Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd January 2018

સૌરાષ્ટ્ર-કચ્છના તબીબોની હડતાલઃ કેન્દ્ર સરકાર સામે આક્રોશ

એમસીઆઇને વિખેરી નાંખીને એનએમસી બનાવવાના નિર્ણય સામે રોષઃ હેરાન

રાજકોટ તા.ર : ઇન્ડિયન મેડીકલ એસોસીએશન (આઇએમએ)ની ગુજરાત દ્વારા બ્રાન્ચ દ્વારા બ્લેક ડે તરીકે મનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. કેન્દ્ર સરકાર દ્વારા મેડીકલ કાઉન્સીલ ઓફ ઇન્ડિયા (એમસીઆઇ)ને વિખેરી નાખી તેના સ્થાને નેશનલ મેડીકલ કાઉન્સીલ (એનએમસી) અમલી બનાવવા જે જુંબેશ હાથ ધરવામાં આવી છે તેના વિરોધમાં સમગ્ર ભારતભરમાં આવતીકાલે આઇએમએ દ્વારા 'બ્લેક ડે' મનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છના તબીબો હડતાલમાં જોડાતા દર્દીઓ પરેશાન છે.

આઇએમએ ગુજરાત સ્ટેટ બ્રાન્ચના ડો.ભુપેન્દ્ર શાહે જણાવ્યુ કે કેન્દ્ર સરકાર દ્વારા અમલી બનનારા નેશનલ મેડીકલ કાઉન્સીલ (એનએમસી) બીલના વિરોધમાં ઇન્ડિયન મેડીલક એસોસીએશન દ્વારા આવતીકાલે બ્લેક ડે મનાવવાની જાહેરાત કરવામાં આવી છે તેમાં સમગ્ર ગુજરાત રાજયના રપ,૦૦૦થી વધારે ડોકટર્સ જોડાશે. જેમાં સરકારી હોસ્પિટલો તેમજ ખાનગી હોસ્પિટલોના ડોકટર્સનો સમાવેશ થાય છે સાથોસાથ મેડીકલ ક્ષેત્રે અભ્યાસ કરતા ૧૦,૦૦૦થી વધારે વિદ્યાર્થીઓ પણ વિરોધમાં જોડાયા છે. તેઓએ વધુમાં જણાવ્યુ હતુ કે, સમગ્ર રાજયમાં ડોકટર્સ બ્લેક ડેમાં જોડાશે પરંતુ ઇમરજન્સી સેવાઓ અને ક્રિટિકલ કેર સર્વિસ બાદ રહેશે.

આઇએમએ ગુજરાત સ્ટેટ બ્રાન્ચ સેક્રેટરી ડો.કમલેશ સૈનીએ જણાવ્યુ હતુ કે, મેડીકલ કાઉન્સીલ ઓફ ઇન્ડિયા (એમસીઆઇ)ને વિખેરી નેશનલ મેડીકલ કાઉન્સીલ (એનએમસી) અમલી બનાવવા કેન્દ્ર સરકાર દ્વારા જે ઝડપી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. તેનો સમગ્ર ભારતના ડોકટર્સ દ્વારા આવતીકાલે વિરોધ કરવામાં આવશે. આ અમલથી સામાન્ય જનતાને કોઇ ફાયદો નથી તેમજ તેમાં ખુબ જ ગુંચવણો છે. આ બીલ ગરીબ વિરોધી અને લોકશાહી વિરોધી હોવાથી અમે તેનો વિરોધ કરીએ છીએ. સરકાર અમારી માંગણીઓ પુરી નહી કરે તો આગામી દિવસોમાં ઇન્ડિયન મેડીકલ એસોસીએશન દ્વારા વધુ કાર્યક્રમો જાહેર કરવામાં આવશે.

