Gujarati News

Gujarati News

News of Thursday, 2nd January 2020

પુરાવાઓની મજબુત સાંકળ ગુંથવા રાજકોટ એસીબીના મદદનીશ નિયામકના બે દિવસથી જુનાગઢમાં ધામા

જુનાગઢના ડો.રતનપરા પાસે ૧પ લાખની લાંચના ચકચારી મામલામાં એસીબી તપાસનો ધમધમાટ : ડેપ્યુટી ડાયરેકટર ડી.બી.વાઘેલાએ પ્રાથમિક વિગતો ચકાસીઃ એસીબી હેડ કવાર્ટરમાં આજે સાંજે મહત્વની ચર્ચાઓ

રાજકોટ, તા., ૨: જુનાગઢ એસીબીના  પીઆઇ ડી.ડી.ચાવડા દ્વારા રૂ. ૧૮ લાખની  લાંચ  માંગણી તથા એસીબીનું જયાં હેડ કવાર્ટર છે તેવા અમદાવાદ શહેરમાં જ લાંચ  સ્વીકારતા છટકામાં ઝડપાઇ જવાના પગલે-પગલે જુનાગઢના ડો. રતનપરા દ્વારા ડી.ડી.ચાવડાએ પોતાની પાસે રૂ. ૧પ લાખની લાંચની માંગણી કર્યાના ચકચારી મામલાની તપાસ એસીબી વડા કેશવકુમારે રાજકોટ એસીબીના મદદનીશ નિયામક હિમાંશુ દોશીને  સુપ્રત કરવાના પગલે-પગલે હિમાંશુ દોશીએ  જુનાગઢમાં ધામા નાખી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

ડો. રતનપરા દ્વારા પોતે લાંચ ન આપે  તો ફસાવી દેવાની ધમકી સહીતના આરોપોની  ગંભીરતા પારખી પુરાવાની સાંકળ મજબુત રીતે ગુંથાઇ અને તેમાં કોઇ ચુંક ન રહે તે માટે રાજકોટ એસીબીના તપાસનીસ અધિકારી દ્વારા બારીકાઇથી તમામ પુરાવાઓની ચકાસણી બે દિવસથી ચાલી રહી છે.

અમદાવાદ એસીબી સુત્રોમાંથી સાંપડતા  નિર્દેશ મુજબ એસીબીના ડે. ડાયરેકટર ડી.બી.વાઘેલાએ પણ જુનાગઢની મુલાકાત  લઇ તપાસનીસ અધિકારી સાથે ચર્ચા કરી પ્રાથમિક વિગતો મેળવી છે તે અંગેે આજે એસીબી વડા કેશવકુમાર સાથે ચર્ચા કરનાર હોવાનું પણ સૂત્રો જણાવે છે.

અત્રે એ યાદ આપવુ જરૂરી છે કે ગૌશાળાના મામલામાં રૂ.૧૮ લાખની લાંચના આરોપસર ઝડપાયેલા ડી.ડી.ચાવડાને તેઓના જન્મદિવસે જ રિમાન્ડ મળી હતી. રિમાન્ડ દરમિયાન તેઓએ લાંચની નહી પ્રસાદની માંગણી કર્યાનું જણાવેલ. જો કે એસીબી પાસે પુરતા પુરાવા હોવાનું પણ સૂત્રો વિશેષમાં જણાવે છે.

(11:43 am IST)