Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

લેરીયાના હુમલાકાંડમાં 'આપ'ની ફરિયાદ બાદ ક્રાઇમ બ્રાંચ દ્વારા તપાસ

આખી રાત પોલીસ અધિકારીઓ સહિત પોલીસ કાફલાનો જડબેસલાક બંદોબસ્ત રહ્યો : વિડીયો ફૂટેજના આધારે તપાસનો ધમધમાટ

(વિનુ જોષી) જૂનાગઢ તા. ૧ : લેરીયાના હુમલાકાંડના પગલે વિસાવદરમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ હોવાનું જાણવા મળેલ છે.

'આપ'ના નેતાઓ પરના હુમલા અંગે મોડી રાત્રે ફરિયાદ લેવામાં આવી હતી. જેમાં વિડીયો ફૂટેજ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. બીજી તરફ સામાપક્ષે પણ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

વિસાવદરમાં કોઇ પણ અનિચ્છનીય બનાવ બને તે માટે પોલીસ અધિકારી સહિત કાફલાનો જડબેસલાક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

બુધવારે વિસાવદરના લેરીયા ગામે વિસાવદર તેમજ ભેસાણ પંથકના ૫૦ જેટલા સરપંચોનો આમ આદમી પાર્ટીમાં જોડાવાનો કાર્યક્રમ હતો. જોકે પાર્ટીના નેતા ઇસુદાન ગઢવીના જણાવ્યા પ્રમાણે તેઓ તેમજ સુરતના મહેશ સવાણી અને પ્રવિણ રામ સહિતના નેતાઓ તેમજ કાર્યકરો લેરીયા ગામે જન સંવેદના કાર્યક્રમમાં જતા હતા.

પરંતુ લેરીયા ગામે ૭ થી ૮ કારના કાફલા સાથે પહોંચે તે પહેલા અજાણ્યા શખ્સો લાકડી સહિતના હથિયારો સાથે નેતાઓની કાર પર તૂટી પડયા હતા. જેમાં ઇસુદાન ગઢવી સહિતના આગેવાનોએ કારમાં સીટ નીચે છુપાઇ જીવ બચાવ્યો હતો.

આ બનાવ બાદ 'આપ'ના નેતા વિસાવદર પોલીસ સ્ટેશન ખાતે દોડી ગયા હતા જ્યાં હુમલાખોરો સામે ફરિયાદ નોંધવા અને પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરવાની માંગ સાથે ધરણા પર બેસી ગયા હતા.

હુમલાના પગલે એસપી રવિ તેજાવાસમ સેટી, ડીવાયએસપી પ્રદિપ જાડેજા તેમજ એલસીબી, એસઓજીના અધિકારીઓ વગેરે વિસાવદર દોડી ગયા હતા.

જો કે મોડી રાત્રે આપના નેતાઓ પરના હુમલા સંદર્ભે ફરીયાદ લઇ ૧૩ શખ્સો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. સામા પક્ષે આપની ત્રણ વ્યકિત સામે પણ ફરિયાદ નોંધવામાં આવી હતી.

ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાએ સવારે અકિલા સાથેની ટેલીફોનિક વાતચીતમાં જણાવેલ કે, હુમલા અંગે રજુ કરવામાં આવેલ વિડીયો, ફોટા વગેરેના આધારે ક્રાઇમ બ્રાંચ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

દરમિયાન આજે સવારે એસપી ફરી વિસાવદર દોડી ગયા હતા. વિસાવદરમાં કોઇ અપ્રિય બનાવ બંને નહિ માટે સ્થાનિક પોલીસ ઉપરાંત મેંદરડા, બીલખા, ભેંસાણ અને પોલીસ હેડ કવાર્ટસના પોલીસ જવાનોનો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે અને પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.

મોડી રાત્રે ફરિયાદ લેવામાં આવતા 'આપ'ના નેતાઓ અને કાર્યકરોએ ધરણા સમેટી લીધા હતા.

(11:20 am IST)