Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

વિરમગામ પાસેથી મળી આવેલ લાશનો ભેદ ઉકેલાયો : પતિએ પત્નિના ૨૦ વર્ષ જુના પ્રેમીનું ઢીમ ઢાળી દીધુ હતુ

અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ કોકડુ ઉકેલી નાખ્યુ : છેલ્લા ભરવાડ અને તેની પત્નિએ ઉજૈનમાં તાંત્રીકને હાથ બતાવતા ૨૦ વર્ષ પહેલા તેની પત્નીને લફરૂ હોવાનું કહેતા શેલા ભરવાડ ગીન્નાયો હતો : હત્યાનો પ્લાન ઘડી અમલ કરી નાખ્યો

અમદાવાદ તા. ૧ : વિરમગામ નજીક મળેલી હત્યાનો ભેદ આખરે અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ ઉકેલી દીધો છે. તપાસમાં હત્યાનું કારણ પ્રેમ પ્રકરણ સામે આવ્યું છે. જેમાં આદાવત રાખી આરોપીઓએ મૂળ ભાવનગરના શખ્સને મોતને ઘાટ ઉતારી વિરમગામ નજીક લાશ ફેકીં ફરાર થઇ ગયા હતા.

અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ સુરત અને આણંદના ભેટાસી ગામેથી ભુવા સહિત ૬ આરોપીઓની ધરપકડ કરી છે. આરોપી ભૂવો અને તેના મિત્રો લોકડાઉન બાદ ઉજ્જૈન ફરવા ગયાં હતાં ત્યાં એક તાંત્રિકને હસ્તરેખા બતાવી હતી અને તાંત્રિકે તેને તારી પત્નીનું લગ્ન પહેલાં કોઈની સાથે અફેર હોવાનું જણાવ્યું હતું. જે બાબતે તેની પત્નીને પૂછતાં તેને ભૂતકાળમાં મરનાર સાથે સંબંધો હોવાનું કબૂલતાં મનમાં હજી પણ બંને વચ્ચે સંબંધો હોવાની શંકા રાખી આખો હત્યાનો પ્લાન ઘડયો હતો.

ભાવનગર જિલ્લાના કરદેજ ગામમાં રાજુ હાડા નામનો યુવક રહેતો હતો. ૨૯ ઓકટોબરના રોજ આણંદના ભેટાસી ગામે પોતાની સાસરીમાં આવવા બાઈક લઈને નિકળ્યો હતો. પરંતુ બે દિવસ સુધી પરત ના ફરતાં તેના ગુમ થયા અંગેની ફરિયાદ આંકલાવ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી.

દરમિયાનમાં ૬ નવેમ્બરના રોજ વિરમગામ માલવણ રોડ પર કાબરા નાળા પાસે નર્મદા કેનાલના એક નાળામાંથી કહોવાયેલી હાલતમાં એક લાશ મળી આવી હતી. જે રાજુ હાડાની હોવાનું બહાર આવ્યું હતું. ઘટનાને લઈ અજાણ્યા વ્યકિતએ લાશને નાળામાં ફેંકી દીધી હોવાની શંકાને લઈ વિરમગામ ગ્રામ્ય પોલીસ અને ગ્રામ્ય એલસીબીએ તપાસ શરૂ કરી હતી.

પોલીસે બનાવના સ્થળની આસપાસના મોબાઈલ લોકેશન અંગે તપાસ કરતાં મીનાના પતિ અને માતાજીનો ભૂવો એવો શેલા ભરવાડનો નંબર વટામણ ચોકડી સુધી જણાયો હતો. તે દિશામાં પોલીસે તપાસ કરી શેલા ભરવાડની અટકાયત કરી પૂછપરછ કરતાં પોતાની પત્નિે રાજુ સાથે પ્રેમ સંબંધ હતો. જેની શંકા રાખી તેની હત્યા કરવાનો પ્લાન ઘડયો હતો.

