Gujarati News

Gujarati News

News of Friday, 1st November 2019

સાવરકુંડલામાં બાયપાસના અભાવે વારંવાર ટ્રાફિક જામથી લોકો ત્રાહીમામ

સાવરકુંડલા તા ૩૧  : શહેરની જનતાનો વર્ષો જુનો અને સરદર્દ સમા ટ્રાફિકનો પ્રશ્ન હલ થતો નથી, તે ટ્રાફિકના પ્રશ્નને કાયમી હલ કરવા સરકારશ્રી દ્વારા બાયપાસ રોડ કાઢી રોડ બનાવવાનું કામ શરૂ કર્યુ, પરંતુ સાવરકુંડલાનો બાયપાસ રોડનું કામ  છેલ્લા ત્રણથી ચાર વર્ષથી શરૂ કરવામાં આવેલ છે, તે બાયપાસ રોડના ગોકુળ ગાયની ગતિએ઼ ચાલતા કામને કારણે  પ્રજાને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. બાયપાસ રોડના અભાવે ભારે અને અતિભારે તેમજ ટુ વ્હીલરથી ટ્રક વ્હીલના વાહનો સવારથી સાંજ સુધીમાં સાવરકુંડલા શહેરમાં હજારો વાહનો પસાર થતા હોય છે. તેના કારણે દિવસમાં અનેકવાર ટ્રાફિક જામ થઇ જવાની ઘટના બની રહે છે, છતાં પણ  જાડી ચામડી ધારક તંત્ર, બાબુઓના પેટનું પાણી પણ હલતુ નથી. બાયપાસ રોડ બનાવવાની મુદત પૂર્ણ થઇ ગઇ હોય અને તે મુદત દોઢથી બે વર્ષ જેવો સમય પણ વિતી ગયો હોવા છતાં પણ અધિકારી કે પદાધિકારીઓ કશુ બોલતા નથી. તેની પણ બેવડી અને ઢીલી નીતી રિતી સામે પ્રજામાં અતિ રોષ જોવા મળેલ છે.

દિવાળીના તહેવાર નિમીતે લોકો ખરીદી કરવાની રાહદારીઓની ભીડ હોય તેવી સ્થિતીમાં આ વાહનોની ભીડ જોતા એટલો ટ્રાફીક જામ થાય છે કે, જાણે મેળાવડો હોય તેવું લાગે છે. સાવરકુંડલા  શહેરમાં થતાં વારંવાર ટ્રાફીક પ્રશ્નો હલ કરવા સરકારી બાબુઓ આળસ ખંખેરી તાત્કાલીક બાયપાસ રોડનું કામ પૂર્ણ કરાવે તેવું પ્રજા ઇચ્છી રહી છે. જો આમ છતાં તેમાં વિલંબ કરવામાં આવશે તો પ્રજા દ્વારા આંદોલનના માર્ગે જાય તો તે વાત નવીન પામવા જેવી નહીં ગણાય

(11:44 am IST)