Gujarati News

Gujarati News

News of Thursday, 2nd January 2020

ભાજપ સરકાર મોંઘવારી, મંદી, બેરોજગારી, વેપારીઓ, ખેડૂતો, મજૂરોના પ્રશ્નો ઉકેલે

જસદણના પૂર્વ ધારાસભ્ય ભીખાભાઇ બાંભણીયાનો આક્રોશ

જસદણ તા.ર : જસદણના પૂર્વ ધારાસભ્ય અને જાગૃત નેતા ભીખાભાઇ બાંભણીયાએ સીએએ અને એનસીઆરના કાયદાના દેશના જૂદા જૂદા રાજયોમાં થઇ રહેલા વ્યાપક વિરોધ પાછળનું ખરૂ કારણ ભાજપની કેન્દ્ર સરકારની કાર્યપધ્ધતિ હોવાનું જણાવીને ઉમેર્યુ હતુ કે, કેન્દ્ર સરકાર પોતાની બહુમતીના જોરે કોઇને પણ વિશ્વાસમાં લીધા વગર કાયદાઓ થોપી બેસાડવાની માનસિકતા ધરાવે છે તે સહેજ પણ યોગ્ય નથી.

ભીખાભાઇ બાંભણીયાએ ઉમેર્યુ કે, સીએએ અને એનસીઆરના કાયદાના વિરોધમાં દેશના જૂદા જૂદા ભાગોમાં જે હિંસક આંદોલન પધ્ધતિ અપનાવવામાં આવી રહી છે તે કોઇપણ સંજોગોમાં વ્યાજબી નથી. પ્રજા પોતાનો અવાજ રજૂ કરવા માટે ઉપવાસ, સત્યાગ્રહ કે શાંત આંદોલન કરી શકે છે પરંતુ હકીકત એ છે કે સરકાર કોઇપણ નવો કાયદો લાવે કે જૂના કાયદાઓમાં સુધારા વધારાઓ કરે તે સમયે આયોજનપુર્વક જે કામગીરી થવી જોઇએ તે કરતી નથી. પરિણામે સરકારના મોટાભાગના નિર્ણયો સામે વિરોધનો વંટોળ ઉઠે છે અને આ વિરોધ હિંસક આંદોલન કે હડતાલમાં પરિણામે છે. વાત માત્ર સીએએ કે એનસીઆર પુરતી સિમીત નથી નોટબંધી કરવામાં આવી ત્યારે પણ નવી નોટોની વ્યવસ્થા કર્યા વગર નોટબંધીનો રાતોરાત નિર્ણય થયો તેને પરિણામે પ્રજાને છ માસ સુધી ભારે હાડમારીનો સામનો કરવાની ફરજ પડી. બેંકમાં ગ્રાહકના પોતાના પૈસા હોવા છતા સારા માઠા પ્રસંગોએ પ્રજાએ પારાવાર પરેશાની ભોગવવી પડે. નોટબંધીથી જીએસટી સુધી સરકારની આ જ કાર્યપધ્ધતિ રહી છે. જીએસટીના પણ રાતોરાત અમલ બાદ કાયદામાં અનેક વખત સુધારા વધારાઓ કરવાની ફરજ પડી તેનુ સૌથી મોટુ કારણ ઉદ્યોગપતિ, બિલ્ડર્સ, વેપારી એશો. કે ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારોને વિશ્વાસમાં લીધા વગર કે ચર્ચા વિચારણાઓ કર્યા વગર જોહુકમીથી લેવાયેલા નિર્ણયો વધુ જવાબદાર હતા. સરકારની આ માનસીકતાના પરિણામે જ વિરોધ કરવો પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે.