જુનાગઢ

જુનાગઢઃ આજની ખાનગી ડોકટરોની હડતાલથી દર્દીઓ પરેશાન થઇ ગયા છે. જુનાગઢ જિલ્લાના ૧૦૦૦ ખાનગી તબીબો હડતાલમાં જોડાતા તેમની હોસ્પીટલો સાંજ સુધી બંધ રહી છે.

મેડીકલ કાઉન્સીલ ઓફ ઇન્ડીયાના સ્થાને નેશનલ મેડીકલ કાઉન્સીલની દેશવ્યાપી ખાનગી ડોકટરોની હડતાલનું એલાન આપવામાં આવ્યું છે. હડતાલનો સવારથી પ્રારંભ થયો છે. સતત દર્દીઓથી ઉભરાતા ખાનગી દવાખાનાઓ આજે હડતાલને લઇ બંધ રહેતા દર્દીઓ પરેશાન થઇ ગયા હતા.

જો કે જુનાગઢ શહેર અને જિલ્લામાં ઇમરજન્સી સેવા ચાલુ રાખીને ૧૦૦૦ જેટલા ખાનગી તબીબોએ હડતાલમાં જોડાયને આક્રોશ વ્યકત કર્યો છે. હડતાલને સફળ બનાવવા માટે ઇન્ડીયન મેડીકલ એસો.ના પ્રમુખ ડો.એન.એમ. લાખાણી અને ટીમ જહેમત ઉઠાવે છે.

ખંભાળીયા

ખંભાળીયા : નેશનલ મેડીકલ કમીશન (એનએમસી) ખરડાનાં વિરોધમાં ઇન્ડીયન મેડીકલ એસો. દ્વારા 'બ્લેક ડે' જાહેર કરવામાં આવેલ છે. તે અંતર્ગત આખા દેશના તમામ તબીબો દ્વારા આવતીકાલે તમામ દવાખાના સવારે ૬ થી સાંજના ૬ કલાક સુધી બંધ રાખવામાં આવશે.

એક અખબારી યાદીમાં આઇ. એમ. એ. જામખંભાળીયાની યાદીમાં જણાવ્યું છે કે એસો. ના તમામ તબીબો સવારે ૬ થી સાંજે ના ૬ કલાક સુધી તમામ દવાખાના બંધ  રાખશે. માત્ર ઇમજેન્સી સારવાર કરવામાં આવશે તેમ ડો. રાજેશ બારેચા અને ડો. રામ ચાવડાએ જણાવ્યું છે.

ગોંડલ

ગોંડલ : ઇન્ડીયન મેડીકલ એસો. ગોંડલ શાખાના પ્રમુખ ડો. પીયુશ સુખવાલ અને સેક્રેટરી ડોકટર મીલન મલ્લીની યાદીમાં  જણાવાયું છે કે નેશનલ મેડીકલ કમીશન દ્વારા રજૂ કરાયેલ ખરડાના વિરોધમાં આજે શહેરની તમામ હોસ્પિટલ અને દવાખાનાઓ દ્વારા બ્લેક ડે જાહેર કરી બંધ પાડવામાં આવેલ છે.

વેરાવળ

વેરાવળ : ગીર સોમનાથ જીલ્લાના હોસ્પીટલો તેમજ ડોકટરો દ્વારા બ્લેક ડે જાહેર કરવામાં આવેલ છેજેથી સવારે ૬ થી સાંજે ૬, ૧ર કલાક સુધી બંધ રાખવામાં આવશે.આઇ. એમ. એ. ના પ્રમુખ ડો. સંજય પરમાર, સેક્રેટર ડો. કેતન ચાવડાએ જણાવેલ હતું કે ઇન્ડીયન મેડીલક એસો. દ્વારા વેરાવળ, તાલાલા, કોડીનાર, ઉનાના તમામ હોસ્પીટલો દવાખાના બંધ રહેશે અને પ૦૦ ડોકટરો આ હડતાલમાં જોડાયા છે. ઇમરજન્સી સેવાઓ ચાલુ રહેશે તેમ જણાવેલ હતું.

(11:26 am IST)