Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

ગોંડલ સબજેલમાં વધુ ૧૦ કેદીઓ કોરોનાની ઝપટે : ૧૦૩ કેદીઓમાંથી કુલ ૨૩ના રિપોર્ટ પોઝિટિવ

તસ્વીરમાં કોરોના દર્દીને સારવારમાં લઇ જવાય તે નજરે પડે છે. (તસ્વીર : ભાવેશ ભોજાણી, ગોંડલ)

ગોંડલ તા. ૧ : ગોંડલ શહેર પંથકમાં દિવસેને દિવસે કરોના પોઝિટિવ કેસ વધી રહ્યા છે ત્યારે સમયાંતરે અત્રેના વોરાકોટડા રોડ પર આવેલ સબજેલમાં પણ પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા હોય ગતરોજ રાજકોટ જિલ્લા કલેકટર દ્વારા સબ જેલની મુલાકાત વેળાએ તમામ કેદીઓનું રેપિડ ટેસ્ટ કરવાનું જણાવતા જેલર ડી કે પરમાર અને જેલ અને આરોગ્ય તંત્ર દ્વારા આજે ૪૩ કેદીના કોરોના રિપોર્ટ કરવામાં આવતા ૧૦ કેદીઓ કોરોના પોઝિટિવ આવતા જેલ તંત્ર હચમચી ગયું હતું. અગાઉ તેર કેદીઓ પોઝીટીવ બની ચુકયા છે.

જેલર ડી કે પરમારે જણાવ્યું હતું કે હાલ ગોંડલ સબજેલમાં ૧૦૩ કેદી સજા ભોગવી રહ્યા છે ત્યારે બેરેક નંબર ત્રણ અને ચારમા કોરોના પોઝિટિવ કેસ આવી રહ્યા હોય બેરેક નંબર ૩ , ૪ અને વીસીમાં રહેતા આશરે ૪૩ કેદીઓના કોરોના ટેસ્ટ કરતા ૧૦ કેદીના રિપોર્ટ પોઝિટિવ આવતા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સદ્નશીબે જેલ તંત્રના કોઈ કર્મચારી કે અધિકારી ઓ હજી સુધી સંક્રમિત થવા પામ્યા નથી અત્યાર સુધીમાં સબજેલમાં ૨૩ કેદીઓ કોરોના પોઝિટિવ થવા પામ્યા છે.કોરોના પોઝીટીવ માટે સબજેલ 'હોટસ્પોટ' બની હોય કેદીઓ સહિત જેલતંત્ર ભયભીત બનવાં પામ્યું છે.

(10:22 am IST)