Gujarati News

Gujarati News

News of Thursday, 1st August 2019

કુતિયાણાના જમરાના અમીતભાઇની સખત મહેનતથી વેરાન જગ્યામાં છવાય હરિયાળી : ખજુર-ખારેકના સફળ પ્રયોગો

આગવી સૂઝ-કુનેહ અને વૈજ્ઞાનિક અભિગમથી લહેરાતો બગીચો બન્યોઃ ૧ કિલો વજનનું સીતાફળ, દસ પ્રકારના જાંબુ સહિત અનેક ફળો

સૌરાષ્ટ્રની દરિયાઇ પટ્ટી ખાસ કરીને ઓખાથી મહુવા સુધી જમીનના તળમાં ખારા-ભાંભરા પાણીના કારણે ખેતીના પાકો, વૃક્ષના છોડવાઓ ઉછેરી શકાતા નથી. જોકે દરિયાઇ પટ્ટીના કાંઠે નહેર તૈયાર થતાં જમીનના તળામાં ખારા પાણીમાં થોડો ઘણો સુવારો થવા પામ્યો છે, પરંતુ મીઠા પાણીના અભાવે ખેડૂતો પાકોની મોસમ લઇ શકતા નથી, ત્યારે પોરબંદરના કુતિયાણાના જમરા ગામનો કોળી સમાજનો યુવાન અમિતભાઇ મસરીભાઇ વાડલીયાએ ઉપલેટાના કુમીયાણીની બી.આર.એસ. કોલેજમાં અંગ્રેજી સાથે ગ્રેજયુએશન કરેલ છે. બાદ નોકરી છોડીને પર્યાવરણ પ્રત્યે લગાવના કારણે માંગરોળ શીલ ગામે સોમનાથ હાઇવે રોડ પેટ્રોલ પંપની બાજુમાં જૈન સમાજની સુંદરવન તરીકે ઓળખાતી જગ્યાની બંજર જગ્યામાં તેમાંય ખારા પાણીમાં અનેક વૃક્ષો-છોડો ફળફાળધિના ઝાડ ઉગાડી હરિયાળુ વન બનાવ્યું છે. સૌ કોઇ આ સુંદરવનની જગ્યા પર લહેરાતી હરિયાળી જોઇને તાજુબ થઇને આ યુવાનના પર્યાવરણ પ્રત્યેના જબરા પ્રેમને વધાવી રહ્યા છે.

મુંબઇના જૈન વણિક પરિવારના રહેણાંક મકાન માટે ખરીદેલી સુંદરવન તરીકે ઓળખાતી સાડા આઠ વીઘા સુંદરવનની જગ્યામાં ખારા પાણીના કારણે એક વૃક્ષ-છોડનો ઉછેર કરવો મુશ્કેલરૂપ હતું. આ યુવાનની આગવી સૂઝ કુનેહ અને વૈજ્ઞાનિક અભિગમના પરિણામે આ બંજર ભૂમિ વૃક્ષો-છોડો-ફળફળાધિથી હરિયાળી છવાઇ છે, એટલું જ નહીં આ યુવાને દેશ-વિદેશનો પ્રવાસ ખેડીને સુંદરવનમાં લહેરાતો બગીચો બનાવીને આ પંથકના ખેડૂતો અને પર્યાવરણ પ્રેમીઓને રાહચિંધ્યો છે. જો યુવાનો ધારે તો પુરૂષાર્થ અને વૈજ્ઞાનિક અભિગમના માધ્યમથી આ બંજરભૂમિને નવપલ્લવિત ભૂમિમાં ફેરવી શકે તે જમરાના યુવાને સાબીત કરી દીધું છે.

ખજૂરનો પાક આરબ દેશોના રણદ્વીપોમાં જ થાય છે તે વાત ખોટી ફેરવીને આ યુવાને ખજૂરના વૃક્ષો વાવીને ખજુર માત્ર આરબ દેશોમાં જ નહીં ભારતના દરિયા કિનારાની ખારાશ વાળી જમીનમાં પણ થઇ શકે છે તેનું પ્રેરણ ઉદાહરણ પુરૂ પાડયું છે. તદ્ઉપરાંત કચ્છ પંથકમાં ખારેક મોટા પ્રમાણમાં થાય છે. તેમણે આ સુંદરવનની જગ્યામાં ખારેકના વૃક્ષો વાવીને ખજૂર-ખારેકનો લૂમો જોઇને આપણું મન પોકારી ઉઠે છે કે વાહ! ખજૂર વાહ ખારેક !!!

જૈન ધર્મની આ સુંદરવન જગ્યામાં જૈન ધર્મીઓ કંદમૂળને ખોરાકમાં લેવાનું વજર્ય ગણે છે, પરંતુ આ યુવાને 'લસણ કંદમૂળ નહીં, પણ સલણ વૃક્ષ છે.' તેમણે લસણ વાવીને તેના પાદડા કંદમૂળ લસણના વિકલ્પ બનાવ્યા છે. તદ્ઉપરાંત બટાટા પણ કંદમૂળ છે, પરંતુ બટાટા જમીનની અંદર થાય છે, પરંતુ આ યુવાને બટાકાના વેલામાં જમીનમાં નહીં ઉપર વેલામાં ઉગાડીને જૈનધર્મના લોકો માટે આ વિકલ્પ શોધીને કંદમૂળની જગ્યાએ વૃક્ષ-વેલા વાવીને વિકલ્પ પૂરો પાડયો તે કાબીલે દાદ છે. ફળફળાધિ મોસમ પ્રમાણે થાય છે ત્યારે આ યુવાન કુંડામાં બારે માસ કેરી અને ફળફળાદી બારે માસ થાય છે.

