Gujarati News

Gujarati News

News of Tuesday, 1st October 2019

જસદણની લાખોની હિરા લૂંટનો ભેદ ઉકેલતી રૂરલ પોલીસ

લૂંટમાં સંડોવાયેલ આરોપીઓ પોલીસના સકંજામાં: રૂરલ એસપી બલરામ મીણા તથા ટીમને સફળતા

રાજકોટ, તા., ૧ : જસદણ પાસે ગત રવિવારે થયેલ લાખો રૂપીયાની હિરા લુંટમાં સંડોવાયેલ શખ્સોને ઝડપી લેવામાં રૂરલ પોલીસને સફળતા મળી છે. રૂરલ પોલીસે લુંટમાં સંડોવાયેલ  શખ્સોને સકંજામાં લઇ પુછતાછ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ બોટાદના પાટી ગામના વતની જસમતભાઇ ધરમશીભાઇ મોરડીયા લેઉવા પટેલ ઉ.વ.પપ, રાજેશ અમૃતભાઇ ગોહેલ, શૈલેષ ભગવાનભાઇ કળથીયા અને ભુદરભાઇ જેરામભાઇ દલસાણીયા, જી.જે.૩૩-બી-પ૩૦૩ નંબરની કારમાં જસદણ સરદાર પટેલ ડાયમંડ માર્કેટમાં હિરા વેચવા આવતા હતાં ત્યારે રવિવારે  સવારે ૧૧ વાગ્યા આસપાસ જસદણ ઘેલા સોમનાથ રોડ ઉપર ગોડલાધાર અને માધવીપુર ગામની વચ્ચે કાળાસર જવાના રસ્તા પાસે પાછળથી સિલ્વર કલરની સેન્ટ્રો કારમાં આવેલા ૪ લૂંટારૂઓએ ઓવર ટેક કરી કારને આંતરી રોડ વચ્ચે ઉભા રહી   ૪ દરવાજામાંથી ૪ જણા કાર ચાલુ જ રાખી હાથમાં છરી અને ગુપ્તી જેવા હથીયારો લઇ ફરીયાદીની કારના ચારેય દરવાજે એક-એક લૂંટારૂ દોડી આવતા  હિરાના વેપારીઓને ખ્યાલ આવી જતા શર્ટની અંદર બનીયાનના ખીચામાં રાખેલ હિરા સગેવગે કરવા લાગ્યા હતાં, પરંતુ લૂંટારૂઓ જોઇ જતાં હિરા આપી દેવા ધમકી આપી હતી અને  લુંટારૂઓ જસમતભાઇ પાસે હિરા તેમજ રાજેશભાઇ પાસેના હિરા લૂંટી લીધા હતાં.

ત્યારબાદ ઇજાગ્રસ્ત જસમતભાઇને જસદણના સરકારી દવાખાને સારવાર આપવામાં આવી હતી અને રાત સુધી ફરીયાદીની ઉલટ-તપાસ કર્યા બાદ રાત્રે દસ વાગ્યે એસ.પી.ની હાજરીમાં ફરીયાદ દાખલ કરવામાં આવી હતી અને સીલ્વર કલરની ફોર વ્હીલ ગાડીમાં આવેલ ૪ અજાણ્યા  શખ્સો સામે ગુન્હો દાખલ કરાયો હતો.

પ૦ લાખ ઉપરાંતના હીરા અને રોકડ રકમની લુંટ થઇ હોવા છતા પોલીસે માત્ર ૧પ.૧૯ લાખના હિરા અને રોકડ રકમની લુંટ થયાનો ગુન્હો દાખલ કર્યો હતો.

દરમિયાન  સરાજાહેર થયેલ આ લુંટની  ઘટનાનો ભેદ ઉકેલવા રૂરલ એસપી બલરામ મીણાએ અલગ-અલગ ટીમો બનાવી હતી  અને તપાસના અંતે રૂરલ પોલીસને લુંટમાં સંડોવાયેલ શખ્સો અંગે કડી મળતા તેને દબોચી લીધા છે. પકડાયેલ શખ્સોની પુછતાછ હાથ ધરાઇ છે અને સતાવાર જાહેરાતો હવે કરાશે.

(4:06 pm IST)