Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

અનલોક પછી કચ્છમાં કોરોના બેકાબૂઃ વધુ ૧ મોત અને ૨૦ કેસ સાથે જુલાઈમાં જ ૩૬૬ કેસથી ફફડાટ

વધુ ૨ મોત પૈકી ૧ નોંધાયું: ભુજની મહિલાના મોત સાથે કુલ ૨૬ મોતઃ અંજારની મહિલાનું મોત રિપોર્ટ ઉપર પેન્ડિંગઃ કચ્છમાં માહિતી બાબતે તંત્રની લુકાછુપીથી લોકોમાં કોરોનાનો ભય વધ્યો

ભુજ,તા.૧: કચ્છમાં અનલોક પછી બેકાબૂ બનેલા કોરોનાએ વધુ બે માનવ જિંદગીનો ભોગ લીધો છે. જે પૈકી ભુજના જૂની રાવલવાડીમાં રહેતા હંસાબેન નવીનચંદ્ર સોની (ઉ.૫૭) નું મોત દર્શાવાયું છે.

ગઈકાલે બપોરે ૧૧.૪૬ વાગ્યે તેમનું મોત નીપજયું હતું. તેમના મોતના કારણમાં ડાયાબીટીસ અને હૃદયરોગ સંબંધી અન્ય તકલીફ હોવાનું જણાવાયું છે. જયારે અંજારના નિર્મળાબેન શાહ (ઉ.૬૮, ગંગા નાકા) નો રિપોર્ટ હજી આવ્યો ન હોઈ તેમનું મોત ચોપડે દર્શાવાયું નથી.

જોકે, કોરોના પોઝિટિવ દર્દીઓ હોય કે કોરોનાથી થતાં મોત હોય કચ્છમાં માહિતીની લુકાછુપીથી લોકોમાં કોરોનાનો ભય વધ્યો છે. આદિપુર, ભુજ, અંજાર સહિત અનેક કોરોનાના કેસોમાં બબ્બે દિવસ પછી તંત્ર દર્દીઓના નામ યાદીમાં દર્શાવે છે.

 દરમ્યાન આજે નોંધાયેલા ૨૦ કેસમાં કોરોનાનો અંજાર, ગાંધીધામ, ભુજમાં વિસ્ફોટ થયો છે. આજે ગાંધીધામમાં ૬, અંજારમાં ૫, ભુજમાં ૪, સાંધીપુરમ (અબડાસા)માં ૩, નખત્રાણા ૧ અને રાપરમાં ૧ દર્દી મળી ૨૦ કેસ થયા છે. માત્ર જુલાઈ મહિનામાં જ કોરોનાના કેસ ૩૬૬ નોંધાયા છે. કુલ ૫૩૦ કેસમાં ૩૬૬ કેસઙ્ગ જુલાઈમાં નોંધાતા આંકડાઓ સ્પષ્ટ દર્શાવે છે કે, અનલોક પછી કચ્છમાં કોરોના બેકાબૂ થયો છે.ઙ્ગ

આજની કચ્છની આંકડાકીય માહિતી જોઈએ તો, કોરોનાના એકિટવ કેસ ૧૭૦ છે. જોકે, કચ્છમાં કોરોનાને હરાવનારા દર્દીઓની સંખ્યા ૩૩૪ જેટલી નોંધપાત્ર થઈ છે. તો મૃત્યુ પામનાર ૨૬ છે. કુલ દર્દીઓ ૫૩૦ થયા છે.

(11:14 am IST)