Gujarati News

Gujarati News

News of Saturday, 1st October 2022

પીએફઆઇ અંગે દરોડા નથી હાલ પુરતુ માત્ર ડિમોલીશન કામગીરીઃ દેવભુમી દ્વારકા જીલ્લા પોલીસવડા નીતેશકુમાર પાંડે

પત્રકારોને ડિમોલીશન જગ્‍યાએ ખાસ બોટ દ્વારા લઇ જવાયા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા., ૧: દેવભુમી દ્વારકા પંથકના બાલાપર ખાતે પુરજોશમાં મેગા ઓપરેશન ચાલુ છે. ખાસ બોટમાં તંત્ર દ્વારા પત્રકારો, તસ્‍વીકારકારો, વિડીયોગ્રાફરો સહીત મીડીયાને સ્‍થળ ઉપર લઇ જવાયા છે.

જીલ્લા પોલીસ વડા નીતેશકુમાર પાંડેએ એક મુલાકાતમાં જણાવેલ કે દરીયાઇ સુરક્ષા તથા દેશની આંતરીક સુરક્ષાના સંદર્ભમાં બેટ દ્વારકામાં  થયેલા દબાણો અંગે તંત્ર દ્વારા  સર્વે કરાવીને તથા નિયમ મુજબ નોટીસો તથા કાયદેસરની કાર્યવાહી કરાવીને આ ડીમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવી છે.

પીએફઆઇ અંગે દરોડા પાડયા છે તેવી કોઇ વાત ના હોવાનું જણાવીને હાલ માત્ર ડીમોલીશન જ હાથ ધરાયું હોવાનું જણાવ્‍યું હતું. નવ ડીવાયએસપી તથા સંખ્‍યાબંધ પો.ઇ. તથા પી.આઇ. સાથે ચુસ્‍ત બંદોબસ્‍ત હેઠળ હથીયાર ધારા એસઆરપીના બંદોબસ્‍ત સાથે આ ડીમોલીશન શરૂ કરવામાં આવ્‍યું છે. હાલ દુકાનો તથા વંડાઓને તોડવાનું કામ હનુમાન દાંડી રોડ તથા બાબાપુર વિસ્‍તારમાં શરૂ થયું છે.

ઓપરેશન દિવસો સુધી ચાલશે.

બેટ દ્વારકામાં સર્વે બાદ  થયેલ નોટીસ પ્રક્રિયામાં જે ઢગલાબંધ દબાણો હાથમાં આવેલા છે તે જોતા આજે સવારે શરૂ થયેલુ આ મેગા દબાણ હટાવો ઓપરેશન આજે તથા આવતીકાલે તથા વધુ દિવસો ચાલે તેવી  શકયતા છે તથા તમામ કાર્યવાહી ચુસ્‍ત બંદોબસ્‍ત હેઠળ થઇ રહી છે.

યાત્રાધામ બેટ દ્વારકામાં દબાણો બાબતે છેક ઉચ્‍ચકક્ષા સુધી ફરીયાદો પણ થઇ હોય તથા આ બાબતે ઉચ્‍ચ અધિકારીઓ ખાનગી ચેકીંગ પણ કરી ગયા હોય તે પછી તંત્ર દ્વારા આ આક્રમક રીતે ઓપરેશન હાથ ધરાયું છે તથા આ સંઘર્ષમાં ૩/૪ શખ્‍સોની રાત્રે જ અટકાયત પણ કરવામાં આવી હતી.

ઓખા બેટ વચ્‍ચે ફેરી બોટ ઇમરન્‍સી સિવાય બંધ કરી દેવામાં આવી છે તથા બેટના રહીશોને પણ વિના કારણ બહાર ના નિકળવા જણાવાયું છે. તો ડીમોલીશન સાથે પીએફઆઇના કનેકશનો પણ તપાસમાં નિકળે  તો નવાઇ નહી.

(1:46 pm IST)