇને કર્મચારીએ કહેલ કે આધારકાર્ડ પહેલાથી લીંક જ છે ત્યારે ચેક મેં જમા કરાવેલ ચેક જમા કરાવતા નવ નંબરનું ટોકન મને આપેલ ત્યારે વારો આવે તેની રાહ જોવા માટે ત્યાં બેસી ગયેલ ત્યારે બાદ મારો વારો આવતા જેન્ટસ કેશીયરે મારી અટક ગોસાઇ વાંચીને મને જ્ઞાતિ વિશે બાવા તરીકે સંબોધવા લાગેલ તેમજ કહેલ કે બીજાના ચેક લઇને અહી દોડયા આવો છો. હવે તુ જા આ સહી મળતી નથી તું બાવા આસીસ્ટન્ટ મેનેજર પાસે જઇને સહીની ખરાઇ કરાવી લે તથા બાજુમાં બેસેલ લેડીઝ કેશીયર ઉભા થઇને અભદ્ર ભાષામાં કહેવા લાગેલ કે એ તો તારે જ જવુ પડે જેથી મે કહેલ કે મને મારો ચેક તથા મારૂ ટોકન નં. ૯ મને પાછુ આપો ત્યાર બાદ બન્ને લેડીઝ તેમજ જેન્ટસ કેશીયર મારી સાથે ઝઘડીને ગેરવર્તન કરીને જેમ ફાવે તેમ બોલવા લાગેલ તેમજ મને નવ નંબરના બદલે અગીયાર નંબરનું ટોકન તેમજ ચેક મહા મહેનતે પરત આપેલ અને હું ત્યાંથી નીકળી ગયેલ હતો.

ત્યાર બાદ હું એસબીઆઇ દેવગામ તા. વડીયા જી. અમરેલી ખાતે ગયેલ હતો. ત્યાંના બ્રાન્ચ મેનેજર ગોંડલ એસબીઆઇ બેંકમાં બનેલ ઘટનાથી વાકેફ કરતા તેઓએ કોમ્પ્યુટરમાં સાઇન વેરીફાઇ કરીને કહેલ કે આ ચેકમાં કોઇ ભુલ નથી જો તમારે પૈસા ઉપાડવા હોય તો તમને થોડીવારમાં પૈસા પણ મળી જશે. ત્યાર બાદ મને થોડીવારમાં પૈસા ખરેખર મળી ગયેલ હતા.

ઉપરોકત અરજી એસબીઆઇ બેંક કડીયા લાઇન ખાતેના કેશીયરો વિરૂધ્ધ છે. સમગ્ર ઘટના સીસીટીવી ફુટેજમાં છેમને એક ગ્રાહક તરીકે ત્રણ દિવસ હેરાન પરેશાન કરવામાં આવેલ છે.  મારા નાણા, સમય, તેમજ માનસીક રીતે ઘણી હેરાનગતી તેમજ ખર્ચ કરાવેલ હોય જેથી નિંભર કર્મચારીઓ વિરૂધ્ધ ફરીયાદ કરવાની ફરજ પડેલ છે તેમ રસીકબાપુએ જણાવ્યું હતું.

(4:04 pm IST)