Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

ગોંડલ યાર્ડમાં મરચાની આવક શરૂ : પ્રખ્યાત મરચાની સિઝન ખીલી

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા. ૧ :સૌરાષ્ટ્રમાં મરચાનું પીઠું ગણાતાં ગોંડલ માર્કેટ યાર્ડમાં મરચાની સિઝન શરૂ થતાં પ્રથમ દિવસે ૪૦૦ ભારી આવક થઇ છે. ત્રાકુડા નાં ખેડુત અલીભાઇ એ રૂ.૪૧૦૦નાં ભાવે ૨૦ કિલો મરચાનું વેચાણ કરી સિઝનનાં શ્રીગણેશ કર્યા હતાં.

ગોંડલીયા મરચાં તરીકે દેશ વિદેશમાં પ્રખ્યાત ગોંડલનાં મરચાંની આવક શરું થવાં પામી છે જે માર્ચ મહીનાનાં અંત સુધી ચાલું રહેતી હોય છે. અથાણાં માટે વપરાતાં ખાસ ઘોલર મરચાની માંગ ગૃહીણીઓ માં વધું જોવાં મળે છે.જેને કારણે મરચાની અન્ય જાતમાં ઘોલર મરચાનો દબદબો છે.

ગોંડલ પંથકમાં ઘોલર ઉપરાંત રેશમ પટ્ટો, સાનીયા, તેજસ, ૭૦૨, ૭૧૩ અને કાશ્મીરી મરચાં નું વિપુલ પ્રમાણ માં વાવેતર થાય છે.પંથકનાં અંદાજે ૪૦૦ ખેડૂતો એ કાશ્મીરી મરચાં નું વાવેતર કર્યુ છે. કાશ્મીરી મરચાંનાં ભાવ ચાલું સિઝનમાં રૂ.પાંચ હજારથી વધું નિકળે તેવી શકયતા છે. યાર્ડનાં ચેરમેન ગોપાલભાઇ શિંગાળા તથાં કનકસિંહ જાડેજાએ જણાવ્યું કે ભારે વરસાદને કારણે મરચાનાં વાવેતરને નુકસાન થયું હોય ઉત્પાદનમાં ઘટાડો થયો છે.જેની અસર ભાવ પર રહે તેવી શકયતા છે.ખેડૂતો એ મરચાં યોગ્ય રીતે સુકવીને યાર્ડમાં લાવવાં અપીલ કરી સુકાયેલાં મરચાનો સારો ભાવ મળે તેવું જણાવ્યું હતું.

(3:21 pm IST)