Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

ગોંડલ પોલીસ ભરતી મેળામાં આવનારા ૪૦૦ યુવાનો માટે ગોંડલ નગરપાલિકા તંત્રે શેલ્ટર હોમના દ્વાર ખોલ્યા

આશરે ૫૦ દિવસ ચાલનાર ભરતીમેળામાં મોરબી, સુરેન્દ્રનગરના યુવાનો આવનાર હોય પાલિકાનું સરાહનીય કાર્ય

ગોંડલ,તા. ૧: ગોંડલ નગરપાલિકા તંત્ર દ્વારા તાજેતરમાં જ સ્મશાન રોડ પર શેલ્ટર હોમનું નિર્માણ કરવામાં આવ્યું હોય અને આગામી ૫૦ દિવસ માટે ગોંડલ ખાતે પોલીસ ભરતી મેળાનું આયોજન હોય પાલિકા તંત્રે યુવાનોને રહેવા માટે સેન્ટર હોમના દ્વાર ખુલ્લા મુકાતા નોકરીવાંચ્છુ યુવાનોમાં હર્ષની લાગણી ફેલાવા પામી છે.

પ્રાપ્ત વિગતો મુજબ પોલીસતંત્ર દ્વારા આગામી ૩ ડિસેમ્બર થી ૨૨ જાન્યુઆરી સુધી ૫૦ દિવસ માટે ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે આ મેળામાં આશરે ૧૫૦૦ જેટલા યુવાનો ભાગ લેનારા હોય વિવિધ જ્ઞાતિના સંગઠનો દ્વારા વિવિધ સવલતો ઉભી કરવામાં આવી છે તેમ છતાં પણ કોઈ યુવાન ને મુશ્કેલી ન પડે તે માટે પાલિકા પ્રમુખ શીતલબેન સમીરભાઈ કોટડીયા ઉપપ્રમુખ સંજયભાઈ ધીણોજા અને કારોબારી ચેરમેન ઋષિરાજ સિંહ જાડેજા સહિતના પાલિકા તંત્ર દ્વારા સેન્ટર હોમ ખાતે યુવાનોને નિઃશુલ્ક રહેવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં ૪૦૦ જેટલા યુવાનો રાતવાસો કરી શકશે આ માટે પીવાના પાણીની, ન્હાવા માટે ગરમ પાણીની વ્યવસ્થા ઉભી કરવામાં આવી હોવાનું કારોબારી ચેરમેન ઋષિરાજસિંહ જાડેજા ની યાદીમાં જણાવાયુ છે.

(10:09 am IST)