એલસીબી તપાસમાં સામે આવ્યું કે આરોપી શેલા ભરવાડ પહેલાં રિક્ષા ચલાવતો હતો અને છેલ્લા ૭ વર્ષથી ભુવાજીનું કામ કરે છે. આરોપીની પત્ની અને મરનાર વચ્ચે ૨૦ વર્ષ પહેલાં પ્રેમ પ્રકરણ હતું અને જે વાતની અદાવત રાખી આરોપીએ હત્યા કર્યા હોવાનું સામે આવ્યું છે.

ઘટના કંઈ એમ છે કે રાજુ અને શેલાની પત્ની વચ્ચે પહેલા પ્રેમ હતો અને ત્યાર બાદ શેલાની પત્નિએ જ પોતાની સહેલી સાથે રાજુના લગ્ન કરાવી દીધા હતા. મૃતકની સાસરી અને આરોપીનું ઘર અંકલાવના ભેટાસી ગામમાં હતું અને ગત ૨૯-૧૦-૨૦ ના રોજ મરનાર પોતાના સસરાની ખબર કાઢવા માટે ગયો હતો, ત્યાર બાદ તે પરત ઘરે આવ્યો નહોતો.

પોલીસનું કહેવું છે કે ૨૯ ઓકટોબરના રોજ જયારે મરનાર ખબર કાઢવા ગયો હતો ત્યારે આરોપી શેલા ભરવાડે રાજુ ઉપર પોતાની લાઈસન્સ વાળી રિવોલ્વર વડે ફાયરિંગ પણ કરેલ. પરંતુ રાજુનો આબાદ બચાવ થયો હતો. ત્યાર બાદ શેલાએ પોતાના સાળા દોલાને નજર રાખવા કહ્યું હતું. ૧ નવેમ્બરે રાજુભાઈ પોતાના વતનમાં જવા નીકળ્યા હતા. ત્યારે આરોપીઓ તેનો પીછો કરી વટામણ-ધોલેરા રોડ પર સુમસામ જગ્યાએ રાજુભાઈને માર મારી બાઈક મૂકી લાશને વિરમગામમાં ફેંકી દીધી હતી.

તપાસમાં સામે આવ્યું છે કે આરોપી શેલાની પત્નીનું પ્રેમ પ્રકરણ છે તેવુ ઉજ્જૈનના એક અઘોરીએ કહ્યું હતું. ત્યારબાદ રાજુ હાડાને હંમેશા માટે ખતમ કરી દોવાનું વિચારી આ ખૂની ખેલ ખેલ્યો હતો. હાલ આ મામલે પોલીસે સાત આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

આરોપીઓના સામે આવેલ નામોમાં શેલા ભરવાડ( ભુવાજી), રહે. લસકાસણા કામરેજ સુરત, ભરત ભરવાડ,રહે. લસકાસણા, કામરેજ સુરત, દોલા ભરવાડ રહે. ભેટાસી આંકલાવ આણંદ, મહેશ ભરવાડ રહે. નામણ બોરસદ, રમેશ તુસાવડા(મારવાડી) અડાજણ-પાલ ગામ, પ્રતિક શેટ્ટી રહે. કામરેજ સુરતનો સમાવેશ થાય છે.

(11:46 am IST)
  • એસપી દેવભૂમિ દ્વારકાનો ચાર્જ અચાનક વિશાલ કુમાર વાઘેલા ( એસપી આઈબી ગાંધીનગર ) ને સોંપાયો છે access_time 11:26 pm IST

  • દેશમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં સતત વધારો : એક્ટિવ કેસમાં ઘટાડો : રાત્રે 10-30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 32,407 કેસ નોંધાયા:કુલ કેસની સંખ્યા 94,95,661 થઇ :એક્ટીવ કેસ 4,28,390 થયા : વધુ 38,355 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 89,26,950 રિકવર થયા :વધુ 431 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,38,090 થયો access_time 12:15 am IST

  • દિલ્હીમાં કોરોના ટેસ્ટના ભાવમાં ધરખમ ઘટાડો: દિલ્હીમાં આરટી-પીસીઆર પરીક્ષણના ભાવ રૂ. ૨૪૦૦ થી ઘટીને રૂ. ૮૦૦ થઈ ગયાનું કેજરીવાલની "આપ" સરકારનું કહેવું છે. access_time 8:52 pm IST