Gujarati News

Gujarati News

News of Thursday, 1st August 2019

જુનાગઢના મેયર ધીરૂભાઇ ગોહેલ-ડે. મેયર હિમાંશુ પંડયા

સ્ટેન્ડીંગ કમીટીનાં ચેરમેન તરીકે રાકેશ ધુલેશીયા, શાસક પક્ષનાં નેતા નટુભાઇ પટોડીયા, દંડક તરીકે ધરમણ ડાંગરની વરણીઃ ભાજપની નવી બોડીના પ્રથમ જનરલ બોર્ડમાં પદગ્રહણ

જુનાગઢઃ તસ્વીરમાં કોર્પોરેશન ચૂંટણીના ઇન્ચાર્જ નિતીનભાઇ ભારદ્વાજ, ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધનભાઇ ઝડફીયા સાથે ભાજપના નવનિયુકત હોદેદારો નજરે પડે છે. (તસ્વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)

જુનાગઢ તા. ૧: જૂનાગઢ મહાનગરપાલિકાની નવી બોડીનું આજે સવારે પ્રથમ જનરલ બોર્ડ યોજાયું હતું. જેમાં મેયર તરીકે ધીરૂભાઇ ગોહેલ તથા ડે. મેયર પદે હિમાંશુભાઇ પંડયાની વરણી કરવામાં આવી હતી. જયારે સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન તરીકે રાકેશભાઇ ધુ લેશીયા, શાસકપક્ષના નેતા પદે નટુભાઇ પટોળીયા અને દંડક તરીકે ધરમણભાઇ ડાંગરની નિયુકિત કરવામાં આવી હતી.

ગત તા. ર૧ જુલાઇના રોજ જુનાગઢ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી યોજાઇ હતી. જેમાં ભાજપને કુલ ૬૦ બેઠકમાંથી પ૪ બેઠક મળી હતી. આજરોજ મહાનગરપાલિકાની ચૂંટાયેલી નવી બોડીને પ્રથમ જનરલ બોર્ડ કોર્પોરેશન ખાતે મળ્યું હતું.

જોકે આ અગાઉ મનોરંજન સર્કીટ હાઉસ ખાતે ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધનભાઇ ઝડફીયા અને મનપા ચુંટણીના ઇન્ચાર્જ નિતીનભાઇ ભારદ્વાજે ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં નકકી થયા મુજબ જુનાગઢ મનપાના પદાધિકારીઓના નામોની ઉપસ્થિત પાટી(ર્ના ચુંટાયેલા કોર્પોરેટરોની હાજરીમાં જાહેરાત કરી હતી અને ભાજપના તમામ નગરસેવકોને વિહીપ આપ્યો હતો.

દરમ્યાનમાં મનપાના કમિશ્નર શ્રી તુષાર સુમેરાના અધ્યક્ષ સ્થાને મળેલા જનરલ બોર્ડમાં ભાજપના નગર સેવકો સહિતના કોર્પોરેટરોની ઉપસ્થિતિમાં નવા પદાધિકારીઓની ચુંટણી પ્રક્રિયા યોજાઇ હતી.

જેમાં મેયર તરીકે વોર્ડ નં. ૯ના ભાજપના કોર્પોરેટર ધીરૂભાઇ ગોહેલની સર્વ સંમતીથી નિયુકિત કરવામાં આવી હતી. જયારે ડે. મેયર તરીકે વોર્ડ નં. ૭ના નગરસેવક હિમાંશુભાઇ વી. પંડયા, સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન તરીકે વોર્ડ નં. પ ના નગર સેવક રાકેશભાઇ આર. ધુલેશીયા, શાસકપક્ષના નેતા તરીકે વોર્ડ નં. ૧ ના કોર્પોરેટર નટુભાઇ પટોળીયા અને દંડક પદે વોર્ડ નં. ૧૩ના નગર સેવક ધરમણભાઇ ડાંગરની ભાજપના ચૂંટાયેલા કોર્પોરેટરોએ પોતાનો મત આપી નિયુકિત કરી હતી.

આ સાથે મેયર ધીરૂભાઇ ગોહેલ સહિતના ભાજપના નવનિયુકત પદાધિકારીઓએ પદગ્રહણ કર્યું હતું. આ તકે ઉપસ્થિત વિદાય લેતા મેયર આદ્યાશકિતબેન મજમુદાર, પૂર્વ ડે. મેયર ગિરીશભાઇ કોટેચા, શહેર ભાજપના પ્રમુખ શશીકાંતભાઇ ભીમાણી સહિતનાઓએ મેયરશ્રી ગોહેલ સહિતના નવનિયુકત પદાધિકારીઓને શુભેચ્છા પાઠવી હતી.

નવા વરાયેલા મેયર ધીરૂભાઇ ગોહેલ વિવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલા અને સ્વચ્છ પ્રતિભા ધરાવતા અગ્રણી છે. વ્યવસાયે બિલ્ડર એવા મેયરશ્રી ગોહેલે જણાવ્યું હતું કે, જુનાગઢ મહાનગરના વિકાસ માટે સૌને સાથે રાખીને આગળ ધપવામાં આવશે.

છેલ્લા ૩૦ વર્ષથી ગુર્જર ક્ષત્રિય કડીયા જ્ઞાતિના પ્રમુખ તરીકે સેવા આપી રહેલા મેયર શ્રી ગોહેલ વધુમાં જણાવ્યું હતું કે, નગરજનોની સમસ્યા અને ફરિયાદના નિરાકરણ માટે પ્રયાસો કરવામાં આવશે.

(1:19 pm IST)