Gujarati News

Gujarati News

News of Saturday, 1st October 2022

માતાના મઢ પતરી વિધિ વિવાદઃ કોર્ટે મહારાણી પ્રિતીદેવીની રક્ષણ માટેની અરજી રદ્દ કરી હવે મ.કુંવર હનુવંતસિંહની પતરી વિધિ માટે તૈયારી

૪૫૦ વર્ષ જુની નવરાત્રિની મા આશાપુરા મંદિરે કરાતી રાજાશાહીની ધાર્મિક વિધિ પરંપરા માટે કચ્‍છના રાજવી પરિવારમાં વિવાદ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૧: કચ્‍છ રાજયની કુળદેવી અને સમગ્ર કચ્‍છ અને દેશ દેશાવરમાં રહેતા લોકોની શ્રદ્ધાના કેન્‍દ્ર સમા મા આશાપુરા મંદિર માતાના મઢમાં નવરાત્રિની આઠમના થતી પતરી વિધિ ની ધાર્મિક પરંપરાનો વિવાદ ચર્ચાનું કેન્‍દ્ર બન્‍યો છે. રાજાશાહી ની આ ધાર્મિક વિધિ કોણ કરશે? મહારાણી પ્રિતિદેવી કે મહારાજ કુમાર હનુવંતસિંહજી? એ બાબતે કાનૂની જંગ ચાલુ છે. ભુજ કોર્ટમાં પતરી વિધિ દરમ્‍યાન રક્ષણ આપતી મહારાણી પ્રીતિદેવીની અરજી રદ્દ કરાઈ છે. આ સંદર્ભે મહારાજ કુમાર હનુવંતસિંહજીએ પતરી વિધિની તૈયારીઓ શરૂ કરી છે. હનુવંતસિંહજી તરફે તેમના વકીલ યોગેશ ભંડારકર દ્વારા જણાવાયું છે કે, પ્રીતિદેવીની અરજી ભુજ કોર્ટ દ્વારા રદ્દ કરાઈ છે. એટલે એમનો પતરીનો હક કોર્ટે માન્‍ય રાખ્‍યો નથી. એટલે દયાપર (કચ્‍છ)ની કોર્ટનો હુકમ રાજવી પરિવારના વંશાનું ક્રમે આવતા વારસદાર દ્વારા આ વિધિ કરી શકે એ આદેશ અમલમાં રહે છે. પત્‍નીનો સમાવેશ વંશાનુક્રમમાં થતો નથી એટલે એ અધિકાર મહારાજ કુમાર હનુવંતસિંહજીને પક્ષે જાય છે. બીજી બાજુ પ્રિતીદેવી વતી એમના વકીલ ભરતભાઈ ધોળકીયા એ જણાવ્‍યું હતું કે, ભુજ કોર્ટ દ્વારા અપાયેલ ચુકાદા માં રક્ષણ ની અરજી રદ્દ કરાઈ છે. આઠમે પતરી કોણ લેશે એ વિશે ભુજ કોર્ટે કોઈ નિર્ણય આપ્‍યો નથી. હાઇકોર્ટ ના આદેશ મુજબ પતરી વિધિ બાબતે ભુજ જિલ્લા કોર્ટે ૬ મહિનામાં નિર્ણય આપવાનો છે. જેની હવે પછીની તારીખ ૨૦ ઓકટોબર છે. દરમ્‍યાન ગઇકાલે મહારાણી પ્રિતિદેવીએ પરંપરા અનુસાર ભુજમાં આશાપુરા માતાજીના મંદિરે ચામર વિધિ કરી હતી. જયારે આજે મહારાજ કુમાર હનુવંતસિંહજી પતરી વિધિ કરશે એવું જાણવા મળે છે. ભુજથી ચામર પૂજા બાદ ચામર યાત્રા સાતમ સુધી માતાના મઢ પહોંચે છે. આઠમના પતરી વિધિ થાય છે.

 આમ, અત્‍યારે પતરી વિધિ કોણ કરશે? એ અંગે કચ્‍છના રાજવી પરિવારનો વિવાદ ચાલુ જ રહ્યો છે.

(11:37 am IST)