Gujarati News

Gujarati News

News of Thursday, 1st August 2019

સુરેન્દ્રનગર રેલ્વે સ્ટેશને અનેક ટ્રેનો રદ્દ થતા સેંકડો મુસાફરો અટવાયાઃ ૧૦૦ હજ્જ યાત્રિકો પણ અટવાયા

વઢવાણ, તા. ૧ :. ગુજરાતમાં ભારે વરસાદ વરસવાના કારણે સૌરાષ્ટ્ર-ગુજરાતમા રેલ્વે ટ્રેનો ઉપર ભારે અસર થવા પામેલ હતી, ત્યારે અસંખ્ય મુસાફરો સુરેન્દ્રનગરના રેલ્વે સ્ટેશન ઉપર અટવાઈ પડયા હતા.

હજયાત્રા માટે રાજકોટ, જામનગરથી ૧૦૦ જેટલા હાજીઓ ટ્રેનમાં રવાના થયા હતા ત્યારે સુરેન્દ્રનગર રેલ્વે સ્ટેશન ખાતે ૧૦૦ જેટલા હાજીઓ પણ અટવાઈ પડયા હતા. સ્ટેશન ઉપર હાજીઓ અટવાયા હોવાની જાણ સુરેન્દ્રનગર પત્રકાર મયુરભાઈ સંધી, ભાવેશ પ્રજાપતિને મળતા તૂર્ત જ રેલ્વે સ્ટેશન પહોંચી માઈકમાં એનાઉન્સ કરાવી અને હાજીઓને સુરેન્દ્રનગર બસ બાંધી એરપોર્ટ ઉપર રવાના કરવામા આવ્યા હતા. માનવતા મહેકતા હાજીઓની આંખોની પાંપણ ભીની થઈ હતી અને આભાર વય્કત કર્યો હતો.

સુરેન્દ્રનગર રેલ્વે સ્ટેશન ખાતે જામનગરથી બાંદ્રા જવાવાળા અસંખ્ય મુસાફરો વરસતા વરસાદમાં ભારે મુસીબતમાં મુકાઈ ગયા હતા.

રેલ્વે સ્ટેશન ઉપર મુસાફરો માટે ઉભા રહેવુ પણ મુશ્કેલ બન્યુ હતું. રેલ્વે તંત્ર પાસે કાંઈ જ પણ આશા મુસાફરો રાખી શકે એવી કોઈ સ્થિતિ જ ન હતી ત્યારે મુંબઈ જતી અને ટ્રેનો અટકાવી દેવામાં આવેલ હતી ત્યારે રેલ્વે સ્ટેશન ઉપર ટ્રેનો રાખવા માટેની પણ વ્યવસ્થા ન હોવાનું મુસાફરો દ્વારા ખાસ જણાવવામાં આવ્યુ છે. સુરેન્દ્રનગરથી રાજકોટ પાછી ટ્રેનોને મોકલવામાં આવતી હતી જ્યારે રેલ્વે સ્ટેશન પર એટલી બધી માત્રામાં મુસાફરો અટવાયા હતા કે ખાવા પીવા, ચા પાણી પણ રેલ્વે સ્ટેશન ઉપર મળવા ભારે મુશ્કેલ બન્યા હતા. મુસાફરોમાં મહિલા, બાળકો, વૃદ્ધોને ભારે મુસીબતભરી ટ્રેન મુસાફરી બની હતી ત્યારે રેલ્વે સ્ટેશન ઉપર મુસાફરોમા ભારે દેકારો મચતા રેલ્વેવાળાને મુસાફરોના ટીકીટના નાણા પરત કરવાની ફરજ પડેલ હતી.

ભાવનગરથી આવતા બ્રાંદ્રા ટ્રેન બોટાદ રેલ્વે સ્ટેશને જ અટકાવી દેવામાં આવેલ હતી.

સુરેન્દ્રનગર રેલ્વે સ્ટેશન પર સૌરાષ્ટ્ર મેઇલ અને રાજકોટ દુરન્તો એકસપ્રેસ ટ્રેન સુરેન્દ્રનગર રેલ્વે સ્ટેશન પર રોકી દેવામાં આવી હતી અને બંને ટ્રેન રોકી દેતા રેલ્વેના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલીક રેલ્વે સ્ટેશન પર દોડી આવીને લોકોને મદદ કરી હતી જેમાં પ્રથમ રાજકોટ મેઇન ટ્રેનને પરત રાજકોટ મોકલાઇ હતી. તેમજ બાદમાં દૂરન્તો એકસપ્રેસ રાજકોટ તરફ રવાના કરવામાં આવી હતી. તેમજ જે મુસાફરોને પરત જવ હોય તેને પરત તેમજ જે મુસાફરોને અમદાવાદ તરફ જવ હોય તેમણે સંપૂર્ણ ટીકીટના પૈસા રીફન્ડ કરવામાં આવ્યા હતા તેમજ ચાર બારી પરથી ટીકીટના પૈસા રીફન્ડ કરવામાં આવ્યા હતાં.  વડોદરા અને ઉપરવાસ વરસાદના કારણે ઉપરથી આવતી પ થી વધુ ટ્રેઇનો ન આવતા મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડયો હતો. ત્યારે સુરેન્દ્રનગર જંકશનમાં આવતી ઉપરથી અનેક ટ્રેનો ન આવતા મુસાફરો એ લીધેલ ટીકીટના નાણા સુરેન્દ્રનગર રેલ્વે વિભાગ દ્વારા પરત આપી પેસેન્જરોને રેલ્વે વેઇટીંગ રૂમમ)ં બેસાડયા હતાં.

(1:41 pm IST)