Gujarati News

Gujarati News

News of Tuesday, 1st October 2019

ટ્રકે બાઇકને ઉલાળતાં ચોટીલાના વિદ્યાર્થી હિમાલય મકવાણાનું મોત

ધો-૧૨માં અભ્યાસ કરતો હતોઃ બે મહિના પહેલા આ યુવાનના શિક્ષક પિતાનું મૃત્યુ થયું હતું: માતાનો એકનો એક આધાર હતોઃ

રાજકોટ તા. ૧: ચોટીલામાં થાન રોડ પર ખુશીનગર-૧માં રહેતાં અને ધોરણ-૧૨માં અભ્યાસ કરતાં હિમાલય દિલીપભાઇ મકવાણા (ઉ.૨૨) નામના યુવાનનું વાહન અકસ્માતમાં મૃત્યુ નિપજતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.

હિમાલય ધોરણ-૧૨માં નાપાસ થયા પછી ફરીથી પરિક્ષા આપવાની તૈયારી કરી રહ્યો હતો. ગઇકાલે તે બાઇક લઇને ચોટીલા કામ સબબ ગયો હતો ત્યારે પેટ્રોલ પંપ નજીક મહાકાળી ભેળ પાસે પહોંચતા એક ટ્રકની ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા થતાં ચોટીલા સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ રાત્રીના દમ તોડી દેતાં સ્વજનોમાં કલ્પાંત સર્જાયો હતો.

હોસ્પિટલ ચોકીના રાજુભાઇ ગીડા અને રવિભાઇએ ચોટીલા પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર હિમાલય એક બહેનથી નાનો હતો અને વિધવા માતાનો એકનો એક આધારસ્તંભ હતો. તેના પિતા દિલીપભાઇ મકવાણા પ્રાથમિક શાળામાં શિક્ષક હતાં. બે મહિના પહેલા જ તેમનું મૃત્યુ થયું હતું. પતિ બાદ હવે પુત્રને ગુમાવતાં વિધવા મહિલા શોકમાં ગરક થઇ ગયા છે.

(11:47 am IST)