ઝુપડપટ્ટી વિસ્તારમાં ફૂટપાથ પર કે તબુઓમાં રહેતા માણસો સ્વાભાવીક રીતે જ પોતાની જગ્યામાં શૌચાલય બનાવી શકે તે માટે તેણે બહાર જ જવુ પડે ત્યારે પરિસ્થિતિ એ છે કે ખુલ્લામાં શૌચ કરવાથી તેમણે દંડ ભરવો પડે છે. વાસ્તવમાં આવા લોકો માટે સરકારે અગાઉથી મોટી સંખ્યામાં જાહેર શૌચાલયનુ નિર્માણ કર્યા બાદ કાયદાનો અમલ કરવાની આવશ્યકતા હતી પરંતુ સ્વચ્છતા અંગે પોતાની સરકારની વાહવાહી લુંટવામાં વ્યસ્ત સરકારે ગુન્હેગારો ચુંટણી લડી શકે પરંતુ શૌચાલય ન હોય એવા મતદાર ચુંટણી લડી શકે નહિ ત્યાં સુધીના ગરીબોની કે પ્રજાની સ્વતંત્રતા પર તરાપ મારતા કઠોર પગલાની જાહેરાત કરી દીધી પરંતુ ગરીબ માણસોની સુવિધા માટે સહેજ પણ વિચાર કર્યો નહિ. હેલમેટ તેમજ વાહનવ્યવહાર સબંધિત નવા કાયદા પાછળ ઉઠેલા વિરોધ બાદ સરકારને થુંકેલુ ચાટવાની ફરજ પડી છે. હેલમેટ તેમજ વાહન વ્યવહાર સબંધીત નવો કાયદો પ્રજાને ખોટી રીતે હેરાનગતિ થાય તેમજ ભ્રષ્ટાચારને ભારે ઉતેજન મળે તે પ્રકારે એકાએક જ અમલી બનાવી દેવાયો. માણસ પોતાની સલામતી માટે સ્વૈચ્છિક રીતે હેલમેટનો ઉપયોગ કરે તે જરૂરી છે પરંતુ ફરજીયાત રીતે કાયદાઓ ઠોકી બેસાડવામાં આવે તે કોઇપણ દ્રષ્ટિએ વ્યાજબી નથી. ટ્રાફીકના નિયમોનુ પાલન અનિવાર્ય છે પરંતુ સમાજને તદન પ્રતિકુળ હોય તેવા કાયદાઓનુ પાલન કરાવવા માટે દંડો પછાડીને આગ્રહ રાખવો તે બરાબર નથી. ૩૭૦મી કલમને કેન્દ્ર સરકારે એક ઝાટકે રદ કરી દીધી તેની જેમ જે હેલમેટ માટેનો કાયદો રદ કરવો જોઇએ. મીડિયાની ડિબેટમાં ભારતીય જનતા પક્ષ વતી ટીવી ચેનલોમાં ઉપસ્થિત થતા. ભાજપના નાના મોટા નેતાઓએ સરકારના સતત ગુણગાન ગાવાને બદલે સરકારની જવાબદારી તરફ પણ સરકારનુ ધ્યાન દોરવું જોઇએ.

આ અગાઉની સરકારો સામે ભાજપે મોંઘવારી સહિતના અનેક મુદ્દાઓને લઇને અનેક વખત ગુજરાત બંધ રસ્તારોકો આંદોલન તેમજ વારંવાર હડતાલના એલાનો આપેલા છે. ચાલુ ધારાસભામાં તેલના ભાવવધારા સામે તેલની બોટલો બતાવીને ઉગ્ર વિરોધ નોંધાવેલો છે. ત્યારે હાલની મોંઘવારી, મંદી, શિક્ષિતોની બેરોજગારી તેમજ વ્યાપારીઓ, સામાન્ય મધ્યમ વર્ગના લોકો તથા ખેડૂત મજૂરોની અવદશા ભાજપની કહેવાતી સંવેદનશીલ સરકારને કેમ ધ્યાનમાં આવતી નથી તે નવાઇની વાત છે. આ પ્રશ્નો અંગે પ્રજા પણ જાગૃત બને તે તાતી જરૂરીયાત છે તેમ નિવેદનના અંતે ભીખાભાઇ બાંભણીયાએ આક્રોશ વ્યકત કર્યો હતો.

(12:01 pm IST)