Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd January 2018

સરકારે ખરીદી કરતા મગફળીની કૃત્રિમ અછતથી તેલના ભાવો આસમાને!

હનીરોટન મગફળીનો જથ્થો સરકાર પાસે બ્લોક થઇ જતા યાર્ડમાં કાગડા ઉડે છેઃ વેપાર ઠપઃ ૧૫૦૦ સીંગદાણાના કારખાના અને ઓઇલ મીલો બંધ : ગત વર્ષની ખરીદેલી મગફળી ગોડાઉનમાં સડે છે ત્યારે અત્યાર સુધી ફરી છ લાખ ટન મગફળી સરકારે ખરીદી લીધીઃ મતપેટી સાચી કરવાના રાજકારણમાં દરેક જણસીના ભાવ ભડકે બળવાના એંધાણ

ગોંડલ તા. ૨ : ચાલુ વર્ષે મગફળીનો બમ્પર પાક થયો હોવા છતાં સરકારની ટેકાના ભાવની ખરીદીથી હજારો ટન મગફળીનો જથ્થો સરકાર પાસે બ્લોક થવાથી મગફળીની કૃત્રિમ અછત ઉભી થવાથી તેલના ભાવ આસમાને ચડવા લાગ્યા છે.

સરકારે આખા ગુજરાતમાંથી ખેડૂતોની મગફળી ખરીદીને આ મગફળી બજારમાં મુકવાને બદલે વિપુલ પ્રમાણમાં મગફળીનો સ્ટોક બ્લોક થઇ ગયેલ છે જેથી માર્કેટીંગ યાર્ડમાં પણ કાગડા ઉડે છે. માર્કેટીંગ યાર્ડના કમિશન એજન્ટોના ધંધા બંધ થઇ ગયા છે. તેવામાં હજુ પણ મગફળીની ખરીદી ચાલુ રાખતા બજારમાં અને ઓઇલ મીલરોને મગફળી કોઇપણ ભાવે મળતી નથી કારણ કે ખેડૂત પોતાની મગફળી સીધી જ ટેકાના ભાવમાં મુકે છે અને ઓઇલ મીલરો કે સીંગદાણાવાળા હાથમાં માલ આવતો નથી અને બજારમાં કૃત્રિમ અછત ઉભી થવા પામેલ છે, કોઇપણ જણસીની ઉપર જ થાય ત્યારે માલનો ભરાવો થાય અને ભાવ ઘટે પરંતુ સરકારે આ વર્ષે ટેકાના ભાવ ઉંચા રાખતા બધો જ માલ સરકારમાં જમા થઇ ગયો જેથી તેલની બજાર ભળકે બળે છે ત્યારે સરકારે ખરીદેલી મગફળી તુરંત બજારમાં મુકવામાં આવે તો જ લોકોને સીંગતેલ સસ્તુ મળે તેમ છે.

ગુજરાત સરકાર ખેડૂતની જણસીના ભાવ ઉંચા લેવા માટે જે તે જણસીની ઉંચા ભાવે ખરીદી કરીને માલની કૃત્રિમ અછત ઉભી કરી લોકોને મળતો નીચો ભાવ ભળકે બાળે છે.

હાલ મગફળીની ટેકાના ભાવની ખરીદી છ લાખ ટન થઇ ગઇ છે અને આ મગફળીનો જથ્થો બ્લોક થઇ ગયો છે. બજારમાં કૃત્રિમ માલની અછત સર્જાય છે. રાજ્યભરમાં ૧૫૦૦ સીંગદાણા કારખાના અને હજારો ઓઇલ મીલો બંધ પડી છે. કારણ કે માલ બજારમાં આવતો બંધ થઇ ગયેલ અને સરકાર પાસે જમા થઇ ગયો છે.

હજુ ગયા વર્ષની ખરીદેલી મગફળી સરકારના ગોડાઉનમાં સડે છે ત્યારે અત્યાર સુધી છ લાખ ટન મગફળી સ્ટોક કરી રાખી દીધેલ છે.

સરકાર પોતાની મતપેટી સાચી કરવા ખેડૂતોનો માલ ઉંચા ભાવે ખરીદે છે પછી તુરંત બજારમાં મુકવામાં આવે તો જ ભાવ નીચા રહે નહીતર દરેક જણસીના ભાવ ભળકે બળશે.

હાલ ચણા તથા તુવેરદાળના ટેકાના ભાવ ૧૦૦૦ સુધી નક્કી કરેલ છે જેથી તેની ખરીદી આ રીતે કરશે અને માલનો તુરંત નીકાલ નહી કરે તો ભાવ ભળકે બળશે અને મોંઘવારી વધશે. ખેડૂતને પોષણક્ષમ ભાવ મળે તે માટે તેને સબસીડી પ્રથા દાખલ કરવા માંગ ઉઠી છે.

(11:40 am IST)