ફળફળાધિમાં આલ્ફેડ સીતાફળ (૧ કિ.ગ્રા.નું) થાય છે. દસ પ્રકારના અલગ અલગ જાતના જાંબુ, વિવિધ પ્રકારના પીવા શરબતો માટે ફણશ, બારડોઝ, ચેરી, વિવિધ પ્રકારના સતંરા, આંબાની વિવિધ જાતો હાફૂસ, પાયરી દેવઢ લંગડો રાજાપુરી શકય બનાવ્યો છે તદ્ઉપરાંત કરમદા (ચીકુ જેવડા મોટા) વિવિધ જાતના દાડમ, ડ્રેગન ફ્રુટ, ફણસ તેમાંય ખાસ કરીને અલગ અલગ કેરીના વૃક્ષો ઉગાડી જે કોઇ જુએ તે અચંબામાં પડી જાય છે. વિવિધ પ્રકારના વૃક્ષો જેવા કે ગરમાળો, કરંજ, સેતુર, સવન આબળા, રૂખડો, વડલો ઉમરો પીપળો સરગવો તેમજ ફૂલોના રોપા વસંત, ટંગર, જાસ્મીન જાસુદ ગુલાબ રાતરાણી, મધુમાલતી બોરસલ્લી, નીલગિરી પીળો કરેણ અરડુશી વાંસ અરીઠા, ખાટી આંબલી મીઠી આંબલી, મીઠો લીમડો, મહુડા, સપ્તપર્ણી, કદંબ બીલીપત્ર સાગ ચીકુ તેજાના મરી, જોયફળ તમાલપત્ર તજ કાજુ લવિંગ કોકમ વગેરેનો સમાવેશ થાય છે.

આ બંજર ભુમિમાં મારા અને ભાંભરા પાણીમાં આ હરિયાળી શી રીતે બનાવી છે. યુવાન અમીત વાડલીયાએ જણાવેલ કે, આ સુંદરવન શબ્દને સાર્થક કરવામાં મધમાખીનો ફાળો મહતવનો રહ્યો છે. મધમાખીનો ઉછેર જ આ બગીચાને હરિયાળી બક્ષી છે. આથી આ સુંદરવનમાં મધઉછેરની પેટીઓ મૂકીને મધ ઉછેર કરવામાં આવે છે. મધ ઉછેરના કારણે વૃક્ષો છોડનું ફલીકરણ થાય છે અને મધ ઔષધિ તરીકે પણ ઉપયોગી છે. જો વનો-વૃક્ષો-છોડોને હરિયાળુ બનાવવું હોય તો મધ ઉછેર કરવો ખૂબજ આવશ્યક છે. છોડ-વૃક્ષોના ઉછેરમાં મધ-માખીનો ફાળો ૪૦ થી પ૦ ટકા રહ્યો છે.

મધમાખી પાસે નથી પરિકર, નથી કોણ માપક નથી ફૂટ પટ્ટી કે નથી આર્કીટેકટની ડીગ્રી છતાં તેનો મધપૂડો સીવિલ એન્જનીયરનો સર્વોત્તમ નમૂનો છે. માપમાં સચોટ અને મજબૂત સોલીડ કેમ કે મધપૂડાના સ્થાપત્યમાં તે મેથેમેટીકસ લડાવે છે. વૃક્ષ વેલામાં, ફૂલો મધમાખી આકર્ષવામાં તેને શર્કરાયુકત રસનું પ્રલોભન દેખાય છે. વધુમાં કેટલીક પરાગરજ ચોતરફ ફરે છે. કુદરતે મધમાખીને રજ સેમેટવા પગે રૂછંડા આપ્યા એટલું જ નહીં પણ શાકભાજીની થેલી જેવી પોલી બાસ્ટેડની સુવિધા પૂરી પાડી છે. આ મધમાખીના ફાળો હરિયાળી બનાવવાનો મહત્વનો રહ્યો છે. પહેલાના વખતમાં મધમાખીનું ઝુંડ માણસો પર ત્રાડકતું નહોતું. આજે આપણે સવાર-નવાર વાંચીએ છીએ કે મધમાખીના ઝૂંડે માણસો પર હુમલો કર્યો અને હોસ્પિટલમાં દાખલ કરવા પડયા આ ફૂલછોડ-વૃક્ષોની માત્ર ઘટી છે. આથી મધમાખીનો ઝુંડ હુમલા કરે છે. આનો ઉપાય પણ ફુલછોડ-વૃક્ષો વાવી હરિયાળુ બનાવવામાં આવે તો આ આફત ટળી શકે છે. ફળફળાદીના વાવેતર માટે અમીતભાઇ (મો. ૯૬૮૭૭ ૬૯પ૯૮નો સંપર્ક કરી શકાય.

(1:41 pm IST)