Gujarati News

Gujarati News

News of Thursday, 1st August 2019

જૂનાગઢ જિલ્લામાં ખેલ મહાકુંભમાં થયા ૨૫ હજાર રજીસ્ટ્રેશન

આ વખત પ્રથમ વાર કરાટે, ઘોડેસવારી, રોલબોલ, બ્રીજ રમતનો સમાવેશ

જૂનાગઢ,તા.૧: રમતગમત ક્ષેત્રે યુવાનોમાં રહેલી પ્રતિભાને  એક મંચ  મળે ,  યુવાનો, મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગ રમતવીરો વિવિધ રમતોમાં ભાગ લઇ રમતગમત થકી આંતરિક અને શારીરિક વિકાસ થાય એ માટે ગુજરાત સરકાર કટિબદ્ઘ છે. ગુજરાત સરકાર દ્વારા  ખેલ મહાકુંભનું  આયોજન વર્ષ ૨૦૧૦થી થાય છે. આ વર્ષે પણ ખેલમહાકુંભ યોજાશે. જેમાં યુવાનો,મહિલાઓ,વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગ રમતવીરો વિવિધ રમતોમાં ભાગ લઇ શકશે. જુનાગઢ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૨૫૦૦૦ જેટલા રજીસ્ટ્રેશન નોંધાયા છે. જેમાં ગ્રામ્ય કક્ષાએ ૧૫૫૦૦, તથા જૂનાગઢ શહેરમાં ૯૫૦૦ રજીસ્ટ્રેશન નોંધાયા છે.

ખેલમહાકુંભમાં જિલ્લા કક્ષાએ કુલ ૨૨ રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં  જિલ્લા કક્ષાએ હોકી,આર્ચરી,કુસ્તી ,ચેસ,રસ્સાખેંચ ,કબડ્ડી સહિતની રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જયારે રાજય કક્ષાએ  કુલ ૩૬ રમતોમાં ભાગ લઇ શકશે. જેમાં આ વખત રાજય કક્ષાએ કુલ ૪ નવી રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં કરાટે,દ્યોડેસવારી,રોલબોલ,બ્રીજનો સમાવેશ પ્રથમ વાર કરવામાં આવ્યો છે.

ખેલમહાકુંભ  માટે રજીસ્ટ્રેશન તા.૧૫ જુલાઈથી શરૂ થઈ ચૂકયું છે. જે આગામી તા૧૫ ઓગષ્ટ સુધી થઈ શકશે.  રજીસ્ટ્રેશન વેબસાઈટ  www.Khelmahakumbh.org, એન્ડ્રોઈડ અને આઈઓએસ મોબાઈલ એપ  Khelmahakumbh-૨૦૧૯ પર , ગ્રામ્ય કક્ષાએ જે તે શાળામાં,જિલ્લા કક્ષાએ જિલ્લા રમતગમત કચેરી, તથા સીધા રાજય કક્ષાએ જિલ્લા રમતગમત કચેરી પરથી કરી શકાશે. ખેલમહાકુંભ ૨૦૧૯ અંતર્ગત શાળા/ગ્રામ્ય કક્ષાએ સંભવિત તા.૨૮ ઓગષ્ટ થી તા.૩૧ઓગષ્ટ, તાલુકા કક્ષાએ સંભવિત તા.૧સપ્ટેમ્બર થી તા. ૮સપ્ટેમ્બર જયારે જિલ્લા કક્ષાએ તા.૯સપ્ટેમ્બર થી તા. ૨૦ સપ્ટેમ્બર સુધી અને રાજય કક્ષાએ સંભવિત ઓકટોબર-નવેમ્બર ૨૦૧૯માં યોજાશે.

નોંધનીય છે કે,આજ રોજ ખેલ મહાકુંભ ૨૦૧૯ના રજીસ્ટ્રેશન અન્વયે જૂનાગઢ મ્યુનિસિપલ કમિશ્નરશ્રી  તુષાર સુમેરાના અધ્યક્ષ સ્થાને મીટીંગ યોજાઈ હતી. જેમાં ખેલમહાકુંભમાં યુવાનો અને જનભાગીદારી વધે  એ માટે સંબંધિત  અધિકારીઓને સૂચન આપ્યા હતા. આ તકે જિલ્લા વિકાસ અધિકારી   પ્રવીણ ચૈાધરી, , જૂનાગઢ એસ.પી  સૈારભ સીંઘ, પ્રોબેશનરી સુપર ન્યુમરી આસી. કલેકટરશ્રી અક્ષય બુડાણીયા, જિલ્લા યુવા વિકાસ અધિકારી  હિતેશ દીહોરા ,તથા કૃષી યુનિવર્સિટી.ના રજિસ્ટ્રાર, ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના રજસ્ટ્રાર, જિલ્લા પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણાધિકારી, શહેરની કોલેજના પ્રિન્સીપાલ અને આચાર્ય, જિલ્લા રમતગમત શિક્ષણ કેન્દ્રના સીનીયર કોચ સહીતના ઉપસ્થિત રહ્યા હતા.

(1:37 pm IST)