Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd January 2018

અમરેલી-જીલ્લાના તબીબોની હડતાલ

અમરેલી તા. ર :.. મેડીકલ કાઉન્સીલ ઓફ ઇન્ડીયાનો કંટ્રોલ નથી છતાં સરકાર નેશનલ મેડીકલ  કમીશનની રચના કરવા  જઇ રહી છે ત્યારે દેશ વ્યાપી અપાયેલ તબીબોની હડતાલના  એલાનમાં આજે જિલ્લાના ડોકટરો પણ સજ્જડ બંધ પાળી વિરોધ વ્યકત કર્યો છે.

ઇન્ડીયન મેડીકલ એસોસીએશન અમરેલીના ડો. જી. જે. ગજેરા અને ડો. હરેશ યાદવે જણાવ્યા મુજબ મેડીકલ કાઉન્સીલ  ઓફ ઇન્ડીયાએ  એક એવી સ્વાયત સંસ્થા છે કે જે આખા ભારતમાં મેડીકલ ક્ષેત્રનું સંચાલન કરે છે. બધા જ એલોપેથિક ડોકટરોના નિયમો, નવી મેડીકલ કોલેજ ચાલુ કરવાની મંજૂરી વગેરે બધા કામનું સંચાલન કરે છે. આ કાઉન્સીલમાં આખા ભારતમાં બધા જ રાજયોનું ડોકટરોનું પ્રતિનિધિત્વ હોય છે. 

આ સંસ્થામાં સરકારનો કોઇ કંટ્રોલ હોતો  નથી. હવે સરકાર આ સંસ્થાને વિખેરી તેની જગ્યાએ નેશનલ મેડીકલ કમીશનની રચના કરવા જઇ રહી છે.  આ નવી સંસ્થામાં બધા જ સભ્યો સરકારના નિમેલા હશે. રપ સભ્યોમાંથી ફકત પાંચ સભ્યો જ ડોકટરો હશે અને તે પણ સરકારમાં નિમેલા. એટલે ટુંકમાં આ નવી સંસ્થા બીજી સરકારી  સંસ્થા જેવી હશે અને એનું નિયંત્રણ સરકાર કરશે. આના વિરોધમાં અમરેલીના ડોકટરો સવારના ૬ થી સાંજના ૬ સુધી પોતાના દવાખાના બંધ રાખશે. આ સમય દરમિયાન ઇમરજન્સી સેવાઓ ચાલુ રહેશે.

(3:23 pm IST)