Gujarati News

Gujarati News

News of Saturday, 1st December 2018

કુંવરજીભાઈનાં ફોર્મ ભરવા સમયે બહારના કાર્યકર્તાની હાજરીથી ભારે ચર્ચા

ભાજપે શકિત પ્રદર્શન કરવા બોલાવ્યા બહારથી કાર્યકર્તાઓઃ કોંગ્રેસે પણ સોમવારે ફોર્મ ભરવા સમયે શકિત પ્રદર્શન કરવા લગાવ્યુ એડીચોટીનું જોર

આટકોટઃ રાજકોટ શહેર ભાજપ મહિલા મોર્ચા દ્વારા ગઈકાલે જસદણ ખાતે કુંવરજીભાઈ બાવળીયાના ફોર્મ ભરવા સમયે રાજકોટ શહેરમાંથી મહિલા મોરચાના કાર્યકર્તા બહેનો આજી ડેમ ખાતે ભેગા થઈ જસદણ જવા નિકળ્યા હતા ત્યારે આજી ડેમ પાસે લેવાયેલ તસ્વીર(તસ્વીરઃ વિજય વસાણી-આટકોટ)

આટકોટ, તા. ૧ :. જસદણ-વિંછીયા વિધાનસભાની પેટા ચૂંટણી સંદર્ભે ગઈકાલે ભાજપના કુંવરજીભાઈ બાવળીયાએ ભાજપની ટોચની નેતાગીરી અને વિશાળ જનમેદનીની હાજરીમાં ફોર્મ ભર્યુ હતુ પરંતુ આ જન-મેદનીમાં જસદણ-વિંછીયા પંથકની સાથે બહારથી આવેલા કાર્યકર્તાઓ પણ હતા.

ગઈકાલે કુંવરજીભાઈ બાવળીયાના ફોર્મ ભરતી વખતે શકિત પ્રદર્શન કરવાનું પણ મુખ્ય પ્રયોજન ભાજપનું હતું. જેમાં મોટી સંખ્યામાં જન-મેદની એકઠી કરવા સ્થાનિક અને આજુબાજુના તાલુકાઓમાંથી કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

જેમા રાજકોટ શહેર ભાજપમાંથી મોટી સંખ્યામાં બહેનો તેમજ કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

આ ઉપરાંત છેક સાણંદથી ધારાસભ્યની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

બહારના કાર્યકર્તાઓની વિશાળ હાજરીથી ભાજપ, કોંગ્રેસ તેમજ સ્થાનિક મતદારોમાં આની ચર્ચા દિવસભર ચાલી હતી.

સોમવારે કોંગ્રેસના ઉમેદવાર ફોર્મ ભરવાના છે ત્યારે કોંગ્રેસ પણ શકિત પ્રદર્શન કરવા  એડીચોટીનું  જોર લગાવી રહી છે.

(12:02 pm IST)