Gujarati News

Gujarati News

News of Thursday, 1st November 2018

કચ્છમાં જાહેરાત કરાયા પછી અછત ભુલાઇ? CMને યાદ અપાવવા MLAના ઘરણા : કોંગ્રેસી આગેવાને લખ્યો પત્ર

ભુજ તા. ૧ : કચ્છમા અછતના કારણે પશુઓની હાલત દિન પ્રતિદિન વિકટ થતી જાય છે. ઘાસ અને પાણી માટે માલધારીઓ વલખાં મારી રહ્યા છે. તો, સરકારી ઘાસ ગોડાઉનો ખાલીખમ છે, ઘાસનો જથ્થો અપૂરતો આવતો હોઈ પશુઓને ઘાસ નસીબ થતું નથી. આ સંજોગોમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કચ્છમા અછતની જાહેરાત કરી હતી તે જાહેરાતની યાદ અપાવવા કચ્છ કોંગ્રેસના બે આગેવાનો આગળ આવ્યા છે.

અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજા દ્વારા જિલ્લા કલેકટર કચેરી ભુજ સામે આજે ધરણા કરીને વહીવટીતંત્ર તેમ જ મુખ્યમંત્રીનું ધ્યાન દોરવા પ્રયાસ કરાયો છે. આજે સવારે ૧૦ થી ૬ વાગ્યા દ્વારા ઉપવાસ કરીને ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજા અછતની અમલવારીમાં સરકારની નિષફળતા સામે પોતાનો વિરોધ વ્યકત કરવાની શરૂઆત કરી છે. જિલ્લા કલેકટરને ઉદ્દેશીને સ્થાનિક વહીવટીતંત્ર સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી ને મોકલેલા પત્રમાં ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ કચ્છના છેવાડાના ત્રણ તાલુકાઓ અબડાસા,લખપત અને નખત્રાણા ના પશુધન અને ઘાસકાર્ડ સાથે ઘાસની વર્તમાન પરિસ્થિતિ વિશે રજૂ કરેલી વાસ્તવિકતા ચોંકાવનારી છે. આ ત્રણેય તાલુકાઓ ૩૮૫ ગામો માં ૨ લાખ ૫૬ હજાર પશુઓની સામે માત્ર ૫૯ ઘાસડેપો જ છે, પણ તેનાથીયે વધુ આઘાતજનક હકીકત એ છે કે, ઘાસ ડેપોમાં માત્ર નામનું ઘાસ છે.

સરેરાશ એક એક ઘાસ ડેપોમાં માંડ માંડ અડધી જ ટ્રક જ ઘાસ છે. તેને આંકડાકીય રીતે જોઈએ તો અડધી ટ્રક ઘાસ એટલે માત્ર બે હજાર કિલો ઘાસ થાય, સરકારી નિયમ પ્રમાણે પશુ દીઠ ચાર કિલો ઘાસ અપાય છે, એટલે એક ઘાસ ડેપોમાં થી ૨ હજાર કિલો ઘાસ માત્ર પાંચસો પશુઓને જ મળી શકે. એટલે ૫૯ ઘાસડેપો માંથી માત્ર ૩૦ હજાર પશુઓને જ ઘાસ મળે, ખરેખર ઘાસકાર્ડ દ્વારા ૨ લાખ પશુઓ ને ઘાસ મળવું જોઈએ, પણ વાસ્તવિકતા એ છે કેઙ્ગ ૭૦ ટકા પશુઓ ઘાસ વગર ભૂખે મરી રહ્યા છે.

ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજા ભૂખમરાથી મરતા પશુઓ માટે પોતે છેલ્લા ત્રણ મહિનાથી વારંવાર જિલ્લા વહીવટીતંત્ર અને સરકાર ને અછત અંગે રજુઆત કરી રહ્યા છે. પણ, પરિણામ નથી. ભૂખે મરતા પશુઓને જોઈને વ્યથિત થયેલા ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજા મુખ્યમંત્રી ને અછતની યાદ અપાવવા પોતે ઉપવાસ રાખીને ધરણા કરી સરકારનું ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો છે. ભુજ મધ્યે ખુદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ૧ લી ઓકટોબર થી સમગ્ર કચ્છમા અછતની જાહેરાત કરી હતી. પણ, પરિસ્થિતિ એવી છે કે, કચ્છમા કયાંયે અછતની અમલવારી દેખાતી નથી.

પ્રદેશ કોંગ્રેસના આગેવાન આદમ ચાકીએ અછતગ્રસ્ત બન્ની વિસ્તારની રૂબરૂ મુલાકાત લીધા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને અછત અંગે તેમણે ભુજમાં કોંગ્રેસના પ્રતિનિધિ મંડળને આપેલી હૈયાધારણા ની યાદ અપાવી છે. સાથે સાથે, ખુદ મુખ્યમંત્રી દ્વારા અછત જાહેર કરાયા બાદ એક મહિના સુધી પણ કોઈ ઘાસચારાની વ્યવસ્થા ન થતા કચ્છના પશુપાલકોમાં નિરાશા વ્યાપી હોવાનું જણાવ્યું છે.

બન્નીના અંધૌ અને ભીરંડીયારા ઘાસ ડેપોમાં ૧૭૫ ઘાસકાર્ડ સામે માત્ર ૪૦ ગાંસડી ઘાસ જ હોવાનું જણાવી અપૂરતા જથ્થાના કારણે પશુમાલિકો માં ઝઘડા થતા હોવાનું અને પશુઓ ભૂખે મરતા હોવાનું આદમ ચાકીએ મુખ્યમંત્રી ને લખેલા પત્રમાં જણાવ્યું છે. બન્ની માં પ્રતિબંધીત વિસ્તારમાં ઘાસનો વિશાળ જથ્થો હોઈ પશુઓને ચારિયાણ માટે છૂટ આપવા ભુજમાં મુખ્યમંત્રીએ કોંગ્રેસના પ્રતિનિધિ મંડળને હૈયાધારણા આપી હતી પણ, એક મહિનો થયો કંઈ થયું નથી. અછતનો સ્ટાફ હવે મોડે મોડે નિમાયો છે ત્યારે કચ્છના મુંગા પશુઓને બચાવવા કચ્છમા તાત્કાલિક ધોરણે અછતની કામગીરી અમલી બનાવવા આદમ ચાકીએ મુખ્યમંત્રીને ભારપૂર્વક જણાવ્યું છે.(૨૧.૧૨)

(11:41 am IST)