Gujarati News

Gujarati News

News of Thursday, 1st August 2019

કેશોદમાં સિઝનના કુલ ૧પ ઇંચ વરસાદ સાથે અષાઢની વિદાયઃ મેઘરાજા 'કવોટા' પુરો કરે તેવી શ્રાવણના પ્રારંભે ભોલેનાથને પ્રાર્થના

જેઠ (જુન) માં સાડા છ ઇંચ બાદ અષાઢના અંતિમ દિવસોમાં સાડા આઠ ઇંચ જેવો વરસી ગયો : કેશોદ વિસ્તારમાં સારા વર્ષ માટે ૩પ થી ૪૦ ઇંચની જરૂરત સામે લગભગ ૪૦% જેવો વરસ્યોઃ ઘટતો વરસાદ શ્રાવણમાં વરસી જાય તેવી આશાઃ પવિત્ર શ્રાવણ માસના પ્રારંભના પાવન પ્રસંગે શિવાલયોમાં ભકતોના મહાસાગરનો ઘુંઘવાટઃ રાત્રીના વધુ સવા ઇંચ

કેશોદ, તા. ૧ :. જેઠ (જૂન) માસમાં ચોમાસુ સીઝનના સાડા છ ઈંચ બાદ અષાઢ (જુલાઈ) માસના અંતિમ દિવસોમાં સાડા આઠ ઈંચ જેવો વરસાદ વરસતા કેશોદ વિસ્તારમાં લગભગ સીઝનના ૪૫ ઈંચ વરસાદ સાથે વરસાદ માટે મહત્વનો ધોરી માસ ગણાતો અષાઢ માસે વિદાય લીધેલ છે.

નોંધનીય છે કે કેશોદ વિસ્તારને સારા વર્ષ માટે લગભગ ૩૫ થી ૪૦ ઈંચ જેવા વરસાદની જરૂરત રહે છે. ગત વર્ષે સિઝનનો કુલ ૨૯ ઈંચ જેવો વરસાદ થવા પામેલ હતો. ગત અષાઢ (જુલાઈ) માસમા જ લગભગ ૨૨ ઈંચથી પણ વધુ વરસાદ પડી ગયો હતો ત્યાર બાદ સમયાંતરે નહીવત વરસાદ પડેલ હતો.

ગત વર્ષની સરખામણીમા ચાલુ વર્ષે વરસાદી વાતાવરણ બનતુ હોવા છતા અષાઢી માહોલ ઉભો થઈ શકેલ ન હતો પરિણામે માત્ર 'અમાસ'નો પ્રભાવ જોવા મળેલ હોય તેમ અષાઢના અંતિમ દિવસોમાં માત્ર સાડા ચાર ઈંચ જોવા જ વરસાદ પડેલ છે.

અત્રે લગભગ ૧૫ ઈંચ જેવોે સીઝનનો કુલ વરસાદ પડેલ છે ત્યારે હજુ સારા વરસાદ માટે ૫૫ થી ૬૦ ટકા જેવા વરસાદની જરૂરત જણાય રહેલ છે ત્યારે ઘટતો વરસાદ શ્રાવણ માસમાં વરસવાની આશા જન્મેલ છે.

ગઇકાલે દિવસ દરમ્યાન લગભગ દોઢ ઈંચ વરસ્યા બાદ રાત્રીના પણ વધુ સવા ઈંચ જેવો વરસી જતા છેલ્લા ચોવીસ કલાકમાં કુલ પોણા ત્રણ ઈંચ ધીમીધારે વરસાદ પડેલ છે. અત્રેથી પાંચ કી.મી. દુર મામલતદાર કચેરી ખાતે કાર્યરત કંટ્રોલરૂમ તરફથી મળેલ વરસાદી અંકો મુજબ ગઇકાલ સવાર થી આજ સવારના ૬વાગ્યા  સુધીમાં કુલ ૬૭ મી.મી. વરસાદ સાથે સિઝનનો કુલ ૩૬૪ મી.મી. વરસાદ નોંધાયેલ છે.

દરમિયાન  આજથી પવિત્ર શ્રાવણમાસનો શુભારંભ થયેલ છે. આ સાથે જ શિવાલયમાં ભકતોના મહાસાગરનો ધુંધવાટ શરૂ થયેલ છે. આગામી સારા વર્ષ માટે મેઘરાજા આ વિસ્તારમા જરૂરત મુજબનો  'કવોટા' પુરો કરે તેવી શ્રાવણ માસના પ્રારંભના પાવન પ્રસંગે ભગવાન ભોલેનાથ ના ચરણોમાં સર્વહીતાય અર્થે શિવભકતોએ પ્રાર્થના કરેલ છે.

(1:38 pm IST)